નરેન્દ્ર મોદીની સરકાર માહિતી અધિકારના કાયદા-2005 (RTI Act)માં સુધારો કરવા માટે સંસદમાં બિલ લાવી છે તો સાથે સાથે ડેટા પ્રોટકેશન બિલ પણ સંસદમાં લાવી રહી છે. માહિતી અધિકારના કાયદા માટે લડતા લોકોએ ભય વ્યક્ત કર્યો છે કે, માહિતી અધિકારના કાયદામાં સુધારા બિલ અને ડેટા પ્રોટેક્શલ બિલ એમ બંને બિલ દ્વારા માહિતી અધિકારનો કાયદો તેની અસરકારક્તા ગુમાવી દેશે.
આ વિષયની ચર્ચા કરવા માટે માહિતી અધિકાર ગુજરાત પહેલ દ્વારા એ નાગરીક ચર્ચા મંગળવારે અમદાવાદ મેનેજમેન્ટ એશોસિયેશન દ્વારા 10 થી 1 વાગ્યા રાખવામાં આવી છે.
માહિતી અધિકારના કાયદા માટે લડતા પંક્તિ જોગે જણાવ્યુ કે, માહિતી અધિકારના કાયદાને નબળો પાડવાની આ એક ગંભીર ચાલ છે. ડેટા પ્રોટેક્શન બિલ સંસદમાં લવાઇ રહ્યુ છે અને આ બિલમાં 50થી વધુ કાયદાઓમાં સુધારા સુચવ્યા છે જેમાં એક માહિતી અધિકાર કાયદો પણ છે. આ બિલમાં માહિતી અધિકારના કાયદાની કલમ 8(1)માં સુધારા સુચવ્યા છે. આ કલમ દ્વારા સરકારના વિવિધ વિભાગોને માહિતી જાહેર કરવામાંથી બાકાત રાખવામાં આવ્યા છે. સરકારી કર્મચારીઓની અંગત વિગતો જેવી બાબતોનો સહારો લઇ, માહિતી લોકોને ન મળે એવી પેરવી થઇ રહી છે. આ બાબતની ચર્ચા થવી જરૂરી છે અને નાગરીક તરીકે તેને વિરોધ થવો જોઇએ. આપણે પારદર્શક સરકાર બનાવવા માંગીએ છીએ”.
હાલ દેશભરના કર્મશીલો માહિતી અધિકારમા કાયદામાં સુધારા કરવા માટેનું બિલ અને હવે ડેટા પ્રોટકેશન બિલનો વિરોધ કરી રહ્યા છે. આ બંને બિલ દ્વારા માહિતી અધિકારના કાયદાને મૃતપાય કરવાની તૈયાર થઇ રહી છે તેવો આક્ષેપ થઇ રહ્યો છે.
માહિતી અધિકારના કાયદામાં ફેરફાર થઇ રહ્યો છે તે સમાચાર મળતા જ, દેશભરમાં માહિતી અધિકારના કાયદા માટે લડતા લોકો ભેગા થયા અને તેનો વિરોધ કર્યો.
માહિતી અધિકારના કાયદામાં જે સુચિત સુધારા છે તેમાં
1) હાલના માહિતી અધિકારના કાયદા મુજબ કેન્દ્રીય અથવા રાજ્ય માહિતી આયોગમાં જે મુખ્ય માહિતી કમિશ્નર અને અન્ય માહિતી કમિશ્નર હોય છે તેમનો ફરજનો સમયગાળો ૬૫ વર્ષ અથવા ૫ વર્ષ બે માંથી જે ઓછું હોય તે, અવી તેવી જોગવાઈ છે.. તેને બદલીને સરકાર હવે માહિતી કમિશ્નરનો સમયગાળો કેન્દ્ર સરકાર નક્કી કરશે. એટલે કોઈ કમિશ્નર ૧૦ વર્ષ માટે કે તેથી વધુ સમય માટે પણ કમિશ્નર રહી શકે અને કોઈ ને ૬ મહિનામાં પણ દૂર કરી શકાય. આ એક ખતરનાક બાબત ગણાય. કેમ કે, આ પદ પર વધુ સમય રહેવા માટે પણ પંચ તરફથી સરકારને ગમે તેવા ચુકાદા આપવાની વલણ ઉભું થશે.
2) માહિતી કમિશ્નરનો હોદ્દો “ચુંટણી પંચ કમિશ્નર સમકક્ષ હતો તેને બદલીને હવે આ અંગે કેન્દ્ર સરકાર નક્કી કરશે. આ ફેરફાર માટે મુસદ્દામાં કારણ દર્શાવ્યુ છે કે, ચુંટણી પંચ અને માહિતી કમિશ્નરના કાર્યો અને જવાબદારીઓ જુદી જુદી છે, જે સ્વાભાવિક છે. આ જોગવાઈ તેની સ્વાયતતા નક્કી કરવાના સંદર્ભમાં હતી. નહી કે કાર્યનાં સંદર્ભમાં. માહિતી પંચના પગાર હવેથી કેન્દ્ર સરકાર નક્કી કરશે. એટલે કે, તેમના પર હવેથી કેન્દ્ર સરકારનો અંકુશ રહેશે.
3) ત્રીજો એક ફેરફાર એ છે કે, તેમના પગારની સાથે-સાથે તેમની કામ કરવાની શરતો અને નિયમો પણ કેન્દ્ર સરકાર નક્કી કરશે. અહી એક જ જગ્યાએ “સમુચિત સરકાર” એવો શબ્દનો ઉપયોગ કર્યો છે, અને બાકી તમામ જગ્યાએ માત્ર કેન્દ્ર સરકાર એમ કહ્યું છે. છે. એટલે, તમામ રાજ્યોના માહિતી પંચોના પગાર, નિયમો, અને કાર્ય કરવા માટેની શરતો હવેથી દિલ્હીમાં નક્કી થશે.
માહિતી અધિકારની કાયદામાં આ સૂચિત ફેરફારો માહિતી આયોગનું સ્વતંત્ર અસ્તિત્વ, તટસ્થતા અને સ્વાયત્તતા સંપૂર્ણ પણે ખતમ થઇ જશે અને માહિતી આયોગ કેન્દ્ર સરકારની કઠપૂતળી બની જશે તેમ આરટીઆઇ એક્ટિવિસ્ટો માને છે.