આજના સોશિયલ મીડિયાના યુગમાં છેવાડાના માનવી સુધી ઝડપથી માહિતી પહોંચી જાય છે. પરંતુ ઘણીવાર ખોટી માહિતી પણ ફરતી થઇ જાય છે. આવી જ એક ખોટી માહિતી વિકલાંગ ભાઇઓ-બહેનો માટે ફરતી થઇ હતી, જે અંગે સરકારના સમાજ સુરક્ષા વિભાગે સ્પષ્ટતા કરી છે.
છેલ્લા કેટલાક દિવસોથી મેસેજ ફરી રહ્યા છે કે ‘‘૪૦ ટકા થી ૮૦ ટકા સુધીની વિકલાંગતા ધરાવતા દિવ્યાંગ લાભાર્થીઓને પેન્શન આપવામાં આવશે’’ જે બાબતે જિલ્લાના દિવ્યાંગ ભાઇઓ-બહેનોને જણાવવાનું કે. આવા મેસેજ તદ્દન ખોટા છે અને આવા મેસેજનો ફેલાવો કરવો નહીં અને આ મેસેજને સાચા માનીને કોઇને સોશિયલ મીડિયામાં શેર કરવા નહીં.
તેમજ આવી બાબતે કોઇ લેભાગુ તત્વો દ્વારા સર્વેના બહાને કોઇ સ્થળે ટેલીફોનીક સૂચના કે રૂબરૂમાં બોલાવવામાં આવે તો કોઇએ જવું નહીં અને કોઇની સાથે આ બાબતે કોઇપણ નાણાંકીય વ્યવહાર કરવો નહીં અને આવું કંઇ માલુમ પડતાં બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી, સી-બ્લોક, પહેલો માળ, નર્મદાભવન, વડોદરાને ટેલીફોન ૦૨૬૫-૨૪૨૮૦૪૮ પર રૂબરૂ કે ટેલીફોનીક સંપર્ક કરવા જણાવાયું છે.
રાજય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા માત્ર ૮૦ ટકા કે તેથી વધારે વિકલાંગતા ધરાવતા તેમજ ગ્રામ્ય વિસ્તાર માટે ૦ થી ૨૦ના સ્કોરવાળા બી.પી.એલ. લાભાર્થીઓ અને શહેરી વિસ્તારો માટે બી.પી.એલ. યાદીમાં નામ હોવા અંગેનો યુ.સી.ડી.નો દાખલો હોય તેવા વિકલાંગ વ્યક્તિઓને ઇન્દિરા ગાંધી નેશનલ ડીસેબીલીટી પેન્શન સ્કીમ અને સંત સુરદાસ સહાય યોજનાનો લાભ આપવામાં આવે છે.
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર