Home /News /gujarat /

અમદાવાદ : જમીન સંપાદનના કેસોના મામલે હાઇકોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

અમદાવાદ : જમીન સંપાદનના કેસોના મામલે હાઇકોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

અમદાવાદ : જમીન સંપાદનના કેસોના મામલે હાઇકોર્ટે આપ્યો મહત્ત્વનો ચુકાદો

ગાંધીનગર જિલ્લાના લવારપુર, ફિરોઝપુર અને પ્રાતિયા ગામોની 69 જેટલી જમીનો નેશનલ હાઇવે બનાવવા માટે સંપાદિત કરવામાં આવી હતી

  સંજય જોશી, અમદાવાદ : જમીન સંપાદનના કેસોના મામલે એક અત્યંત મહત્ત્વનો ચુકાદો આપતાં હાઇકોર્ટની ખંડપીઠે ઠરાવ્યું છે કે શહેરી વિકાસ સત્તામંડળ હેઠળ આવતાં વિસ્તારોને જમીન સંપાદન માટે અર્બન એરિયા(શહેરી વિસ્તાર) તરીકે ગણી શકાય નહીં. હાઇકોર્ટની ખંડપીઠે ચુકાદો આપતાં રાજ્ય સરકારના જમીન સંપાદન કરતી વખતે ‘અર્બન’ અને ‘રૂરલ’ની જુદીજુદી વ્યાખ્યા કરતાં 10મી નવેમ્બર 2016 અને ત્યારબાદના 11મી સપ્ટેમ્બર 2018ના ઠરાવોને રદબાતલ ઠેરવતાં સરકારને મોટો ફટકો પડ્યો છે. નેશનલ હાઇવેના વિસ્તરણ માટે ગાંધીનગર જિલ્લાના ત્રણ ગામોની જમીન સંપાદનના વિવાદમાં હાઇકોર્ટે આ ચુકાદો આપ્યો છે.

  ગાંધીનગર જિલ્લાના લવારપુર, ફિરોઝપુર અને પ્રાતિયા ગામોની 69 જેટલી જમીનો નેશનલ હાઇવે બનાવવા માટે સંપાદિત કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં જમીનના અસરગ્રસ્તોએ હાઇકોર્ટમાં અરજી કરી હતી અને એવા મુદ્દા ઉપસ્થિત કર્યાં હતાં કે, હાઇવેના નિર્માણ માટે જ્યારે જમીનનું સંપાદન કરવામાં આવ્યું ત્યારે તેમની જમીન ગુડામાં આવતી હોવાથી તેને અર્બન કહીને તેનું સંપાદન કરવામાં આવ્યું હતું. તેના બે વર્ષ બાદ એટલે કે 2018માં વધુ એક ઠરાવ કરી સરકારે એવો નિર્ણય કર્યો હતો કે, સિવિક બોડી હેઠળ આવતી જમીનો જ અર્બન એરિયામાં ગણાશે. તેથી અસરગ્રસ્તોની જમીન પહેલાં ઠરાવ મુજબ અર્બન ગણી ઓછા વળતર ચુકવીને સંપાદિત કરાઇ અને ત્યારબાદ બીજા ઠરાવ મુજબ તેમની જમીન ગુડામાં આવતી હોવાથી તેમને વધુ વળતર મળવા છતાંય તેની ચુકવણી કરવામાં આવી નથી.

  આ પણ વાંચો - હાઇકોર્ટે વાઈટ શર્ટ વાળા વ્યકિતની શંકાસ્પદ પ્રવૃતિ વિશે ભુપેન્દ્રસિંહને પુછ્યું

  એટલું જ નહીં સરકાર દ્વારા જમીન સંપાદનના કાયદામાં જ્યારે તમામ જોગવાઇઓ સ્પષ્ટ છે ત્યારે આ રીતે ઠરાવો લાવીને નિયમોમાં ફેરફાર કરી શકાય નહીં. સરકાર ઠરાવ મારફતે ‘અર્બન’ અને ‘રૂરલ’ની વ્યાખ્યા કરી શકે નહીં કેમ કે કાયદામાં તેની વ્યાખ્યા સ્પષ્ટ છે. અરજદારોની માંગ હતી કે તેમની જમીન રૂરલ વિસ્તારમાં આવતી હોવાથી તેઓ બજાર ભાવથી ચાર ગણું વળતર મેળવવાના હકદાર છે. હાઇકોર્ટે અરજદારોની અરજી ગ્રાહ્ય રાખતાં સરકારના બંને ઠરાવો રદ કર્યા છે અને જમીન માલિકોને બજાર ભાવથી ચાર ગણી રકમ ગણીને વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.
  Published by:Ashish Goyal
  First published:

  Tags: ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ, હાઇકોર્ટ

  આગામી સમાચાર