અમદાવાદ: શહેરમાં (Ahmedabad news) વધુ એક યુવતી એક યુવકની રોમિયોગીરીનો ભોગ બની છે. એક આરોપી તેના ઘર પાસે રહેતી યુવતીનો રસ્તો રોકી જાતીય માંગણીઓ કરતો હતો અને મરી જવાની ધમકીઓ આપતો હતો. જેથી યુવતીએ આ અંગે ઋષભ ગોસ્વામી ઉર્ફે કબૂતર સામે ફરિયાદ આપતા હવે પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના વાડજ માં રહેતી 21 વર્ષીય યુવતી તેના પરિવાર સાથે રહે છે અને સીજી રોડ પર ઇમ્પોર્ટ એક્સપોર્ટ કંપનીમાં નોકરી કરે છે. આ યુવતી જ્યારે જ્યારે ઘરેથી કોઈ કામ માટે નીકળે કે નોકરીએ જવા નીકળે ત્યારે એક યુવક તેનો પીછો કરે છે. તેની સામે આવીને ઉભો રહી રસ્તો રોકતો હતો. આ યુવક અન્ય કોઈ નહિ પણ આ જ વિસ્તારમાં રહેતો ઋષભ ઉર્ફે કબૂતર ગોસ્વામી છે. આ યુવક યુવતી પાસે જાતીય માંગણીઓ કરી તેની છેડતી કરે અને યુવતી આ પ્રકારની હેરાન ગતિ ન કરવા કહે તો મરી જવાની ધમકી આપી યુવતી અને તેના માતા પિતાનું નામ લખી આપઘાત કરવાની ધમકી આપતો હતો.
ગઈકાલે યુવતીના ઘરે પહોંચી જવાની આ રોમિયોએ હિંમત કરી અને દરવાજે ઉભા રહી જાતીય માંગણીઓ કરી બીભત્સ ગાળો બોલી ધમકીઓ આપી હતી. જેથી યુવતીએ આ પ્રકારની હરકતો ન કરવાનું કહી મહિલા પો સ્ટેશનમાં અરજી કરી હોવાનું કહેતા ત્યાંથી જતો રહ્યો હતો. સમગ્ર બાબતે યુવતીએ વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા પોલીસે આરોપી રોમિયો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે, મહિલાઓની સલામતી માટે અમદાવાદ પોલીસ દ્વારા શી ટીમ બનાવવામાં આવી છે. પણ છતાંય જાહેરમાં છેડતી કે અન્ય આ પ્રકારના કિસ્સા બની રહ્યા છે. શી ટીમ દ્વારા નક્કર કોઈ કામગીરી ન દેખાતી હોવાનું મનાઈ રહ્યું છે જેના કારણે આ પ્રકારે રોમિયોગીરી કરનાર લોકોને બળ મળે છે અને યુવતીઓની સુરક્ષા પર પ્રશ્નો ઉભા થતા જોવા મળે છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર