અમદાવાદઃ કેરળમાં નિપાહને કારણે અત્યાર સુધી 10 લોકોનાં મોત થયા છે, જ્યારે બે લોકો ગંભીર છે. જેને લઈને હવે ગુજરાતમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે નિપાહ વાઇરસ ચામાચીડિયાથી ફેલાય છે. આ જીવલેણ વાઇરસના આતંકથી બચવા લોકો માસ્ક લગાવી ફરી રહ્યા છે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી કેકે શૈલજાએ કહ્યું હતું કે કોઝિકોડમાં સારવાર કરાવી રહેલા રાજન અને અશોકનનું મંગળારે મોત થઈ ગયું છે. બંને આ વાઇરસથી પીડિત હતા. જ્યારે એક નર્સ લીનિનું પણ મોત થઈ ગયું છે. કેરળમાં આ વાઇઇસરના પ્રકોપને લઈને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને (WHO)જાણકારી આપવામાં આવી છે.
સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો
નિપાહ વાઇરસને લઈને રાજય સરકાર એલર્ટ આપ્યું છે. ગુજરાતમાં રોગને પ્રવેશતો અટકવવા માટે તંત્રએ કવાયત શરૂ કરી છે. આ સાથે જ તબીબો સહિત જિલ્લા કલેકટરને સૂચના આપવામાં આવી છે. સાથે જ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવા સૂચના આપી છે. રાજય સરકાર દ્વારા હેલ્પ લાઈન નંબર જાહેર કરાયો. નિપાહના કેસમાં 9727723301 સ્ટેટ નોડલ ઑફિસરનો સમ્પર્ક કરવાનો રહેશે.
મહત્વનું છે કે નિપાહ રોગ 1998-99માં સૌપ્રથમ મલેશિયામાં જોવા મળ્યો હતો. જેમાં આશરે 257 જેટલા કેસ નોંધાયા હતા. જે પેકી 105 જેટલા લોકોનાં મોત થયા હતા. ત્યાર બાદ આ રોગ બાંગ્લાદેશ અને સિંગાપુરમાં પણ જોવા મળ્યો હતો. બાંગ્લાદેશમાં 2013માં નોંધાયેલા 24 કેસ પૈરી 21ના મોત થયા હતા. આમ આ રોગનો મૃત્યદર ઘણો ઉંચો છે. ભારતમાં સૌપ્રથમ આ રોગ સિલીગુડી ખાતે 2001માં નોંધાયો હતો.
નિપાહ વાઇરસનો ચેપ મુખ્યત્વે આ રોગથી પ્રસિત એવા ચામાચીડિયાથી કે ભૂંડના સંપર્કમાં આવવાથી ફેલાઈ છે. ચામાચીડિયામાં આ વાઇરસનો કુદરતી આશ્રયસ્થાન છે. આ વાઇરસ તેના પેશાબ, મળ, લાળ તથા ઉત્સગિંક પ્રવાહીમાં જોવા મળે છે. જેના સંપર્કમાં આવવાથી ડુક્કર ચેપગ્રસ્ત થયા છે. નિપાહ વાઇરસના સંપર્કમા આવેલી વ્યક્તિ પણ આ રોગનો ભોગ બને છે.
આ રોગના મુખ્ય લક્ષણ
તાવ, માથાનો દુખાવો, સુસ્તી, માનસિક અસ્વસ્થતા, ખેંચ અને કોમા વગેરે મુખ્ય છે. આ રોગના લક્ષણો 5થી 14 દિવસ પછી જોવા મળે છે.
કેવી રીતે ફેલાઈ છે આ રોગ?
ચામાચીડિયાથી ફેલાતો વાઇરસ ફળ ફુલને આરોગે છે અને તે કોઇ માનવના સંસર્ગમાં આવતાં ફેલાય છે.મહત્વનું છે કે, બીજી તરફ દેશમાં કેટલાક સ્થળો પર ચામાચીડિયાને પકડવા માટે પશુપાલન વિભાગ દ્વારા કુવા અને ઝાડ પર જાળ લગાવવામાં આવી રહી છે.
નિપાહ વાઇરસની અસર
નિપાહની અસરગ્રસ્ત કેટલાક કેસોમાં દર્દી 24થી 48 કલાકમાં કોમામાં જતો રહે છે. આ વાઇરસના દર્દીઓનું મૃત્યુઆંક 75 ટકા છે
જણાવી દઇએ કે નિપાહ વાઇરસ સામે આવ્યા બાદ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાએ એનસીડીસીની ટીમને કેરલ મોકલી છે. આ ઉપરાંત કેરલનું સ્વાસ્થ્ય વિભાગ પણ આ ઘટના પર કામ કરી રહ્યું છે.