સંજય જોશી, અમદાવાદ : ભગવાન બારડ સામે કેસમાં સ્ટે હોવા છતાં તાલાળા બેઠક માટે જાહેરનામું બહાર પાડવા મામલે સોમવારે ગુજરાત હાઇકોર્ટે ચૂંટણી પંચને ફટકાર લગાવતા આ મામલે સોગંદનામું રજૂ કરવાનું કહ્યું હતું. મંગળવારે ચૂંટણી પંચ તરફથી આ મામલે જવાબ રજુ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે આ મામલે દલીલ કરી હતી કે વિધાનસભાના સ્પીકર કોઈ નિર્ણય કરે છે ત્યારે તેના નિર્ણયનો રિવ્યૂ કરવાનું કામ ચૂંટણી પંચનું નથી.
આ મામલે ચૂંટણી પંચે એવી પણ દલીલ કરી હતી કે લોકસભાની ચૂંટણી સાથે જ પેટા ચૂંટણી થઈ જાય તે માટે બંને ચૂંટણીનું જાહેરનાનું સાથે જ બહાર પાડવામાં આવ્યું હતું. જોકે, ગુજરાત હાઇકોર્ટ ચૂંટણી પંચના આ જવાબથી સંતુષ્ટ થઈ ન હતી.
ચૂંટણી પંચે હાઇકોર્ટમાં જવાબ રજુ કરતા કહ્યું હતું કે, ચૂંટણી પંચ એ વિધાનસભાના સ્પીકરની એપિલેટ ઓથોરિટી નથી. આથી સ્પીકરના નિર્ણયનો રિવ્યૂ કરવાની કામ પંચનું નથી. સ્પીકર એક વખત પોતાનો નિર્ણય જાહેરાત કરે અને કોઈ બેઠક ખાલી હોય તો એમાં ચૂંટણી પંચ સમીક્ષા નથી કરતું.
આ મામલે સુનાવણી દરમિયાન સોમવારે ગુજરાત હાઇકોર્ટે, ચૂંટણી પંચને સવાલ કર્યો હતો કે, નીચલી કોર્ટે જ્યારે ભગવાન બારડ સામેની સજા પર સ્ટે આપ્યો હોવાની બાબત ધ્યાનમાં હોવા છતાં આ બેઠક માટે શા માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. આ મામલે કોર્ટે મંગળવારે ચૂંટણી પંચને જવાબ રજુ કરવાનું કહ્યું હતું.
અધ્યક્ષે ભગવાન બારડને સસ્પેન્ડ કર્યા
ખનીજ ચોરી કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા મળ્યા બાદ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ભગવાન બારડને ધારાસભ્ય પદેથી સસ્પેન્ડ કર્યા હતા. જે બાદમાં ચૂંટણી પંચ તરફથી તાલાળા બેઠક માટે પેટા-ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. આ વાતને લઈને ભગવાન બારડે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી અને દલીલ કરી હતી કે તેની સામેની સજા પર નીચલી કોર્ટે સ્ટે આપ્યો હોવા છતાં તલાળા બેઠક પર ચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. બારડે હાઇકોર્ટમાં અરજી કરીને આ બેઠક પર ચૂંટણી પ્રક્રિયા રોકી દેવાની માંગણી કરી હતી.
તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સુત્રાપાડની કોર્ટે ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે તેમને રૂ. 2500નો દંડ પણ ફટાકાર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યને 1995ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સજા મળી છે. સુત્રાપાડાની ગૌચરની જમીનમાંથી વર્તમાન ધારાસભ્ય તરફથી 24 વર્ષ પૂર્વે ખનીજ ચોરી કરવામાં આવી હતી. આ મામલે તેમની સામે રૂ. 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો.