ન્યૂઝ18 ગુજરાતીઃ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચાર કરવા ગયેલા ગુજરાતના એક સાંસદને કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને પપ્પુ કહેવું ભારે પડ્યું છે. જોકે, ગુજરાતની સુરેન્દ્રનગર બેઠક પરથી સાંસદ રહેલા દેવજીભાઈ ફતેપરાનું કહેવું છે કે તેમણે રાહુલ ગાંધીને પપ્પુ કહ્યા ન હતા પરંતુ તેમણે મામલો થોડે પાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમના કહેવા પ્રમાણે બાંસવાડા નગરપાલિકાના વોર્ડ દીઠ યોજાયેલા ચૂંટણી પ્રચારમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુરેશભાઈ ધરજીયા અને તેઓ હાજર રહ્યા હતા. આ સમયે સુરેશ ધરજીયાએ પપ્પુ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો.
મહિલાએ શું સંભળાવ્યું?
વોર્ડ બેઠક દરમિયાન એક મહિલા દોડી આવી હતી અને રાહુલને પપ્પુ કહેવા પર સાંસદ તેમજ સુરેશ ધરજીયાનો ઉધડો લીધો હતો. મહિલાએ કહ્યું હતું કે, "તમે રાહુલ ગાંધીને પપ્પુ કેવી રીતે કહી શકો?" સુરેશ ધરજીયાએ જ્યારે એવું કહ્યું કે બધા લોકો પપ્પુ કહે છે એટલે અમે પણ તેમને પપ્પુ કહ્યા હતા. આવો જવાબ સાંભળીને મહિલા વધારે ઉકળી ઉઠી હતી અને કહ્યું હતું કે, "બધા લોકો કૂવામાં પડશે તો શું તમે પણ પડશો?"
મહિલા વારેવારે બીજેપી સાંસદ અને કાર્યકરને કહી રહી હતી કે તમે પપ્પુ બોલી જ કેવી રીતે શકો? આ અંગે માફી માંગો. મહિલાએ વધુમાં કહ્યું કે, "રાહુલ અમારા માટે સન્માનનીય છે અને રહેશે. વડાપ્રધાન પીએમ મોદી પણ અમારા માટે સન્માનનીય છે."
મીડિયાની હાજરી અને મહિલાએ વધારે ગરમી પકડી લેતા બાજી વધારે બગડે તે પહેલા બેઠકમાં હાજર બીજેપીની એક મહિલા કાર્યકરે હર હર મોદીના નારા લગાવીને આ ઘટનાને ઢાંકવાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં કાર્યક્રમ સ્થળે હોબાળો મચી ગયો હતો.
ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા મહિલાએ જણાવ્યું હતું કે, "આ લોકો અહીં આવ્યા હતા અને લોકોને આડા-અવડા પાઠ ભણાવી રહ્યા હતા. મેં જ્યારે તેમને રોડ પર પડેલા ખાડા અંગે પૂછ્યું ત્યારે ગુજરાતના સાંસદે મને કહ્યું કે તમારા પપ્પુને બોલાવો, તેઓ આ ખાડા પૂરશે. સાંસદ થઈને આવા શબ્દોનો ઉપયોગ કરે એ માટે હું તેના સામે લડી હતી. બાદમાં તેમણે મારી માફી માંગી હતી."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર