ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ હવે કાગની ડોળે રાહ જોવામાં આવી રહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામની તારીખો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની યાદી અનુસાર, માર્ચ-૨૦૧૯માં લેવાયેલ ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમની પરીક્ષાનું પરિણામ તારીખઃ- ૨૫/૦૫/૨૦૧૯ને શનિવારના રોજ સવારે ૦૮-૦૦ કલાકે બોર્ડની વેબસાઇટ www.gseb.org ઉપર ઓનલાઇન મુકવામાં આવશે.
વધુમાં જણાવવાનું કે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓના માર્ચ-૨૦૧૯ના ગુણપત્રકો/ પ્રમાણપત્રનું વિતરણ જિલ્લા કક્ષાએ નિયત કરેલ તમામ વિતરણ સ્થળો ખાતે તારીખ:- ૨૫/૦૫/૨૦૧૯ને શનિવારના રોજ બપોરે ૧૨-૦૦ કલાક થી ૧૭-૦૦ કલાક દરમ્યાન થનાર છે.
જેમાં અમદાવાદ (શહેર) અને અમદાવાદ (ગ્રામ્ય)ના તમામ વિતરણ સ્થળોનો સમય બપોરના ૧૫-૦૦ કલાક થી ૧૮-૦૦ કલાકનો રહેશે. રાજ્યની તમામ ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીઓએ પોતાની શાળાનું પરિણામ જવાબદાર કર્મચારીને મુખત્યાર પત્ર સાથે મોકલી મેળવી લેવાનું રહેશે તેમ પણ યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, હમણાં જ તારીખ 21મેના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવામાં આવેલી ધોરણ-10ની પરીક્ષાનું પરિણામ કરવામાં આવ્યું. આ પહેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 10મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું.