Home /News /gujarat /

દુષ્કાળના ભણકારા! ગુજરાતના ડેમોમાં માત્ર 51.32% જ પાણી, ઉનાળે શું થશે?

દુષ્કાળના ભણકારા! ગુજરાતના ડેમોમાં માત્ર 51.32% જ પાણી, ઉનાળે શું થશે?

પ્રતિકાત્મક તસવીર

આ વર્ષે રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં માત્ર 26.51 ટકા નોંધાયો છે. લખપત તાલુકામાં તો સરેરાશ અડધો ઇંચ વરસાદ પણ નથી વરસ્યો.

    ન્યૂઝ18 ગુજરાતીઃ આ વર્ષે ગુજરાતમાં 25 ટકા જેટલી વરસાદની ઘટ રહી છે. તેમાં પણ કચ્છ જિલ્લાની હાલત તો સૌથી વધારે ખરાબ છે. કચ્છમાં 75 ટકા વરસાદની ઘટ પડી છે. તો દક્ષિણ ગુજરાતમાં ફક્ત ચાર ટકા જ વરસાદની ઘટ છે. વરસાદની ઘટને કારણે સરકારે 16 તાલુકાના આશરે 1337 ગામોને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. આ ગામોમાં સિંચાઈનું પાણી તેમજ પશુઓને ખવડાવવા માટે ઘાસ પણ નથી. ગુજરાતના જળાશયોની સ્થિતિ તપાસીએ તો માલુમ પડશે કે રાજ્યના ડેમોમાં સરેરાશ 51.32%(લાઇવ સ્ટોક) જ પાણીનો જથ્થો બચ્યો છે. એક તરફ કચ્છના માલધારીઓએ હિજરત શરૂ કરી છે તો બીજી તરફ ખેડૂતો સિંચાઈના પાણી માટે ઉપવાસ કરી રહ્યા છે. આંકડાઓ તો એવું જ કહી રહ્યા છે કે આવનારા દિવસો ગુજરાતના ખેડૂતો માટે મુશ્કેલીભર્યા હશે. ત્યારે ખરેખર સવાલ થાય છે કે શું ગુજરાતમાં ખરેખર દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે? રાજ્યમાં કેવી કપરી પરિસ્થિતિ ઉભી થઈ શકે છે તેનો અંદાજ તમે જ નીચે આપેલા આકંડાઓ પરથી લગાવો.

    નર્મદાની ડેમની સ્થિતિ

    ચોથી ઓક્ટોબરના રોજ નર્મદા ડેમમાં 847 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે તેની સામે પાણીની જાવક 18,635 ક્યુસેક છે. હાલ ડેમની સપાટી 127.42 મીટર છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 10 સેન્ટીમીટરનો ઘટાડો નોંધાયો છે. ડેમમાં હાલ 2649 એમસીએમ લાઇવ પાણીનો જથ્થો છે. ખેતી માટે પાણીની માંગ વધવાને કારણે મુખ્ય કેનાલમાં વધારે પાણી છોડવામાં આવી રહ્યું છે. સરકાર દાવો કરી રહી છે કે નર્મદા ડેમમાં જે પાણી છે તેનાથી જ્યાં જ્યાં નર્મદા કેનાલનું નેટવર્ક છે ત્યાં આખું વર્ષ પીવાનું પાણી આપી શકાય તેમ છે. આ ઉપરાંત સિંચાઈ માટે પણ નર્મદાનું પાણી પૂરું પાડી શકાય તેમ છે. પરંતુ જ્યાં નર્મદા કેનાલનું નેટવર્ક નથી ત્યાં શું એ સવાલ ઉભો જ છે.

    ગુજરાતમાં વરસાદના આંકડા

    ગુજરાતમાં આ વર્ષે સપ્ટેમ્બર મહિના સુધી સિઝનનો કુલ 74.64 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. એટલે કે આ વર્ષે અંદાજે 25 ટકા જેટલી વરસાદની ઘટ રહેવા પામી છે.


    કચ્છઃ આ વર્ષે રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં માત્ર 26.51 ટકા નોંધાયો છે. તેમાં પણ લખપત તાલુકામાં તો સરેરાશ અડધો ઇંચ વરસાદ પણ નથી વરસ્યો. રાપરમાં એક ઇંચ વરસાદ નોંધાયો છે. વિસ્તારમાં સૌથી વધારે વરસાદ ગાંધીધામમાં 10.50 ઇંચ નોંધાયો છે.

    ઉત્તર ગુજરાતઃ આ વર્ષે ઉત્તર ગુજરાતમાં પણ સરેરાશ કરતા અડધો જ વરસાદ નોંધાયો છે. 48.04 ટકા વરસાદ સાથે ઉત્તર ગુજરાત કચ્છ પછી બીજા નંબરે રહ્યું છે. પાટણ જિલ્લામાં સૌથી ઓછો 30.85 ટકા વરસાદ પડ્યો છે. અરવલ્લી જિલ્લામાં સૌથી વધારે 79.86 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે.

    પૂર્વ-મધ્ય ગુજરાતઃ પૂર્વ-મધ્ય ગુજરાતમાં આ વર્ષે 61.23 ટકા સરેરાશ વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધારે 105 ટકા વરસાદ આણંદ જિલ્લામાં પડ્યો છે. અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો આ વર્ષે અહીં 51.79 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી ઔછો વરસાદ પણ અમદાવાદ જિલ્લામાં જ પડ્યો છે. આ વર્ષે અમદાવાદ જિલ્લામાં સરેરાશ 40.81 ટકા વરસાદ નોંધાયો છે.

