મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સિતારમણે લોકસભામાં રજૂ કરેલા 2019-20ના અંદાજપત્રને નયા ભારતના નિર્માણની નીંવ મુકનારૂં બજેટ ગણાવતા વધાવ્યું હતું. વિજય રૂપાણીએ બજેટ અંગેના પ્રતિભાવો આપતાં કહ્યું કે, દેશના પહેલા મહિલા નાણાં મંત્રી તરીકે નિર્મલાજીએ પ્રસ્તુત કરેલા આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ માટે વધુ નાણાં ફાળવણી, સાથે-સાથે પાણી અને રિન્યુએબલ એનર્જી પર વિશેષ ઝોક આપવામાં આવ્યો છે.
મુખ્યમંત્રીએ આ અંદાજપત્રમાં મહિલાશકિતની પણ ચિંતા કરી ‘નારી તું નારાયણી’ પ્રોજેકટ તથા ખેડૂતોની આવક બમણી થાય એ દિશાના પ્રયાસોને પણ આવકાર્યા છે.
તેમણે કહ્યું કે, નાણાંના વધુ સ્ત્રોત ઊભા કરવા માટે જે લોકોની આવક વધુ છે તેવા સંપન્ન લોકો વધુ ટેક્ષ-કર આપે એ સિધ્ધાંતના આધાર પર બજેટ પેશ થયું છે.મુખ્યમંત્રીએ કહ્યું હતું કે આગામી દિવસોમાં યુવાનોને રોજગારી, સ્ટાર્ટઅપ, ઉચ્ચશિક્ષણને પ્રાધાન્ય આપતું બજેટ ‘‘હર હાથ કો કામ’’એ દિશાનું બજેટ છે.