Home /News /gujarat /નદીઓના પ્રવાહ રોકનારાં કે પાણીચોરોને છોડીશું નહીં: સૌરભ પટેલ

નદીઓના પ્રવાહ રોકનારાં કે પાણીચોરોને છોડીશું નહીં: સૌરભ પટેલ

પ્રતિકાત્મક તસવીર

નહેરમાં છેદ પાડી, પાઈપ દાખલ કરી નહેરની મજબૂતી અને સલામતીને નુકસાન પહોંચાડનારને બે વર્ષ સુધીની કેદ અથવા બે લાખ સુધીના દંડની જોગવાઈ કરી છે

  ગાંધીનગર: ઉર્જામંત્રી સૌરભ પટેલે નદી અને નહેરના પાણીની જાળવણી, કરકસરપૂર્ણ ઉપયોગ અને અનઅધિકૃત વપરાશ નિયંત્રિત કરવા ગુજરાત સિંચાઇ અને પાણી નિકાલ વ્યવસ્થા (સુધારા) વિધેયક ૨૦૧૯ વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું જેને બહુમતીથી પસાર કરવામાં આવ્યું હતું.

  મંત્રીએ સુધારા વિધેયકની બાબતોની વિગતો આપતાં જણાવ્યું કે, નદીના પ્રવાહને અવરોધવા તથા કેનાલને નુકશાન પહોંચાડવા બદલ દંડ તથા સજા અંગેની જોગવાઈઓ અગાઉ મુંબઈ સિંચાઈ અધિનિયમ હેઠળ કોંગ્રેસ પક્ષની સરકાર હતી ત્યારે ૧૯૮૨માં પણ અસ્તિત્વમાં હતી. પરંતુ આ જોગવાઈઓ અમલમાં આવ્યાને ઘણા વર્ષ થયેલ હોઈ તેને વધુ તર્કસંગત બનાવવા દંડની જોગવાઈઓમાં ફેરફાર કરતું આ સુધારા વિધેયક લાવવાની જરૂરીયાત ઉપસ્થિત થયેલી છે.

  મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નહેરમાં અવરોધ મૂકી, એન્જીન કે અન્ય સાધનોથી પાણી લે તે માટે વીસ હજાર સુધીનો દંડ અથવા છ મહિના સુધીની કેદ, સાથોસાથ નહેરમાં પાણીના પ્રવાહનું નિયમન અને નિયંત્રણમાં અડચણ ઊભુ કરનાર અને નહેરના પાણીને પ્રદુષિત કરનારને એક વર્ષ સુધીની કેદ અથવા પચાસ હજાર સુધીના દંડ અથવા બંનેની શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે.

  સૌરભ પટેલે જણાવ્યું કે, નદીના પાણીનો પ્રવાહ અનધિકૃત રીતે વાળવા, નદીમાં કોઈ બંધ કે અવરોધ ઉભો કરે તેને દોઢ વર્ષ સુધીની કેદ અથવા એક લાખ સુધીની દંડ અથવા બંનેની શિક્ષાની જોગવાઈ કરેલ છે. ઉપરાત નહેરમાં છેદ પાડી, પાઈપ દાખલ કરી નહેરની મજબૂતી અને સલામતીને નુકસાન પહોંચાડનારને બે વર્ષ સુધીની કેદ અથવા બે લાખ સુધીના દંડની જોગવાઈ કરી છે.

  મંત્રીએ જણાવ્યું કે, એન્જિન અથવા પાઇપલાઇન અથવા અનઅધિકૃત રીતે નહેરનું પાણી ખેચવા માટે વપરાતા સાધનો જપ્ત કરવાની સત્તા નહેર અધિકારીને આપવામાં આવી છે અને આ માટે એક લાખ સુધીનો દંડ ચૂકવીને આવા સાધનો પરત લઇ શકાશે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Narmada canal, Saurabh patel

  विज्ञापन
  विज्ञापन