ગત વર્ષે ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં માટી ભેળવાનું કૌભાંડ, ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા બાદ આ વખતે સરકારે મગફળીની ખરીદીમાં ખૂબ સાવધાની રાખી રહી છે.
ન્યૂઝ18 ગુજરાતીઃ ઓનલાઇન રજીસ્ટ્રેશન બાદ આજથી સરકાર રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરશે. સવારના આઠ વાગ્યાથી વિવિધ યાર્ડોમાં મગફળીની ખરીદી શરૂ કરી દેવામાં આવી છે. ગત વર્ષે ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીમાં માટી ભેળવાનું કૌભાંડ, ગોડાઉનોમાં આગ લાગવાના બનાવો સામે આવ્યા બાદ આ વખતે સરકારે મગફળીની ખરીદીમાં ખૂબ સાવધાની રાખી રહી છે. સરકાર કેટલાક નિયમોને આધિન ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે.
1) ખરીદી પહેલા ખેડૂતોની મગફળીના ત્રણ-ત્રણ સેમ્પલ લેવામાં આવશે. સેમ્પલ ચેક કર્યા બાદ જ મગફળીની ખરીદી કરવામાં આવશે. 2) મગફળીમાં જો બે ટકા સુધી કચરો હશે તો માલ સ્વીકારવામાં આવશે, તેનાથી વધારે કચરો હશે તો માલ સ્વીકારવામાં નહીં આવે.
3) ખરીદ કેન્દ્ર પર એક ખેડૂત પાસેથી 2500 કિલોગ્રામ (125 મણ) મગફળીની ખરીદી કરવામાં આવશે. 4) એટલે કે એક ખેડૂત પાસેથી 2500 કિલોગ્રામ મગફળીની જ ટેકાના ભાવે ખરીદી કરી શકાશે, તેનાથી વધારે મગફળી ખેડૂતે બજાર ભાવ કે અન્ય કોઈ રીતે વેચવી પડશે. 5) આ વર્ષે ભરતીનું માપ 30 કિલોગ્રામ રાખવામાં આવ્યું છે. એટલે કે એક ગુણીમાં 30 કિલોગ્રામ મગફળીની ભરતી કરવામાં આવશે. 6) સૌથી અગત્યની વાત કે જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમની મગફળી જ ટેકાના ભાવે ખરીદવામાં આવશે.
ફ્લાઇંગ સ્ક્વોટ તહેનાત રહેશે
ગત વર્ષની ગોલમાલ પરથી શીખ મેળવીને આ વખતે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરતી વખતે ખાસ ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત મગફળીની ખરીદી કરવામાં આવતી હોય ત્યાં પાંચ સભ્યોની એક ટીમ પણ હાજર રહશે. આ ઉપરાંત ખરીદ કેન્દ્રો પર પોલીસ પણ નજર રાખશે. પાંચ લોકોની સમિતિમાં ગોડાઉન, ગુજરાત નાગરિક પુરવઠા નિગમ, ખેતીવાડી વિભાગ, રેવન્યૂ વિભાગ અને નાફેડના અધિકારીનો સમાવેશ થાય છે.