    સૌરાષ્ટ્રઃ આ વર્ષે અહીં સરેરાશ 72.77 ટકા વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર વિસ્તારમાં સૌથી ઓછો 42.09 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. જ્યારે ગીર-સોમનાથ જિલ્લામાં સૌથી વધારે 140.96 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે. કોડિનાર તાલુકામાં સૌથી વધારે 64 ઇંચ વરસાદ નોંધાયો છે.

    દક્ષિણ ગુજરાતઃ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 96.43 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે 110.74 ટકા વરસાદ નવસારી જિલ્લામાં પડ્યો છે. નર્મદા જિલ્લામાં સૌથી ઓછો 68.22 ટકા વરસાદ નોંધાયો છે.

    અસરગ્રસ્ત તાલુકા

    ગુજરાત સરકારે 26મી સપ્ટેમ્બરના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય કરતા જે તાલુકાઓમાં 125 મીમીથી ઓછો વરસાદ થયો છે તેમને અછતગ્રસ્ત જાહેર કર્યા હતા. સરકારે રાજ્યના 14 તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે જેમાં કચ્છના 10 અને બનાસકાંઠાના 4 તાલુકાનો સમાવેશ થાય છે. મહેસૂલ મંત્રી કૌશિક પટેલે કચ્છના 10 તાલુકાના 893 ગામ, ઉત્તર ગુજરાતના 4 તાલુકાના 444 ગામ મળીને 1337 ગામને અછતગ્રસ્ત જાહેર કર્યા છે.

    ગુજરાતમાં પીવાના પાણી અને સિંચાઈની શું સ્થિતિ?

    હાલ ગુજરાતમાં પીવાની પાણીની કોઈ સમસ્યા નથી. પરંતુ વરસાદ ઓછો પડવાને કારણે અનેક જિલ્લામાં સિંચાઈના પાણીની બૂમો પડી રહી છે. આ માટે જ્યાં નર્મદા કેનાલનું નેટવર્ક છે ત્યાં ખડૂતો પાણી છોડવા માટે ધરણા કાર્યક્રમ કરી રહ્યા છે. મોરબીમાં બે દિવસ પહેલા ખેડૂતોએ માળિયામાં આવેલી કેનાલમાં પાણી છોડવા માટે ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. તાજા સમાચાર પ્રમાણે સરકારે ખેડૂતોની માંગણીને ગ્રાહ્ય રાખીને કેનાલમાં પાણી છોડવાનું શરૂ કર્યું છે.

    કચ્છમાંથી માલધારીઓએ શરૂ કરી હિજરત

    કચ્છના વાગડ સહિતના વિસ્તારોમાં વરસાદ ન પડવાને કારણે પશુઓને ખવડાવવા માટે ઘાસની અછત સર્જાઈ છે. જેના કારણે અહીંના માલધારીઓએ પશ્ચિમ કચ્છ અને બીજા જિલ્લાઓમાં હિજરત શરૂ કરી દીધી છે. હિજરત કરતા પરિવારના બાળકોના અભ્યાસથી લઈને અનેક સમષ્યાએ સામનો આ પરિવારજનોએ કરવો પડતો હોય છે. સરકાર જો તાત્કાલિક કોઈ પગલાં નહીં ભરે તો કચ્છના માલધારીઓ ખરેખરે મુશ્કેલીમાં મૂકાશે.

    ગુજરાતમાં ડેમોની સ્થિતિ

    ગુજરાતના ડેમોની સ્થિતિની વાત કરીએ તો કુલ 203 મોટા ડેમમાંથી હાલ 26 ડેમ સંપૂર્ણ રીતે ભરાયેલા છે. ઉત્તર ગુજરાતના 15માંથી 2 ડેમ ભરાયેલા છે. મધ્ય ગુજરાતના 17 ડેમમાંથી 7 ડેમ ભરાયેલા છે. દક્ષિણ ગુજરાતના 13માંથી સાત ડેમો ભરાયેલા છે. કચ્છના 20 ડેમમાંથી એક પણ સંપૂર્ણ ભરાયેલો નથી. જ્યારે સૌરાષ્ટ્રના 138 ડેમમાંથી માત્ર 26 ડેમ સંપૂર્ણ રીતે ભરાયેલા છે.


    ડેમમાં રહેલા પાણીના લાઇન જથ્થાની વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના ડેમોમાં પાણીનો જથ્થો 34.16 ટકા છે. મધ્ય ગુજરાતના ડેમોમાં સૌથી વધારે 91.44 ટકા પાણીનો જથ્થો રહેલો છે. દક્ષિણ ગુજરાતમાં (સરદાર સરોવર ડેમનો સમાવેશ નથી કરાયો) 48.98 ટકા પાણીનો જથ્થો છે. કચ્છના ડેમોમાં માત્ર 8.88 ટકા પાણીનો જથ્થો બચ્યો છે. સૌરાષ્ટ્રના ડેમોમાં પાણીનો જથ્થો 39.90 ટકા છે. નર્મદા ડેમમાં હાલ પાણી 45.99% પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. આ પ્રમાણે ગુજરાતના ડેમોમાં સરેરાશ 51.32% પાણીનો જથ્થો બચ્યો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Drought, GSDMA, Narmada canal, Narmada water, Sardar Sarovar Dam, Water Crisis, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन