Home /News /gujarat /ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, સવર્ણ અનામત આવતીકાલથી જ અમલી

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, સવર્ણ અનામત આવતીકાલથી જ અમલી

વિજય રૂપાણી

રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામતનો લાભ આપવાની જાહેરાત

ન્યૂઝ18 ગુજરાતી: કેન્દ્રની મોદી સરકારે મૂકેલા 10 ટકા સવર્ણો અનામતના બિલને લોકસભા અને રાજ્યસભામાં મંજૂરી મળ્યા બાદ હવે ગુજરાતમાં આવતીકાલથી જ તેનો અમલ કરાશે. આવતીકાલે એટલે કે મકરસંક્રાંતિના દિવસથી જ રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામતનો લાભ આપવાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

રાજ્યમાં મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવા મળશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ 10 ટકા અનામતનો લાભ અપાશે.

આ પણ વાંચો, 10 ટકા અનામત બિલને રાષ્ટ્રપતિની મંજૂરી, એક સપ્તાહમાં થઈ જશે લાગુ

ઉલ્લેખનીય છે કે, 14 જાન્યુઆરી પહેલા જે ભરતી પ્રક્રિયામાં લેખિત-મૌખિક પરીક્ષા તેમજ કોમ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ પ્રિલીમીનરી પરીક્ષા થઇ ગઈ છે તેને આ અનામતનો લાભ લાગુ થઇ શકશે નહીં. ભરતી માટેની કોઈ જ પ્રક્રિયા શરૂ ન થઇ હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે.

આ 10 ટકા અનામત એસસી, એસટી અને એસઈબીસીને મળવા પાત્ર 49 ટકા ઉપરાંતની રહેશે. મુખ્યમંત્રીએ કેન્દ્ર સરકારે બિનઅનામત વર્ગોને 10 ટકા અનામત આપવાના કરેલા નિર્ણયને સૌ પ્રથમ પ્રતિસાદ આપતા આ નિણર્ય કર્યો છે.

રાષ્ટ્રપતિએ આપી મંજૂરી

આર્થિક રુપથી સામાન્ય વર્ગના લોકો માટે શિક્ષા અને સરકારી નોકરીઓમાં 10 ટકા અનામતના સંવિધાન સંશોધન વિધેયકને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મંજૂરી મળી હતી. કેન્દ્ર સરકારે આ બાબતની અધિસુચના જાહેર કરી છે. હવે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય એક સપ્તાહની અંદર નિયમોને અંતિમ રુપ આપશે. આ પછી આર્થિક રુપથી પછાત લોકો માટે આ અનામત લાગુ થઈ જશે.

આ પણ વાંચો, શિક્ષા અને સરકારી નોકરીમાં 10% અનામત માટે આ 8 ડોક્યુમેન્ટને રાખજો તૈયાર

323 વોટ સાથે લોકસભાની મંજૂરી

સામાન્ય વર્ગના આર્થિક રુપથી પછાત લોકોને નોકરી અને શિક્ષામાં 10 ટકા અનામત આપવાના નિર્ણય પર નરેન્દ્ર મોદી કેબિનેટે 7 જાન્યુઆરીએ મોહર લગાવી હતી. આ પછી 8 જાન્યુઆરીએ લોકસભામાં સંવિધાનનું 124મું સંશોધન વિધેયક-2009 રજુ કરવામાં આવ્યું હતું. જે લોકસભામાં પાસ થયું હતું. બિલના સમર્થનમાં 323 વોટ પડ્યા હતા અને વિપક્ષમાં 3 સભ્યોએ મતદાન કર્યું હતું.

રાજ્યસભામાં 165 વોટ

9 જાન્યુઆરીએ આ બિલને રાજ્યસભામાં રજુ કરવામાં આવ્યું હતું. રાજ્યસભામાં બિલના પક્ષમાં 165 વોટ પડ્યા હતા. જ્યારે 7 સભ્યોએ આ બિલના વિરોધમાં મતદાન કર્યું હતું.

આ પણ વાંચો, મોદીના મગજમાં અહીંથી આવ્યો સવર્ણ અનામતનો આઈડિયા

સુપ્રીમ કોર્ટમાં પિટીશન

બીજી તરફ આ અમાનતના વિરોધમાં એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં પિટીશન કરી છે. બિલ રાજ્યસભામાં પાસ થયાના બીજા જ દિવસે આ અરજી કરવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટ આ મામલે શું નિર્ણય કરશે તેના ઉપર બધાની નજર રહેશે.
First published:

Tags: 10% reservation, Jobs, Vijay Rupani, ગુજરાત, પીએમ નરેન્દ્ર મોદી