આમરણાંત ઉપવાસના પાંચમાં દિવસ હાર્દિક પટેલને મળવા માટે પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ પહોંચ્યા હતા. આ ઉપરાંત ધંધુકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલ પણ હાર્દિકને મળવા પહોંચ્યા હતા. સંજીવ ભટ્ટની મુલાકાત અંગે હાર્દિકે ટ્વિટ પર લખ્યું છે કે, "વિજય સંકલ્પ આમરણાંત ઉપવાસના પાંચમાં દિવસે છાવણી પર પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટ હાજર રહ્યા હતા. સંજીવ ભટ્ટે કહ્યું કે પોલીસ પોતાની ઇમાનદારી અને ફરજ ભૂલી ગઈ છે. ગુજરાતની પોલીસે લોકોનો ભરોસો્ તોડ્યા છે."
હાર્દિકનું મેડિકલ ચેકઅપ કરાયું
ઉપવાસના પાંચમાં દિવસે હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. સોલા સિવિલની ટીમ તરફથી હાર્દિકનું મેડિકલ ચેકઅપ થયું હતું, જેમાં હાર્દિકનું બ્લડ પ્રેશર અને સુગર લેવલ નોર્મલ જણાયું છે. હાર્દિકના યુરિન ટેસ્ટમાં ઇન્ફેક્શન જોવા મળતા ડોક્ટરે હાર્દિકને હોસ્પિટલમાં સારવાર લેવાનું સૂચન કર્યું છે. ડોક્ટરના જણાવ્યા પ્રમાણે હાર્દિક વધારે ઉપવાસ કરશે તો તેની કિડની પર અસર થઈ શકે છે.
પોલીસે કાર અટકાવી
હાર્દિકને મળવા આવી પહોંચેલા સંજીવ ભટ્ટ અને ધોળકાના ધારાસભ્ય રાજેશભાઈ ગોહિલની કારને પોલીસે હાર્દિકના ઘર બહાર જ અટકાવી હતી. કારની તપાસ બાદ બંનેને ગાડી સાથે હાર્દિકની મુલાકાત માટે જવા દેવામાં આવ્યા હતા.
સંજીવ ભટ્ટ મળવા પહોંચ્યા
પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટે આજે હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. આ પ્રસંગે સંજીવ ભટ્ટે કહ્યું કે, "હું વ્યક્તિગત મુલાકાત લેવા માટે અહીં આવી પહોંચ્યો છું. હાર્દિકના મુદ્દા યુવાનો અને લોકોને સીધા જ સ્પર્શે છે. હાર્દિક લોકોનો અવાજ સરકારને પહોંચાડવાનું કામ કરી રહ્યો છે. આઝાદીના આટલા બધા વર્ષો પછી પણ અનામતની સ્થિતિ અંગે ચર્ચા થવી જોઈએ." આઈપીએસ અધિકારી રજનીશ રાયે આપેલા રાજીનામા અંગે વાત કરતા સંજીવ ભટ્ટે જણાવ્યું કે, "રજનીશ રાયે પણ રાજીનામું આપી દીધું છે, લાગે છે કે યોગ્ય પક્ષ લઈ શકે તેવા લોકોની સરકારને જરૂર નથી."
અધિકારીઓએ પોતાની સૂઝબૂઝથી કામ કરવું જોઈએ
"કલમ 144નો ઉપયોગ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કરવામાં આવે છે. પરંતુ અહીં તો લોકોને હાર્દિકને મળવા માટે આવતા રોકવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. કાયદાનું ખોટું અર્થઘટન કરવામાં આવી રહ્યું છે. પ્રજા અહીં પહોંચી ન શકે તે માટે કલમ 144 લાગુ કરવામાં આવી છે. અધિકારીઓ પોતાની સૂઝબૂઝથી કામ નથી કરી રહ્યા, તેઓ સરકારની દોરવણી હેઠળ કામ કરે છે."