હર્મેશ સુખડિયા, અમદાવાદઃ શહેરનાં સોલા વિસ્તારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પહેલા પ્રેમ લગ્ન કર્યા બાદ પત્નીએ ડિવોર્સ આપીને અન્ય યુવક સાથે સગાઇ કરી લીધી છે. આ વાતની જાણ થતાં પૂર્વ પ્રેમીએ રસ્તામાં રોકીને પૂર્વ પત્નીને ફરીથી સંબંધ રાખવા દબાણ કર્યું હતું. પૂર્વ પતિએ ધમકી પણ આપી હતી કે જો તું મારી સાથે સંબંધ નહિ રાખે તો હું આપઘાત કરી લઇશ. તેણે પૂર્વ પત્ની સાથે અંગત પળોની તસવીરો પણ તેનાં મંગેતરને બતાવવાની ચીમકી આપી હતી. આ બધાથી કંટાળીને યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે અમદાવાદનાં ગોતા વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતી રસોઇ બનાવવાનું કામ કરે છે. નવેક વર્ષ પહેલા આ યુવતી રાકેશ નામના યુવકના પ્રેમમાં પડી હતી. બાદમાં 16મી ઓગસ્ટ, 2016માં પરિવારની જાણ બહાર રાકેશ સાથે યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ રાકેશ સારી રીતે ન રાખતા યુવતીએ તેની સાથેથી છુટાછેડા લઇ લીધા હતા. તેમના લગ્ન જીવન દરમિયાન આ બંને પ્રેમી પંખીડાઓ અંગત પળોના ફોટો પણ પાડ્યા હતા.
થોડા દિવસ પહેલા જ આ યુવતીની સગાઇ લાડોલ ખાતે એક યુવક સાથે થઇ ગઇ હતી. આ વાતની જાણ થતાં પૂર્વ પતિ રાકેશ યુવતી અવારનવાર ધમકી આપતો હતો. જ્યારે આ યુવતી રસોઇ કામ માટે જાય ત્યારે પૂર્વ પતિ રાકેશ તેનો પીછો કરતો હતો અને સંબંધ રાખવા મજબૂર કરતો હતો. આખરે કંટાળીને યુવતીએ સંબંધ રાખવાની ના પાડી દેતા રાકેશએ ફોન પર ધમકી આપી કે તે અંગત પળોની તસવીરો યુવતીના નવા મંગેતરને બતાવી દેશે. તેમ છતાં પણ તેણી સંબંધ નહિ રાખે તો તે આપઘાત કરી લેશે. આ ઘટનાથી ગભરાઇને યુવતીએ સોલા પોલીસને જાણ કરી દીધી હતી. સોલા પોલીસે યુવતીના પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધી તેને પકડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે.