Home /News /gujarat /સરકાર લાવી રહી છે હવે નવી જમીન મૂલ્યાંકન પોલિસી, સરકારી જમીનો થશે સસ્તી

સરકાર લાવી રહી છે હવે નવી જમીન મૂલ્યાંકન પોલિસી, સરકારી જમીનો થશે સસ્તી

રાજ્ય સરકાર હવે નવી જમીન મૂલ્યાંકન પોલિસી લાવી રહી છે. કેબિનેટની બેઠકમાં નવી પોલિસી પર મંજૂરીની મહોર વાગી ગઈ છે. જે આગામી દસ દિવસમાં જાહેર કરાશે. એટલે કે 2011ની જમીન મૂલ્યાંકન પોલિસીમાં હવે ધરખમ ફેરફાર થવા જઈ રહ્યો છે. આ જૂની પોલિસી સામે આઠ વર્ષમાં સરકારને ઢગલાબંધ અરજીઓ મળી છે.

આ પોલિસીને પગલે બજાર ભાવ કરતા પણ સરકારી જમીન મોંઘી મળે છે. જેના પગલે સામાજીક અને સેવાભાવી સંસ્થાઓ શાળા, છાત્રાલય, ધર્માદા હોસ્પિટલ, કોમ્યુનિટી હોલ માટે સરકારી જમીન ખરીદી શકતા ન હતા. પરંતુ હવે આવી રહેલી નવી પોલિસીને કારણે સરકારી જમીનો સસ્તી બનશે.

રાજ્ય સરકારે જૂની શરતોમાં ધરખમ ફેરફાર કર્યા છે, અને મહેસૂલી ગુણાંક મિનીમાઈઝ કરીને બને તેટલું પોલિસીનું સરળીકરણ કરવાની દિશામાં પ્રયાસ કરાયો છે. આ નવી જમીન મૂલ્યાંકન પોલિસી ગુજરાતમાં આવેલી તમામ સરકારી જમીનો માટે લાગુ પડશે. જે લાગુ થતા જ પરોપકાર કે સામાજીક સેવાઓ માટે કાર્યરત લોકોને બજાર કિંમતે અથવા તો તેનાથી સસ્તી જમીન ઉપલબ્ધ બનશે. આ નવી પોલિસીની જાહેરાતને હજુ દસ દિવસ લાગી શકે છે. તે બાદ વિધિવત જાહેરાત કરીને તેનો જીઆર બહાર પાડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ઔડા, કોર્પોરેશન, FSI જેવા 7 ફેક્ટરની સરકારી જમીનને અસરકર્તા રહેશે. 50 લાખની જમીનનો નિર્ણય કલેક્ટર, જિ. લેવલ પ્રાઈઝ કમિટી કરતી હતી, 50 લાખથી વધુની જમીનનો નિર્ણય સ્ટેટ લેવલ પ્રાઈઝ કમિટી કરતી હતી. આજુબાજુના પ્રોજેક્ટ, કુલ દસ્તાવેજના આધારે ગુણાંકથી કિંમત નક્કી થતી હતી. ફરજીયાત ફેક્ટરને કારણે સરકારી જમીન બજાર કિંમત કરતા મોંઘી થતી હતી. પોલિસીમાં છીંડાને પગલે સરકારી જમીનની ખરીદીમાં ગેરરીતિ આચરાતી હતી. ગેરરીતિની ફરિયાદ મુદ્દે ફેર વિચારણા કરવા સરકારે સબ કમિટી બનાવી હતી.
First published:

Tags: Cheaper, New, જમીન, સરકાર