સંજય ટાંક, અમદાવાદ : ભારત સરકાર દ્વારા આર્થિક રીતે પછાત સવર્ણોને શિક્ષણ અને નોકરીમાં 10 ટકા અનામત આપવામાં આવી છે. ગુજરાત સરકારે આ EBC અનામતનો અમલ આ વર્ષથી જ કરવાનું ઠેરવ્યું છે. દરમિયાન રાજ્યમાં મેડિકલ અને ડેન્ટલના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે ત્યારે ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશને રાજ્યમાં આર્થિક અનામતના અંગે ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલને પત્ર લખ્યો છે. EWS એટલે ઇકૉનોમિક વીકર સેક્શન માટે મેડિકલના પ્રવેશમાં ક્વોટાનો અમલ કેવી રીતે થશે અને આર્થિક રીતે પછાત સવર્ણોને અપાયેલી અનામત કેવી રીતે લાગુ થશે તેને લઈને ગુંચવાડો સર્જાયો છે. આ મામલે ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા વાલીઓમાં ચાલી રહેલી અસમંજસ અંગે સ્પષ્ટતા માંગી છે.
રાજ્યમાં મેડિકલની 4700થી વધુ બેઠકો છે જેમાં પ્રવેશને લઈને સર્જાયેલા ગુંચવાડા અંગે વાલીઓએ સ્પષ્ટતા માંગી છે. ઉલ્લેખનીય છે કે મેડિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયામાં ડોમિસાઇલ સર્ટિફિકેટ આપવાની જરરૂ પડે છે. અગાઉ ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસીએશને આક્ષેપ કર્યો હતો કે ડોમિસાઇલ સર્ટિફિકેટ મેળવવા માટે કેટલાક વિદ્યાર્થીઓએ બોગસ દસ્તાવેજો રજૂ કર્યા છે. ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા આક્ષેપ કરાયો હતો કે આણંદ અને આંકલાવમાં ખોટા દસ્તાવેજો આપી સર્ટિફિકેટ બનાવાયા છે. આ મામલે ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશનને લેખિતમાં રજૂઆત કરતા રાજ્યના ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી.
ફરી એક વાર ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશન મેદાને આવ્યું છે અને આર્થિક અનામત તેમજ EWS ક્વોટના કારણે પ્રવેશ પ્રક્રિયામાં સર્જાયેલી મુસીબત અંગે રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે થોડા સમય પહેલાં પત્રકારોને જણાવ્યું હતું કે રાજ્યમાં આ વર્ષથી જ આર્થિક અનામત લાગુ થઈ જશે અને તેના માટે જ્યાં જરૂર જણાશે ત્યાં બેઠકોની સંખ્યામાં વધારો કરવામાં આવશે. પરંતુ અનામત અને EWS ક્વોટાને લઈને કોઈ ચોક્કસ ખુલાસો ન હોવાથી ડોમિસાઇલ પેરેન્ટ્સ એસોસિએશને નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલે પાસે ખુલાસો માંગ્યો છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર