અમદાવાદ: એસ.ટી. નિગમ દ્વારા 2019માં 2389 જેટલી કંડક્ટરની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી. જેમાં 3581 જેટલા ઉમેદવારોને નિગમ દ્વારા દસ્તાવેજ ચકાસણી અને ઊંચાઈ માપવા માટે બોલાવ્યા હતા. જેમાં ઘણા ઉમેદવારોને ઊંચાઈમાં નાપાસ કરવામાં આવ્યા હતા. ઘણા ઉમેદવારો ભૂતકાળનાં ડિવિઝન અને નરોડા કચેરી દ્વારા જ લેવાયેલી ઊંચાઈ માપનમાં પાસ થયેલ હતા, છતાં નાપાસ થયેલા ઉમેદવારો અપીલમાં ગયા હતા. તેના અનુસંધાને ઉમેદવારોને ફરી ઊંચાઈ માપવા નરોડા ખાતે એસ.ટી. વર્કશોપ બોલાવેલા હતા. જેમાંથી મોટા ભાગના ઉમેદવારો પાસ જાહેર કરેલ હતા. પરંતુ હમણાં થોડા દિવસ પહેલાં ફરી એક વાર ૩૫૮૧ જેટલા ઉમેદવારોને ત્રીજી વાર વેરીફીકેશનમાં બોલાવેલ તેમાંથી ૬૦૦થી વધુ ઉમેદવારોને ઊંચાઈના ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે.
ઉમેદવારો રાણીપ ખાતે GSRTC મધ્યસ્થની કચેરી રજુઆત કરવા પહોચ્યા હતા.ઓટોમેટીક ઊંચાઈ માપવાના બદલે સ્કેલથી મેન્યુઅલ હાઈટ માપી ગેરરીતિ કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ભરતીમાં ત્રણ વખત ઊંચાઈ માપી 160 સેમીથી વધુ ઊંચાઈ છતાં ઉમેદવારોને નાપાસ કર્યા છે. 600થી વધારે વિદ્યાર્થીઓને અગાઉ પાસ કર્યા બાદ ફરી હાઇટ માપી નાપાસ કરવામાં આવ્યા છે.
કંડકટરની ભરતીમાં ફરીથી ડિજિટલ મીટર દ્વારા ઊંચાઈ માપવા માંગ
ઉમેદવારોએ જણાવ્યું છે કે, ઉમેદવારો જીએસઆરટીસીની ૨૦૧૮ની ભરતીની અંદર આજ નિગમે ઊંચાઈનું માપન કરી પાસ કરેલા ઉમેદવારને ૨૦૧૯ની ચાલુ ભરતીમાં કઈ રીતે ગેરલાયક ઠેરવી શકે છે . તો એક જ બોર્ડ દ્વારા બે વખત ઉમેદવારોને લાયક ઠેરવીને ગેરલાયક ઠેરવવામાં આવ્યા છે. જે ખરેખર બોર્ડના અમુક કર્મચારીઓની કાર્યવાહી પર શંકા ઊભી કરે છે.
એસ ટી નિગમના સચિવ કે. ડી. દેસાઈએ જણાવ્યું છે કે, ભરતી પ્રક્રિયામાં કોઈ ગેરરીતિ થઈ નથી. તોલમાપ દ્વારા પ્રામાણિક કરેલ મશીનથી જ માપણી કરવામાં આવી છે. જે ઉમેદવારોએ રજુઆત કરી છે તે ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવશે અને તપાસ કરવામાં આવશે.