Home /News /gujarat /

બેક ટૂ બેઝિક: વન વિભાગે દેશીકૂળનાં લીંબારા વૃક્ષનો ફેલાવો કરવા પ્રયાસો હાથ ધર્યા

બેક ટૂ બેઝિક: વન વિભાગે દેશીકૂળનાં લીંબારા વૃક્ષનો ફેલાવો કરવા પ્રયાસો હાથ ધર્યા

અમદાવાદ: ગુજરાતમાં દેશીકૂળના વૃક્ષો વાવવાં માટે અભિયાન ચલાવતા પર્યાવરણપ્રેમીઓ અને લાકડા (ટીમ્બર) અને કાગળના ઉદ્યોગો( પલ્પવૂડ ઇન્ડસ્ટ્રી) માટે ખેતી કરતા ખેડૂતો માટે સારા સમાચાર છે. ગુજરાત વન વિભાગનાં સિલ્વીકલ્ચર એન્ડ ફોરેસ્ટ યુટીલાઇઝેશન સર્કલ (રાજપીપળા) દ્વારા ગુજરાતમાં જ થતા અને દેશીકૂળના ઝાડ-લીંબારા (મિલીયા ડુબિયા)-ના લાખો રોપાંઓ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે.

વન અધિકારીઓએ ન્યૂઝ18 ગુજરાતીને જણાવ્યું કે, જો તમામ પ્રયત્નો અને ધાર્યા પરિણામો આવશે તો આવતા ત્રણ વર્ષમાં લીંબારા વૃક્ષના સાતથી આઠ લાખ રોપાંઓ તૈયાર થશે. આ રોપાઓ ખેડૂતોને ખેત-ઉત્પાદન માટે વિતરણ કરવામાં આવશે અને ગુજરાતના જંગલોમાં પણ તેને વાવવામાં આવશે.છેલ્લા ઘણાં વર્ષોથી ગુજરાતનાં ખેડૂતો પલ્પવૂડ ઇન્ડસ્ટ્રી અને ટીંમ્બર માટે નિલગિરીના વૃક્ષોનું વાવેતર કરતાં આવ્યા છે અને વન વિભાગ પણ આ માટે પ્રોત્સાહન કરતું આવ્યું છે. અભ્યાસુઓ કહે છે કે, નિલગીરી વિદેશીકૂળનું ઝાડ છે અને પર્યાવરણની દ્રષ્ટિએ સ્થાનિક જમીનને અનુકૂળ નથી. જમીનના તળના પાણી પર વિપરીત અસર કરે છે. જ્યારે લીંબારો આપણા જંગલોમાં થતું દેશીકૂળનું ઝાડ છે અને સ્થાનિક જમીનને માફક આવે છે. જમીનનું ધોવાણ અટકાવે છે. આ ઉપરાંત, આ વૃક્ષ લાંબા ગાળે સમગ્ર રીતે પર્યાવરણને સાચચવામાં મદદરૂપ પણ થાય છે.સિલ્વીકલ્ચર એન્ડ ફોરેસ્ટ યુટીલાઇઝેશન સર્કલ (રાજપીપળા) દ્વારા દેશીકૂળનાં એવા લીંબારા વૃક્ષનાં બીજ જંગલમાંથી એકઠા કરી, વિશેષ માવજત અને પ્રક્રિયા કરી લાખો રોપાંઓ તૈયાર કરાઇ રહ્યાં છે.


વન વિભાગનાં અધિકારીઓ કહે છે કે, લોકો લીંબારાના વૃક્ષોની ખેતી કરતા થાય તે પાછળ તેમનો ઉદ્દેશ્ય એ છે કે, લીંબારો નિલગીરીનો વિકલ્પ બને અને ગુજરાતમાં જ ઉગતાં દેશીકૂળના વૃક્ષોનો ફેલાવો થાય. ખેડૂતો લીંબારા વૃક્ષો ટીંબર ઉદ્યોગ અને પલ્પવૂડ ઉદ્યોગને વેચી શકે છે. દક્ષિણ ભારતમાં તેની ઘણી માંગ છે. લીંબારો ઝપપથી ઉગે છે. માત્ર 20 મહિનામાં લીંબારાનું ઝાડ સારી ઝાડાઇ સાથે 25 ફૂંટ ઉંચુ થઇ જાય છે.આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (સિલ્વા, રાજપીપળા) ડો. મીનલ જાનીએ કહ્યું કે, "આ વર્ષે (સિલ્વીકલ્ચર એન્ડ ફોરેસ્ટ યુટીલાઇઝેશન સર્કલ-રાજપીપળા) દ્વારા મોટા પાયે લીંબારાના રોપાં તૈયાર કરવાના પ્રયાસો હાથ ધર્યા છે. આ કામમાં અનુભવી અને વિશેષ તાલીમ પામેલા મજુરો તથા અધિકારીઓ કામે લાગ્યા છે. વૈજ્ઞાનિક પદ્ધતિથી લીંબારાના રોપાં તૈયાર કરવા એ મહેનત અને કૌશલ્ય માંગી લે છે. લીંબારા રોપા બે રીતે તૈયાર થાય છે. એક ક્લોનીગ (ઝાડની ડાળી કાપી રોપા તૈયાર કરવા) દ્વારા તથા જંગલમાંથી તેના બીજ એકઠાં કરી તેના પર વિશેષ પ્રક્રિયા કરીને રોપા તૈયાર કરાય છે. અમે લીંબારા બીજ એકઠા કરી રોપા તૈયાર કરવાની પ્રક્રિયા પસંદ કરી છે. આ પ્રક્રિયા અઘરી છે પણ પરિણામલક્ષી અને સારી છે. સૌ પ્રથમ અમે જંગલમાંથી 2000 કિલો લીંબારાના બીજ (ફ્રેશ ફ્રૂટ) એકઠાં કર્યા. આ પછી તેને પુરતી ગરમી મળી રહે તે રીતે રાખ્યાં અને તેના ઠળીયામાંથી બીજ કાઢવા માટે તેના પર ટ્રેક્ટર ફેરવી સારી રીતે પાણીથી ધોયાં અને ત્યારબાદ વિશેષ મશીન (વિનોવીગ મશીન) દ્વારા આ બીજને સાફ કર્યા. આ પ્રક્રિયા પછી યોગ્ય રીતે જર્મીનેશનની પ્રક્રિયા થાય એ રીતે રોપા તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરી છે".ડો. મીનલ જાનીએ વધુમાં ઉમેર્યુ કે, લીંબારાના બીજને જંગલમાંથી એકઠા કરી અને તમામ પ્રક્રિયા પુરી કરી રોપા તૈયાર થાય તેને અંદાજિત સોળ મહિના લાગે છે.

વન અધિકારીઓને આશા છે કે, વર્ષ 2020 સુંધીમાં સાતથી આઠ લાખ લીંબારા વૃક્ષના રોપાઓ તૈયાર કરી શકશે. સિલ્વીકલ્ચર એન્ડ ફોરેસ્ટ ઉટીલાઇઝેશન વિભાગે (રાજપીપળા સર્કલ) લીંબારા સહિત 56 જાતનાં દેશીકૂળના વૃક્ષોનાં રોપાઓ તૈયાર કરી તેનો ફેલાવો કરવાનું કામ હાથ ધર્યુ છે. 2019 સુંધીમાં આ તમામ દેશીકૂળનાં વૃક્ષોના 10 લાખ રોપાઓ તૈયાર કરવાનુ આયોજન છે.

બેક ટૂ બેઝિકનો આ પ્રયાસની સફળતા આવનારા દિવસોમાં પર્યાવરણની જાળવણીમાં નવા પ્રયોગોને પ્રોત્સાહન આપશે.

વિજયસિંહ પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી (vijaysinh.parmar@nw18.com)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Forest Department, Tree

આગામી સમાચાર