સંજય જોશી, અમદાવાદ: કથિત રીતે ગૌ હત્યા અને તેના માંસથી દીકરીના લગ્નમાં બિરયાની બનાવવાના આરોપસર રાજકોટ જિલ્લાના આરોપીને સેશન્સ કોર્ટે ફટકારેલી ૧૦ વર્ષની સજાને સ્થગિત કરી હાઇકોર્ટે આરોપી સલીમ મકરાણીના જામીન પણ મંજૂર કર્યા છે.
હાઇકોર્ટે એવું અવલોકન કર્યું હતું કે, ‘આરોપી પશુ હત્યાની વ્યવસાયિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલો નથી, તેથી તેને કરવામાં આવેલી સજા સ્થગિત કરવામાં આવે છે.’
આ સમગ્ર મામલે હાઇકોર્ટે નોંધ્યું હતું કે,‘આ કેસમાં સામે આવેલાં તથ્યો અને મટિરિયલને ધ્યાનમાં લેતાં આરોપી પશુ હત્યાના આર્થિક વ્યવસાય સાથે સંકળાયેલો જણાતો નથી. તેણે બીફ(ગાયના માંસ)નો ઉપયોગ પોતાની દીકરીની લગ્નની ઉજવણી દરમિયાન બિરયાની બનાવવા માટે કર્યો હતો. તેવામાં આ કોર્ટ વિશિષ્ ન્યાયિક સત્તાનો ઉપયોગ કરતાં આરોપીની સજાને સ્થગિત કરવું યોગ્ય સમજે છે અને સજા સ્થગિત કરે છે.’
અરજદાર સલીમ મકરાણીને નીચલી અદાલતે ગૌ હત્યાના મામલે ૧૦ વર્ષની સજા ફટકારતાં આ સજા સામે તેણે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. મકરાણી વિરૂદ્ધ તેના પાડોશીએ ગૌ હત્યાની ફરિયાદ નોંધાવી હતી. જેમાં એવું કહ્યું હતું કે, મકરાણીએ એક છુટક મજૂર છે અને તેણે પાડોશીના બે વર્ષના વાછરડાંની ચોરી કરી હતી અને તેને કાપીને તેના માંસની બિરયાની બનાવી હતી. તેની દીકરીના લગ્ન હોઇ, તે પ્રસંગે આ બિરયાની મહેમાનોને પીરસવામાં આવી હતી.
આ ફરિયાદના અનુસંધાને, ધોરાજી કોર્ટે મકરાણીને દોષિત ઠરાવ્યો હતો. તેને વાછરડાની ચોરી અને તેની હત્યાના ગુનામાં ગત જુલાઇ મહિનામાં ૧૦ વર્ષની સજા ફટકારી હતી અને રૂપિયા એક લાખનો દંડ પણ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં પશુ સુરક્ષા કાયદામાં કરાયેલા સંશોધન બાદ કોઇ આરોપીને નીચલી અદાલતે દોષિત ઠરાવ્યાનો આ પ્રથમ બનાવ હોવાનું મનાય છે.
નીચલી અદાલતના આદેશની સામે મકરાણીએ ગત મહિને હાઇકોર્ટ સમક્ષ અપીલ કરી હતી. જેમાં તેની રજૂઆત હતી કે, આ પ્રકરણમાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં પણ ક્યાંય એવું સ્થાપિત થતું નથી કે, બિરયાનીમાં ગાયનું માંસ હતું. જેથી સેશન્સ કોર્ટે અરજદારને શંકાનો લાભ આપવો જોઇતો હતો. પરંતુ નીચલી કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારીને ભૂલ કરી હોય તે સજાને સસ્પેન્ડ કરવી જોઇએ”.
હાઇકોર્ટે અરજદારની અપીલ ગ્રાહ્ય રાખતાં નીચલી અદાલતની સજા સસ્પેન્ડ રાખી છે અને તેને રૂ. ૧૦ હજારના પર્સનલ બોન્ડ અને એટલા રૂપિયાની સ્યોરિટી જમા કરાવવાના આદેશ પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો. સાથે જ ટ્રાયલ કોર્ટ સમક્ષ તેને પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ પણ કર્યો છે.
Published by:Vijaysinh Parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર