રોજે રોજ મોબાઇલ ફોનની ટેક્નોલોજીમાં નવી-નવી ગેમ્સ લોન્ચ થઈ રહી છે. તેમાં પણ હાલમાં પબજી ગેમ પાછળ તો યુવાઓ એટલી હદે ઘેલા થયા છે કે આ ગેમ રમવામાં તેમને સમયનું પણ ભાન નથી રહેતું. એટલે કે, પબજી ગેમ માટે ડ્રગ્સ જેવી લત લાગી ગઈ છે તેમ એ તો પણ અતિશયોક્તિ ન કહેવાય. આ મુદ્દે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પબજી ગેમ પર પ્રતિબંધ મુકવા પરિપત્ર જાહેર કર્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પબજી ગેમ પર પ્રતિબંધ માટે શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. પબજી ગેમથી થતા નુકશાનને ધ્યાનમાં રાખી શિક્ષણ વિભાગે આ નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગે તમામ સ્કૂલોમાં બાળકોને પબજી ગેમથી થતા નુકશાન અંગે જાગૃતિ કેળવવા માટે પરિપત્ર જાહેર કર્યો છે.
આ મુદ્દે શિક્ષણ નિયામકે જણાવ્યું છે કે, પબજી ગેમ પાછળની બાળકોની ઘેલછા જોવા મળતી હતી. જેને લઈ તમામ જીલ્લા શિક્ષણાધિકારીઓને આદેશ કરી સ્કૂલમાં જાણ કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે દરેક સ્કૂલને આદેશ કરવામાં આવશે કે, શિક્ષકો બાળકોને પબજી ગેમ ન રમવા માટે કેળવણીના પાઠ ભણાવશે.
તમને જણાવી દઈએ કે, પબજી ગેમની ડ્રગ્સ જેવી બાળકો તથા યુવાનોમાં લત લાગી ગઈ છે. આ ગેમથી સમયનો ખુબ બગાડ થવાથી જીવન પર અસર પડી રહી છે. જેને લઈ સામાજીક કાર્યકર ચંદ્રવદન ધ્રુવની રજુઆત બાદ શિક્ષણ વિભાગે પબજી ગેમ પર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, મોબાઇલ અને મોબાઇલ ગેમ્સનું વળગણ ચિંતાનો વિષય બની રહ્યો છે. આપણે ત્યાં શાળા-કૉલેજના વિદ્યાર્થીઓ પબજી પાછળ પોતાનું ભણતર અને કરિયર દાવ પર લગાવી રહ્યાં છે. આ ગેમ રમનારા એમાં એવા તો ખોવાઈ જાય છે કે તેમને સમયનું અને આસપાસનું ભાન રહેતું નથી. કલાકો સુધી ગેમમાં ગળાડૂબ રહેતા ગેમર્સનાં માતા-પિતા પણ ચિંતિત બન્યાં છે. તેમને એ સમજાતું નથી કે આ લત આખરે છોડાવવી કેવી રીતે?