ગાંધીનગર: ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, સુરત, વડોદરા અને રાજકોટ ખાતે સગીર બાળકી પર થયેલા દુષ્કર્મ સંદર્ભે રાજ્ય સરકાર અત્યંત સંવેદનશીલ છે. ઘટનાની જાણ થતા જ ત્રણેય જગ્યાએ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમો બનાવીને તપાસની કાર્યવાહી પૂરજોશમાં હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમ્યાન મળેલ માહિતી અનુસાર કોઇપણ ચમરબંધીને રાજ્ય સરકાર છોડશે નહી.
મંત્રી જાડેજાએ ઉમેર્યું કે, ભોગ બનનાર બાળકીઓના સંબંધિઓને તપાસ માટે રાજ્ય સરકાર દ્વારા સ્પેશ્યલ પી.પી.ની સેવાઓ પૂરી પાડવાનો પણ રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. ઘટનાની સંવેદનશીલતાને ધ્યાને લઇને આ તમામ કેસો ફાસ્ટ ટ્રેક મોડ ઉપર ચલાવવા માટે ગુજરાત હાઇકોર્ટને રાજ્ય સરકાર દ્વારા વિનંતી પણ કરવામાં આવશે અને પેરવી ઓફિસરની સેવાઓ પણ લેવાશે.
આ ત્રણેય ઘટનાઓમાં બાળકીઓ સગીર હોવાથી પોક્સો એક્ટ અને આઇ.પી.સી.ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, સુરતના સલાબતપુરા વિસ્તારમાં સગીરા પર તેના સાવકા પિતા દ્વારા શોષણ કરીને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનાની તપાસ કરીને ગણતરીના કલાકોમાં જ આરોપી ની ધરપકડ કરી દેવાઇ છે.
આરોપી હાલ જ્યુડીશીયલ કસ્ટડીમાં છે. એજ રીતે વડોદરા ખાતેની ઘટનામાં પણ બાળકી ઉપર જે દુષ્કર્મ થયું છે તે અવાવરૂ વિસ્તારમાં થયું હોવાથી વડોદરા પોલીસ કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ, એસ.ઓ.જી. અને સ્થાનિક પોલીસ સહિત જુદી-જુદી ૨૨ ટીમો બનાવીને હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ કરવામાં આવી રહી છે.
વડોદરા પોલીસે ૫૦ થી વધુ સ્કેચ તૈયાર કરીને આરોપીઓને પકડવા માટે રૂપિયા એક લાખનું ઇનામ પણ જાહેર કર્યું છે. તપાસમાં સી.સી.ટી.વી. ફૂટેજ, ટેક્નીકલ સર્વેલન્સ અને એફ.એસ.એલ.ની મદદ પણ લેવામાં આવી રહી છે. અને ટૂંક સમયમાં આરોપીઓની ધરપકડ પણ કરાશે.
મંત્રીએ ઉમેર્યું કે, રાજકોટ શહેરના એક બાળકીને રાત્રિના સમયે તેમના ઝૂંપડામાંથી ઉપાડી જઇને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના ધ્યાને આવી છે. તેની પણ પોલીસ કમિશ્નર રાજકોટના માર્ગદર્શન હેઠળ તપાસ આરંભી ૧૫ ટીમોની રચના કરી હ્યુમન ઇન્ટેલીજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સથી તપાસ કરીને આરોપીની ધરપકડ કરી લેવાઇ છે.
બાળકીને વન સ્ટોપ સેન્ટર દ્વારા કાઉન્સેલીંગ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવી છે. બાળકી હાલ સારવાર હેઠળ છે અને તેની તબિયત સુધારા પર છે. સુરત, વડોદરા અને રાજકોટ ખાતેના આ ત્રણેય બનાવોમાં વિક્ટીમ કોમ્પેનશેસન ફંડ હેઠળ સહાય પણ રાજ્ય સરકાર દ્વારા પૂરી પાડવામાં આવશે.
ગૃહરાજ્ય મંત્રીએ દાવો કર્યો કે, નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના 2017ના આંકડા અનુસાર ગત વર્ષની સરખામણીએ મહિલાઓ ઉપર થતા અત્યાચારના ગુનાઓમાં સંદર્ભમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને દેશભરમાં આવા ગુનાઓ સંદર્ભે ગુજરાત 29મા ક્રમે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર