પ્રણવ પટેલ, અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં પ્રથમ વખત પ્લોગીંગ રનનું આયોજન કરાયુ છે. સ્વચ્છતા મશિન અભિયાન અંતર્ગત સામાજિક સંસ્થાઓના સહયોગથી આગામી 26મી મેના રોજ રન યોજાશે. જેનું ફ્રીમાં ઓનલાઇન રજીસ્ટ્રશન કરી શકાશે. શહેરમાં સ્વચ્છતા વધે અને લોકોમાં સ્વચ્છતા અંગે વધુ જાગૃતિ આવે તે માટે પ્લોગીંગ રનનું આયોજન કરાયુ છે. વહેલી સવારે જોગીગ કરતા કરતા માર્ગો પરનો કચરો ઉપાડી આ અભિયાન શરૂ કરાશે.
પ્લોગીંગ રનની શરૂઆત ઉતર યુરોપથી થઇ હતી. જેમાં સવારના સમયે જોગીંગ કરતા કરતા કચરો ઉપાડવા તેમજ પર્યાવરણ જતનમાં પોતાનો સહયોગ આપવા સારૂ કરવામાં આવેલ જે ખુબ જ પ્રસિદ્ધિ પામ્યો હતો.
છેલ્લા કેટલાક સમયથી ભારતના શહેરોમાં જેવા કે બેંગલોર, હૈદરાબાદ તેમજ મુંબઇમાં આ પ્રકારની રન યોજવામાં આવ્યા હતા.. જેમાં લોકો દ્વારા જોગીંગ કરતા કરતા શહેરના માર્ગો પરના કચરો ઉપાડવામાં આવ્યો હતો. આ પ્રકારની પ્રવૃતિથી પ્રેરણા લઇને વ્યક્તિ પોતાના સ્વાસ્થ્ય ઉપરાત પર્યાવરણ સાથે પણ જોડાઇ શકે છે. તે હેતુથી સામાજિક સંસ્થાના સહયોગથી એએમસી દ્વારા 26 મી મેના રોજ પ્લોગીંગ રનનું આયોજન કરવામાં આવ્યું છે.
એએમસી સાઉથ પશ્ચિમ ઝોનના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર વિશાલ ખનામા સાથે ન્યુઝ18 ગુજરાતીએ, આ અંગે ખાસ વાતચિત કરી હતી. જેમાં તેઓ જણાવ્યુ હતું કે સ્વચ્છતા સર્વેક્ષણ 2018માં અમદાવાદને દસ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ ક્રમાંક મળેલો છે. જેને ધ્યાને લેતા આ પ્રકારની પ્લોગીંગ રન કરવાથી શહેરની સ્વચ્છતા શહેરીજનો દ્વારા તેઓનું અમુલ્ય યોગદાન આપી શકશે.
પ્લોગીંગ રન દ્વારા લોકોમાં તે બાબતની જાગૃતતા કેળવી કચરો જાહેર માર્ગ પર ન ફેંકતા રસ્તા પર મુકવામાં આવેલા ડસ્ટબીનમાં નાખવા જણાવવામાં આવશે. સદર રનની શરૂઆત અને સમાપ્તિ વેસ્ટ ગેટ એસ જી હાઇ વે ખાતેથી રહેશે. તેમજ તેનો રૂટ વેસ્ટ ગેત ખાતેથી પ્રહલાદનગર ક્રોસ રોડથી આનંદનગરથી તે જ રૂટથી પરત વેસ્ટગેટ એસ જી હાઇ વે પૂર્ણ થશે. આ રૂટ વધુમાં વધુ 5 કિમી હશે.
26 મી મે યોજાનાર પ્લોગીંગ રનની સફળતા બાદ અન્ય વોર્ડમાં પણ એએમસી આ પ્રયોગ કરશે અને મોર્નિગમાં જોગીગ કરતા લોકોને પણ આ અભિયાનમાં જોડવા કાર્યક્રમ અપાશે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પહેલા પણ અનેક અભિયાન સ્વચ્છતા અંતર્ગત યોજાયા હતા. પરંતુ આ અભિયાન માત્ર ફોટો શુટીંગ પૂરતા રહી ગયા હતા. જેથી આશા રાખી શકાય કે આ અભિયાન શહેરમાં ચાલુ રહે.