Home /News /gujarat /

Hit & Run: હિટ એન્ડ રનના કિસ્સામાં મૃતકના પરિવારને મળતા વળતરમાં 700%નો વધારો

Hit & Run: હિટ એન્ડ રનના કિસ્સામાં મૃતકના પરિવારને મળતા વળતરમાં 700%નો વધારો

રાજ્યના પરિવહન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેને કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે.

Gujarat News: રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં 2020 (1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર) માં 100 હિટ એન્ડ રન અકસ્માત નોંધાયા હતા. તે અકસ્માતોમાં કુલ 56 લોકોનાં મોત નીપજ્યાં હતાં.

અમદાવાદ: રાજ્ય સરકારે હિટ-એન્ડ-રન (hit & Run Accident) કેસમાં મૃત્યુ (Death) અને ઈજા માટે ચૂકવવામાં આવતા વળતરમાં વધારો (Compensation in Accident) કર્યો છે. જે અનુસાર, હિટ એન્ડ રનમાં મૃત્યુના કિસ્સામાં પીડિતના પરિજનોને 2 લાખ રૂપિયા મળશે. અગાઉ આ રકમ રૂ. 25,000 હતી. જ્યારે જેઓ ઘાયલ થયા છે, તેમને રૂ. 50,000 મળશે, અગાઉ વળતર રૂ. 12,500 હતું.

વળતરમાં 700 ટકાનો વધારો

રાજ્યના પરિવહન વિભાગના અધિકારીઓએ મંગળવારે જણાવ્યું હતું કે, હિટ એન્ડ રન અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો માટે વળતરમાં 300% વધારો કરવામાં આવ્યો છે. તેઓએ કહ્યું કે મૃતકના પરિજનો માટે વળતરમાં 700% વધારો કરવામાં આવ્યો છે.

એક વર્ષમાં અમદાવાદમાં 110 મોત

નવા વળતર માળખા અંગે સોમવારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. અમદાવાદ શહેરમાં 31 ડિસેમ્બર, 2021ના રોજ પૂરા થતા બે વર્ષમાં 204 હિટ એન્ડ રન અકસ્માતોમાં 110 લોકોનાં મોત નીપજ્યાં હતાં. તે ઘટનાઓ માટે જવાબદાર એક પણ વાહનનો પત્તો લાગ્યો નથી.

કેન્દ્ર સરકારે શરૂ કરી યોજના

વળતર યોજનાની વાત કરીએ તો, રાજ્યના પરિવહન વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેને કેન્દ્ર સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. ગુજરાત સરકારે 1 એપ્રિલથી તેનો અમલ કર્યો હતો. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે હિટ એન્ડ રન મોટર અકસ્માત યોજના, 2022 ના પીડિતોને વળતર લાગુ કરવા માટે 25 ફેબ્રુઆરીએ જાહેરનામું બહાર પાડ્યું હતું.

આ પણ વાંચો - Recruitment of Teacher: ભરતી ક્યારે? રાજ્યની શાળાઓમાં 3 હજાર વ્યાયામ શિક્ષકોની જગ્યા ખાલી

રાજ્ય સરકારના નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, કેન્દ્ર આયોજીત પહેલની શરૂઆત 1989માં સોલેટિયમ યોજના તરીકે થઈ હતી. સોલેટિયમ એટલે વળતર. તે લેટિનમાંથી આવ્યું છે, જેનો શાબ્દિક અર્થ 'આશ્વાસન' થાય છે.

RTOના ખભે આવશે જવાબદારી

રાજ્ય સરકારના જાહેરનામા મુજબ આરટીઓ અને સંબંધિત જિલ્લા કલેક્ટર આ યોજનાનો અમલ કરવાની જવાબદારી સંભાળશે. રાજ્યના પરિવહન વિભાગે વિગતવાર અકસ્માત અહેવાલ (DAR) દાખલ કરવા માટે સંપૂર્ણ તપાસ હાથ ધરવાની પ્રક્રિયા હાથ ધરી છે. દાવાઓના ઝડપી નિકાલ માટે સમય મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે.

આ પણ વાંચો - વાહન ચોરીની અનોખી ઘટના, વાહનો કબ્જે કરવા હળવદ ગયેલી પોલીસ પર હુમલો

વિધાનસભામાં રાજ્ય સરકારનો ખુલાસો

રાજ્ય સરકારે વિધાનસભામાં જણાવ્યું છે કે, અમદાવાદ શહેરમાં 2020 (1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર) માં 100 હિટ એન્ડ રન અકસ્માત નોંધાયા હતા. તે અકસ્માતોમાં કુલ 56 લોકોનાં મોત નીપજ્યાં હતાં. વર્ષ 2021માં આવા 104 અકસ્માત થયા હતા અને 54 લોકોના મોત થયા હતા. જિલ્લામાં વર્ષ 2020માં આવા અકસ્માતોની સંખ્યા 47 હતી અને તેમાં 33 લોકોનાં મોત નીપજ્યાં હતાં. 2021માં 59 અકસ્માતમાં 55 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
Published by:Kaushal Pancholi
First published:

Tags: અકસ્માત, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર