ગીતા મહેતા, ગાંધીનગર : આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે. 7મી ઓગસ્ટનાં એટલે આજે રૂપાણી સરકાર ચોથા વર્ષમાં પ્રવેશ કરશે. આજે રાજ્ય સરકારે પાટનગર ગાંધીનગરમાં સંકલ્પથી સિદ્ધિ કી ઔર કાર્યક્રમ થવાનો હતો. પરંતુ ગઇકાલે રાતે પૂર્વ વિદેશ પ્રધાન સુષમા સ્વરાજનું 67 વર્ષની ઉંમરે નિધન થયું છે. જેના કારણે ભાજપ સરકારનાં તમામ કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યાં છે. મુખ્યમંત્રી રૂપાણી આજે બુધવારે 'મનની મોકળાશ' કાર્યક્રમ અંતર્ગત લોકો સાથે સંવાદ કરવાનાં હતાં. જેને પણ મુલતવી રાખવામાં આવ્યો છે.
મહત્વનું છે કે આજે મુખ્યમંત્રી 'મનની મોકળાશ' કાર્યક્રમની શરૂઆત કરીને તેઓ સૌ પ્રથમ ઝૂંપડપટ્ટીમાં રહેતાં લોકો સાથે ‘મનની મોકળાશ’ કાર્યક્રમ કરવાનાં હતાં. આ કાર્યક્રમ સાથે તેઓ અન્ય કાર્યક્રમોનાં સંકલ્પની પણ જાહેરાત કરવાનાં હતાં પરંતુ આજે તમામ કાર્યક્રમો મુલતવી રાખવામાં આવ્યાં છે.
ગઇકાલે ભારત માટે ઐતિહાસિક દિવસ હતો. સુષ્મા સ્વરાજે નિધનનાં ત્રણ કલાક પહેલા જ આર્ટિકલ 370 હટ્યા પર ટ્વિટ કર્યું હતું. 67 વર્ષીય સુષ્મા સ્વરાજ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રીના પદ પર રહ્યા હતા. સુષ્મા સ્વરાજ વિદેશમાં ફસાયેલા ભારતીયોની મદદ કરવા માટે અને ભારત આવવાનો પ્રયત્ન કરી રહેલા વિદેશીઓની મદદ કરીને સતત ચર્ચામાં રહેતા હતા. મોદી સરકારના આક્રમક મંત્રીઓમાંથી એક ગણાતા સુષ્મા સ્વરાજે ઘણી વખત આંતરરાષ્ટ્રીય મંચ પર આતંકવાદના મુદ્દે પાકિસ્તાને આડે હાથે લીધું હતું.