અમદાવાદ: ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ વિદ્યાર્થીઓને તરત જ રોજગારી પ્રાપ્ત થાય તે માટે શિક્ષણ વિભાગે ૨૮ જાન્યુઆરીથી ૨૦ મી ફેબ્રુઆરી દરમિયાન સમગ્ર રાજ્યમાં ૨૩ જેટલા અલગ અલગ સ્થળો પર યોજેલા પ્લેસમેન્ટ ફેરનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ તમામ પ્લેસમેન્ટ ફેરનાં આયોજન બાદ મળેલી વિગતો મુજબ રાજ્યમાં અંદાજે વિવિધ કં૫નીઓ દ્વારા જે તે ક્ષેત્રમાં રોજગારી માટે ૨૮૦૦૦થી વધુ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી છે તેમાંથી ૮૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને નિમણૂંક પત્રો પણ આપી દેવાયા છે તેમ ગુજરાત સરકારે દાવો કર્યો છે.
શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, આ વિદ્યાર્થીઓને રાજ્યની વિવિધ પ્રતિષ્ઠિત કંપનીઓ દ્વારા નોકરીઓ માટેના કોલ લેટર આપવાની શરૂઆત થઇ ચૂકી છે. મહત્વની વાત એ છે કે, શિક્ષણ વિભાગના આ પ્લેસમેન્ટ ફેરના આયોજનના પરિણામે સાબરકાંઠા જિલ્લાના પોશીના, મહિસાગર જિલ્લાના લુણાવાડા ઉપરાંત રાજ્યના અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને પણ રોજગારીની તકો મળી છે. ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓને રોજગારી આપવાનો આવો પ્રયોગ સમગ્ર દેશમાં સૌ પ્રથમ વખત ગુજરાતમાં કરવામાં આવ્યો છે, જેનું અનુકરણ અન્ય રાજ્યો કરી શકે છે.”
ચુડાસમાએ જણાવ્યું હતું કે, પ્લેસમેન્ટ ફેરસમગ્ર ગુજરાતમાં કોલેજો યુનિવર્સિટીઓ સહિત ૪૮૩ સંસ્થાઓએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ૧૨૯૦ જેટલી પ્રાઈવેટ સેક્ટર, પબ્લિક સેક્ટર, સ્મોલ સ્કેલ, મીડીયમ સ્કેલ તેમજ વિવિધ લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ભાગ લેવામાં આવેલ હતો. જેમણે ૪૧૮૨૬ જેટલા ઈન્ટરવ્યુ લીધા હતા.