અમદાવાદઃ ગુજરાતમાં આગામી 9મી ડિસેમ્બરના રોજ પ્રથમ તબક્કા માટે મતદાન યોજાશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 93 બેઠકો માટે મતદાન યોજાશે. આ માટે 7મી તારીખે સાંજે 5 વાગ્યે ચૂંટણીના પડઘમ શાંત થશે. જોકે, તે પહેલા જ ચૂંટણીના પ્રચાર પર બ્રેક લાગી ગઈ છે!
ઓખીએ લગાવી ચૂંટણી પ્રચાર પર બ્રેક
ગુજરાતમાં એક તરફ ચૂંટણીના જોરદાર પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે જ ગુજરાતમાં ઓખી નામના વાવાઝોડાએ દસ્તક દીધા છે. એટલે ચૂંટણી પંચ પ્રચાર પર બ્રેક મારે તે પહેલા જ વાવાઝોડાએ ચૂંટણી પ્રચાર પર બ્રેક મારી દીધી છે. રાજ્યમાં ખરાબ હવામાનને પગલે અનેક નેતાઓની સભાઓ રદ કરવી પડી છે. જે જગ્યાએ સભાઓ થઈ રહી છે ત્યાં લોકોની પાંખી હાજરીને કારણે ઉમેદવારો ચિંતામાં મૂકાઈ ગયા છે.
ઓખી વાવાઝોડાના કારણે અમિત શાહની અમરેલી અને ભાવનગરમાં સભાઓ રદ કરાઈ છે. વસુંધરા રાજેની સુરતની સભાઓ રદ કરાઈ છે. અમદાવાદમાં મનોજ તિવારીની સભાને પણ રદ કરવામાં આવી છે. કોંગ્રેસના નેતાઓના પ્રચારમાં પણ ઓખીએ અડચણ ઉભી કરી છે. કોંગ્રેસને પણ અનેક સભાઓ અને રેલીઓને રદ કરવાની ફરજ પડી છે.
હાલમાં ક્રિકેટમાં જેમ વરસાદના કારણે મેચ રોકાતી હોય છે તેમ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર રોકાઈ ગયો છે. ઉમેદવારો હવે વાતાવરણ ફરીથી સારું થાય તેની રાહ જોઈ રહ્યા છે.