હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે આયુષ્માન ભારત યોજનાને એક વર્ષ પૂર્ણ થતા આજે (સોમવારે) ગાંધીનગર ખાતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 108 અને ખિલખિલાટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગર ટાઉન હોલ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સંબોધન કરતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ નીતિન પટેલે પીએમ નરેન્દ્ર મોદીના અમેરિકાના પ્રવાસને યાદ કરતા હળવી શૈલીમાં કહ્યુ હતુ કે, પીએમને હવે ભારત નાનું પડે છે. તેઓ હવે શક્તિશાળી મિત્રો બનાવી રહ્યા છે. મિત્રો જ શક્તિશાળી હોય તો દુશ્મનો સામે લડવામાં કામ લાગે છે.
રાજ્યમાં આયુષ્માન પાછળ રૂ. 1373 કરોડ ખર્ચાયા
આ પ્રસંગે કેન્દ્ર સરકારની આયુષ્માન ભારત યોજનાના વખાણ કરતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, "વડાપ્રધાન મોદીનું સ્વપ્ન છે કે 130 કરોડ જનતાને આ યોજનાનો લાભ મળવો જોઇએ. આ યોજનાનું પરિણામ એવું આવ્યું કે અત્યાર સુધી કુલ 2637 હોસ્પિટલનો આ યોજના સાથે જોડી દેવામાં આવી છે. જેમાં 832 ખાનગી અને 1805 સરકારી હોસ્પિટલોનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 8,45,000 ગરીબોને આ યોજનાનો લાભ આપવામાં આવ્યો છે, જેના પાછળ રૂ. 1373 ખર્ચાયા છે."
'મચ્છરોને મારવાના બાકી છે'
વડાપ્રધાન મોદીની યુએસ મુલાકાત બાબતે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું કે, "ગઈકાલે ટ્રમ્પે પણ કહ્યું હતું. હવે આપણા વડાપ્રધાનને ભારત નાનું પડે છે. હવે સાહેબે દુનિયા પકડી છે. એમાં પણ નાનો મોટો દેશ નહીં પરંતુ સીધુ અમેરિકા પકડ્યું છે. દુનિયાનો સૌથી શક્તિશાળી દેશનો પ્રસિડેન્ટ કાર્યક્રમમાં હાજર રહે તે મોટી વાત છે. પીએમ મોદીએ અમેરિકામાં ગુજરાતીઓ અને ભારતીયોને મળવાનો કાર્યક્રમ ગોઠવ્યો હતો. આ કાર્યક્રમમાં હાજર રહેવા માટે મોદીએ ટ્રમ્પને પણ નિમંત્રણ આપ્યું હતું. ટ્રમ્પને થયું કે આટલા બધા લોકો સાથે મળતા હોય તો હું કેમ પાછળ રહી જાઉં. સાહેબને મિત્રો બનાવવાનો શોખ છે. એમાં પણ શક્તિભાળી મિત્ર હોય તો ગમે ત્યારે કામ આવે. આ નાના મચ્છરો જીવાત, એ બધુ હજી મારવાનું બાકી છે. મચ્છરો અને જીવાત મારવી હોય અને આતંકનો રોગચાળો નાબૂદ કરવા હોય તો સૈન્યની સાથે સાથે મિત્રોનો સાથ પણ જરૂરી છે."