Home /News /gujarat /'ઢબુડી મા' ઉર્ફ ધનજીનો ખેલ ખતમ ! કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

'ઢબુડી મા' ઉર્ફ ધનજીનો ખેલ ખતમ ! કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

  નવીન ઝા, અમદાવાદઃ ધર્મનાં નામે ધતિંગ કરનાર 'ઢબુડી મા'ને ફરી એક મોટો ઝટકો લાગ્યો છે. અંધશ્રદ્ધા ફેલાવી કરોડો રૂપિયાની સંપત્તિ બનાવ્યા બાદ ધનજીના ધતિંગ ઉઘાડા પડી ગયા છે. બચવા માટે ધનજીએ કાયદાનો પણ સહારો લેવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ અહીં પણ તેને મોટો ઝટકો લાગ્યો છે. ગાંધીનગર કોર્ટે ફ્રોડ ધનજીએ કરેલી આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. હવે ધનજીની ગમે ત્યારે ધરપકડ થઇ શકે છે.

  ધનજી ઓડની આગોતરા જામીન અંગે આજે ગાંધીનગરની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં બંન્ને પક્ષોની દલીલ કોર્ટે સાંભળી હતી. કોર્ટે એક દિવસ પછી ચુકાદો આપવાનું કહ્યું હતું. હવે કોર્ટે તેના જામીન ફગાવ્યા છે. આ અંગે ધનજી ઓડના વકીલે જણાવ્યું કે નામદાર કોર્ટે એવું તારણ કાઢ્યું છે કે સદરહુ વિરુદ્ધ અરજી થઇ છે, જે ધર્મ અને આસ્થા સાથે જોડાયેલી છે. આથી જામીન રદ કરવામાં આવે છે. હવે આગળ અમારે શું કરવું તે અંગે અમારા ક્લાઇન્ટ (ધનજી ઓડ) સાથે ચર્ચા કર્યા બાદ કામગીરી કરીશુ.

  અહીં ક્લિક કરી વાંચોઃ અમદાવાદ : રાત્રે મંદિરના ઓટલે રડતી હતી કિશોરી, કારણ જાણી તમામ ચોંક્યા!

  ધનજી ઓડની જામીન અરજીની સુનાવણીમાં તેના વકીલ ચેતન રાવલે સોગંદનામું રજૂ કર્યું હતું. જેમાં જણાવ્યું છે કે, ધનજી હિન્દૂ ધર્મનાં પ્રચાર માટે સભા કરે છે. પોલીસ જ્યારે તપાસ માટે બોલાવશે ત્યારે ધનજી ઓડ હાજર થઈ તપાસમાં સહયોગ આપશે.

  'ઢબુડી મા'એ આગોતરા જામીનની સુનાવણી પહેલા જ એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેણે જણાવ્યું હતું કે, 'દરેક ભાવિ ભક્તોને રામ રામ, દરેક ભક્તો ખૂબ દુ:ખી થઈ ગયા છે, ઘણાં લોકોના મનને ઠેસ પહોંચી છે. ધીરે ધીરે લોકોની આસ્થામાં વધારો થયો હતો. મેં પ્રવચનો દ્વારા લોકોને ઘણું શીખવાડ્યું. બહેનોને મર્યાદા શિખવાડવી. મહિનાનાં પાંચ દિવસ પાળવા, પૂજા-પાઠ થતાં હોય તેની નજીક ન જવું, ધર્મના પાંચ દિવસ હોય, મહિનાનાં પાચ દિવસ હોય તો મંદિર બંધ ન કરવું. દિવા-બત્તી ચાલુ રાખો. મા-બાપની મર્યાદા રાખવી. મા-બાપના નિહાકા ન લેવા આવી વેગેર જેવી વાતો શીખવાડી.' આ સામે વિજ્ઞાન જાથાનાં ચેરમેન જયંત પંડ્યાએ ઘટસ્ફોટ કર્યો છે કે ધનજી ઓડનું કૌભાંડ 300થી 400 કરોડ રૂપિયાનું છે. એટલું જ નહીં પોતાના વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કરી ધનજી મહિને 50 હજારથી વધુ કમાતો હોવાનો આક્ષેપ પણ વિજ્ઞાન જાથાએ લગાવ્યો છે.

  શું હતો સમગ્ર મામલો?

  ધનજી ઓડ સામે બોટાદના રહેવાસી ભીખાભાઈએ એક અરજી કરી હતી અને જેમાં તેના પુત્રનો મોત પાછળ ધનજીને જવાબદાર ઠેરવ્યો હતો. ભીખાભાઈનો આક્ષેપ હતો કે ધનજીએ તેને દવા બંધ કરી દેવાની સલાહ આપી હતી અને જેનાથી તેના પુત્રનું મોત થયું છે. તેને લઈ પેથાપુર પોલીસે તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે ધનજી છેલ્લા પાંચ વર્ષથી રાજ્યમાં અલગ-અલગ જગ્યાએ ગાદી ભરતો હતો અને પોતે ઢબુડી માતા હોવાની વાત કરતો હતો. લોકોના દુઃખ દૂર કરવાનો દાવો તે કરી ચૂક્યો છે અને નવાઈની વાત તો એ છે કે તેના ત્યાં અનેક પોલીસ કર્મચારીઓ અને સરકારી કર્મચારીઓ પણ જતા હતા. જોકે ઢબુડીનો પર્દાફાશ થતા તે ભુગર્ભમાં ઉતરી ગયો છે અને હવે તો તેને પોલીસ સ્ટેશનમાં હાજર થવુ પડશે કારણ કે તેની આગોતરા જામી પણ રદ થઈ ગઈ છે. જોકે બીજી બાજુ મકાન માલિકે પણ મકાન ખાલી કરવા નોટિસો આપી છે.
  Published by:Sanjay Vaghela
  First published:

  Tags: Dhabudi Maa, Dhanji Aud, ગાંધીનગર`

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन