ગાંધીનગરઃ ગુજરાતમાં થોડા દિવસોથી ખૂબ ગાજેલા મગફળી કૌભાંડમાં દરરોજ સત્તાપક્ષ અને વિપક્ષના નેતાઓ વચ્ચે સામસામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. આ કૌભાંડમાં બીજેપીના પૂર્વ મંત્રી ચીમન સાપરિયાનું પણ નામ ઉછળ્યું છે. આ બાબતે ચીમન સાપરિયાએ હવે એક વીડિયો મારફતે તેમની સામે લાગેલા આક્ષેપો પાયાવિહોણા હોવાનું જણાવ્યું છે. તેમજ તેમની સામે લાગેલા આક્ષેપો સાબિત થાય તો જાહેર જીવન છોડી દેવાની વાત કરી છે.
...તો પરેશ ધાનાણી જાહેર જીવન છોડેઃ ચીમન સાપરિયા
બીજેપીના પૂર્વ મંત્રી ચીમન સાપરિયાએ વીડિયો બહાર પાડીને કહ્યું છે કે, "કોંગ્રેસના નેતૃત્વ વાળી ધાણેજ સહકારી મંડળીમાં મગફળીની ખરીદી કરવામાં આવી હતી. આ ખરીદીમાં ગેરરીતિ બહાર આવતા વિપક્ષના નેતા પરેશ ધાનાણી બેબાકળા બની ગયા છે અને મનઘડત આક્ષેપો કરી રહ્યા છે. તેમણે જામજોધપુર સહકારી મંડળી ગેરરીતિ થઈ હોવાના મારી સામે આક્ષેપ કર્યો છે. જામજોધપુર મંડળીમાં 4.52 લાખ ગુણી મગફળીની ખરીદી કરવામાં આવી છે, જેમાં સાત હજારથી વધારે ખેડૂતોને લાભ આપવામાં આવ્યો છે. આ ખરીદીમાં કોઈ ગેરરીતિ નથી થઈ. મગફળી ખરીદીમાં કોઈ ગેરરીતિ થઈ હોવાનું વિપક્ષના નેતા સાબિત કરે તો હું જાહેર જીવન છોડી દઈશ અને જો તેઓ સાબિત ન કરી શકે તો તેઓ રાજીનામું આપીને જાહેર જીવન છોડી દે."
હાલ કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં મગફળી કૌભાંડ અંગે અલગ અલગ જગ્યાએ ધરણા કાર્યક્રમ યોજી રહી છે. વિપક્ષના નેતા પરેશ ધાણાણી સહિતના નેતાઓ અલગ અલગ જગ્યાએ ધરણા કાર્યક્રમ કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે કૃષિમંત્રી આર.સી.ફળદુ પર અનેક આક્ષેપ કર્યા હતા. જે બાદમાં કૃષિમંત્રી આર.સી.ફળદુએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરીને આક્ષેપો સાબિત કરવાને ચેલેન્જ ફેકી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે ધાનાણી આક્ષેપ સાબિત કરે નહીં તો અમે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરીશું. તેના જવાબમાં ભાવનગર ખાતે ધરણા કરી રહેલા ધાનાણીએ કટાક્ષ કરીને માફી માંગી લીધી હતી.