હાલમાં જ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા આશાબેન પટેલ ભાજપમાં જોડાઇ ગયા છે, આ પહેલા તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ગાંધીનગર ખાતે નીતિન પટેલ સાથે મુલાકાત કરી હતી. જો કે આ મુલાકાત અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે નીતિન પટેલ પર નિશાન સાધ્યું હતું.
જયરાજસિંહે જણાવ્યું કે આશાબેનને 2009માં મહેસાણા જિલ્લા મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બનાવ્યા પછી તેમને 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ આપી તેઓ 2012માં ચુંટણી હારી ગયા છતાં 2014માં ફરી ટીકીટ આપી ધારાસભ્ય બનવાનું સન્માન આપનાર કોંગ્રેસમાંથી આશાબેન આનાથી વધારે ક્યું માન મેળવવા ભાજપના આંગણે પહોચ્યા એ સમજાતુ નથી. વળી ઉપ મુખ્યમંત્રી નિતિન પટેલ પાસે આશાબેન માર્ગદર્શન મેળવવા ગયા એ વાત રમુજ પેદા કરે તેવી છે.
વધુમાં જયરાજસિંહે કહ્યું કે માંડવે પહોચીને પોંખાયા વિના પાછા ફરેલા મુખ્યમંત્રી પદના દાવેદાર પાસે સન્માન જાળવવાની રાવ લઈને પહોચેલા આશાબેન નીતિનભાઈના ઘા પર મીઠું ભભરાવવાનો ઇરાદો તો નહીં રાખતા હોય ને? મુખ્યમંત્રી પદ વેળા અમિત શાહે નાક કાપી નાખ્યાં છતાં કોઈ ગર્ભિત મજબુરીવશ નીતિનભાઈ વરરાજા મટી રૂપાણી સાહેબની જાનમાં જાનૈયા થઈ માંડવે મહાલતા રહ્યાં.
આ ઓછુ હોય તેમ નવી પરણેલી વહુ આવીને ઘરની તિજોરીની ચાવીનો ઝુડો સાસુ પાસેથી પડાવી લે તેમ તિજોરીની ચાવી રૂપાણીએ માલેતુજાર જમાઈ સૌરભ દલાલના હાથમાં પકડાવી દીધી હતી તે સમયે નીતિનભાઈનું આત્મસન્માન હંગામી ધોરણે બેઠું થયું અને અધકચરો બળવો કર્યો જે સૌ જાણે છે. પરંતુ આ પછી વાઈબ્રન્ટ કે શોપીંગ ફેસ્ટિવલ વખતે રૂપાણી અને મોદીજીએ ગાડીમાં બેસીને જે રીતે નીતિન પટેલને રઝળતા મુક્યા એ દ્રશ્ય આશાબેને જોયું જ હશે.
આ સ્થિતિએ પોતાનું જ સન્માન ખોળતા નીતિન ભાઈને રસ્તોના સૂઝતો હોય ત્યાં આશાબેનને શું રસ્તો સુઝાડશે? જે પોતેજ માર્ગ ભુલ્યા છે એ નીતિનભાઈ પાસે માર્ગદર્શન માંગવુ આંધળા પાસેથી આંખોનું દાન માંગવા જેવું છે. નીતિનભાઈ ખુદ પીડિત છે ત્યારે આશાબેનની પીડાનો ઈલાજ કેવી રીતે કરશે એ આશાબેન જાણે.
નરેન્દ્ર મોદીને ખીસાકાતરૂ અને અમિતશાહને જનરલ ડાયર કહેનારા વરૂણ પટેલ સામે ખોળો પાથરતી ભાજપ ખુદ સ્વમાન ખોઈ બેઠી છે ત્યારે આશાબેનને ક્યું માન આપશે તે પ્રશ્ન છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર