રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ જો પ્રજાને પાણીની તંગી સહન કરવાનો વારો આવશે તો તેની અસર વિધાનસભાની ચૂંટણી પર પણ જોવા મળી શકે છે.
Gujarat Water Issue: નિષ્ણાંતોનું માનવું છે કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ જો પ્રજાને પાણીની તંગી સહન કરવાનો વારો આવશે તો તેની અસર વિધાનસભાની ચૂંટણી પર પણ જોવા મળી શકે છે.
આજે 23 માર્ચ 2022 વિશ્વ હવામાન દિવસ (World Meteorological Day) છે. સમગ્ર દેશ અને દુનિયા પર ગ્લોબલ વોર્મિગ (Global warming) અને ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે. આ સાથે ઉનાળાની શરૂઆતમાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. હજુ ઉનાળાની શરૂઆત જ થઇ છે ત્યારે રાજ્યમાં પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાવાના એંધાણ છે. કારણ કે રાજ્યના 24 જેટલા ડેમના તળિયા અત્યારથી જ દેખાવા લાગ્યા છે અને આગામી સમયમાં રાજ્યના નાગરિકોને પાણીની મોટી તંગીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે જ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election)માં પાણીનો મુદ્દો ગરમાઇ શકે છે. વિધાનસભાની ચૂંટણીમાં જો પાણીની અછતનો મુદ્દો વધુ ગરમાય તો રાજ્ય સરકાર માટે મોટી મુશ્કેલી સાબિત થઇ શકે છે.
રાજ્યમાં 24 ડેમોના તળીયા દેખાવા લાગ્યા
ગુજરાતમાં પાણીના સંગ્રહ (Gujarat Water Collection) વિષે રાજ્ય સરકાર (Gujarat Government)ના જ આંકડા પર નજર કરીએ તો આગામી સમયમાં પાણીની સમસ્યા ઉભી થાય તેવા હાલ છે. અત્યારે રાજ્યના નાના-મોટા મળીને 206 ડેમમાં અડધાથી પણ વધુ ડેમ એટલે કે 125 ડેમમાં 50 ટકા કે તેથી પણ ઓછું પાણીનો સંગ્રહ છે. ત્યાં જ 24 ડેમોમાં તો તળીયા દેખાવા લાગ્યા છે. જ્યારે રાજ્યમાં પાણી માટેની યોજનાઓમાં હાલ પાણીનો જથ્થો માત્ર 56.55 ટકા જ બચ્યો છે. જેનો મતબલ છે કે, ભરઉનાળામાં પાણી માટે લોકોને હેરાન થવું પડી શકે છે.
રાજ્યમાં પાણી માટેની મોટી યોજનાઓમાં સાત યોજનાઓમાં તો હાલ પાણીનો સંગ્રહ 0.51 ટકાથી લઇને 33 ટકા સુધીનો જ છે. જેમાં અરવલ્લીની હાથમતી યોજનામાં હાલ 8.79 ટકા પાણીનો સંગ્રહ છે. તેવી જ રીતે જ રીતે બનાસકાંઠાની સિપુમાં 0.51 ટકા, અરવલ્લીના વાત્રકમાં 22.33 ટકા, દાંતીવાડામાં 10 ટકા, ધરોઇમાં 22.61 ટકા, મોરબીની બ્રહ્માનીમાં 15.12 ટકા, મચ્છુ-1 માં 33.7 ટકા જ પાણીનો જથ્થો છે.
પાણી માટે વલખા મારવા પડશે
રાજ્યના પાંચ ઝોન અને નર્મદા ડેમમાં હાલ પાણીની સ્થિતિમાં સૌથી ખરાબ સ્થિતિ ઉત્તર ગુજરાતની છે. ઉત્તર ગુજરાતમાં માત્ર 11.41 ટકા જ પાણીનો સંગ્રહ જોવા મળી રહ્યો છે. તેમાં પણ સૌથી ઓછો પાણીનો જથ્થો બનાસકાંઠા અને સાબરકાંઠામાં માત્ર 6 ટકા જ છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 51.50 ટકા દક્ષિણ ગુજરાતમાં 59.33 ટકા, કચ્છમાં 15.98 ટકા, સૌરાષ્ટ્રમાં 49.03 ટકા પાણીનો સંગ્રહ છે. જ્યારે નર્મદા ડેમમાં 19.63 ટકા પાણીનો જથ્થો છે. આમ રાજ્યના પાંચ ઝોન અને નર્મદા ડેમમાં મળીને કુલ 46.22 ટકા જ પાણીનો જથ્થો બચ્યો છે.
રાજ્ય સરકાર પર પાણીના સંગ્રહ મામલે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પણ આરોપ કર્યા છે કે, રાજ્ય સરકાર પાણીના સંગ્રહ મામલે ઉદાસીન વલણ અપનાવી રહી છે અને તેમના મત વિસ્તારમાં તો વર્ષોથી પાણીની સ્થિતિ ખરાબ છે છતા રાજ્ય સરકાર કોઇ યોજના અમલમાં મૂકી રહી નથી. ત્યાં જ આગામી સમયમાં રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જવા રહી છે ત્યાકે જો તપતા ઉનાળામાં લોકોને પાણીની તંગી વેઠવી પડશે તો ભાજપ સરકરાને તેની ખુબ જ મોટી કિંમત્ત ચૂકવવી પડી શકે છે.
જોકે નિષ્ણાંતોનું માનવું છે કે, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલા જ જો પ્રજાને પાણીની તંગી સહન કરવાનો વારો આવશે તો તેની અસર વિધાનસભાની ચૂંટણી પર પણ જોવા મળી શકે છે. મે મહિનામાં ઉનાળો પોતાનો ચરમ પર હશે અને જો તે સમય દરમિયાન રાજ્યના નાગરિકોને પાણી માટે વલખા મારવાનો વારો આવશે તો રાજ્ય સરકાર માટે તે એક મોટો પડકાર સાબિત થશે. જોકે રાજ્ય સરકાર પાણીની આ તંગી પર શું કામ કરશે અને લોકોની પાણીની જરૂરીયાતને કેવી રીતે પહોંચી વળશે તે તો આગામી સમયમાં જ ખબર પડશે. પરંતુ હાલમા તો પાણીનો મુદ્દો ભાજપ સરકાર પર પાણી ફેરવી દે તેવું લાગી રહ્યું છે.