Home /News /gujarat /

અમદાવાદ : વિદ્યાર્થિનીને માર મારવાની ઘટનામાં મિરઝાપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ વિવાદમાં

અમદાવાદ : વિદ્યાર્થિનીને માર મારવાની ઘટનામાં મિરઝાપુરની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ વિવાદમાં

સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ

શિક્ષકે પોતાની પાસે પવિત્ર આત્મા હોવાનું કહીને વિદ્યાર્થિનીના પરિવારને બરબાદ કરી નાખવાની ધમકી આપતો હોવાનો વાલીનો આક્ષેપ.

    સંજય ટાંક, અમદાવાદ : શહેરના મિરઝાપુરમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ વિદ્યાર્થિનીને માર મારવાના મુદ્દે વિવાદમાં આવી છે. વિદ્યાર્થિનીને માર મારવા ઉપરાંત તેના ફોટા પાડી અન્ય વિદ્યાર્થીઓને બતાવ્યાની શાહપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ વિદ્યાર્થીના વાલીએ કરી છે. એટલુ જ નહીં શિક્ષક પવિત્ર આત્મા ધરાવતા હોવાનું કહીને વિદ્યાર્થિનીના પરિવારને બરબાદ કરી નાખવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ પણ વાલીએ કર્યો છે.

    મળતી માહિતી પ્રમાણે મિરઝાપુરની સેન્ટ ઝેવિયર્સમાં અભ્યાસ કરતી ધોરણ-7ની 12 વર્ષની વિદ્યાર્થિનીને શિક્ષકે માર માર્યો હતો. હોમવર્ક નહીં કરીને આવતા શિક્ષકે આ બાબતે માર મારીને તેના ફોટા પાડી અન્ય વિદ્યાર્થીઓને બતાવ્યાની પોલીસ ફરિયાદ શાહપુર પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 323 હેઠળ નોંધાવી છે. વાલીઓનો આરોપ છે કે શિક્ષક ટ્યુશન રાખવા તેમના બાળકોને હેરાન કરે છે, એટલુ જ નહીં તેનામાં પવિત્ર આત્મા હોવાથી વિદ્યાર્થિનીના પરિવારને બરબાદ કરી નાખશે તેવી ધમકી પણ આપતો હતોવાનો આક્ષેપ પરિવારે લગાવ્યો છે.



    વિદ્યાર્થિનીની માતાએ જણાવ્યું હતુ કે, શિક્ષક ગયા વખતથી હેરાન કરે છે. દીકરી સ્કૂલમાં ગેરહાજર હોવાથી તેનું હોમવર્ક બાકી હતું. શિક્ષકે તેને લાફો માર્યો હતો અને મોબાઈલની મંજૂરી ન હોવા છતાં મોબાઈલથી ફોટા લઈને અન્ય બાળકોને બતાવ્યા હતા. વિદ્યાર્થિનીના નાનીએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે, સ્કૂલના શિક્ષક વારેવારે મારી પૌત્રીને હેરાન કરે છે. તેનામાં પવિત્ર આત્મા હોવાથી પરિવારને હેરાન કરશે તેવી ધમકી આપીને દીકરીને ડરાવે છે. બીજી તરફ પવિત્ર આત્મા હેરાન કરશે તેવી વાત શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને કહેવામાં આવે છે.

    આક્ષેપ અંગે શિક્ષકનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ શિક્ષક શાળામાં હાજર ન હોવાથી મિરઝાપુરમાં આવેલી સેન્ટ ઝેવિયર્સ શાળાના પ્રિન્સિપાલ ફાધર ટાઈટસ ડીકોસ્ટા સાથે વાત કરતા તેમણે બાળકીને શિક્ષક દ્વારા માર મારવાની ઘટના બની હોવાનું કબૂલ્યું હતું. સાથે જ શિક્ષકને પોતે ચેતવ્યા પણ હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ભવિષ્યમાં ફરી આવી ઘટના નહીં બને તેવી ખાતરી પણ આપી હતી. વિદ્યાર્થિનીને શિક્ષકે માર મારવા અંગે FIR નોંધાવ્યા બાદ સમગ્ર ઘટના મામલે શાળાના પ્રિન્સિપાલને વાલીએ રજૂઆત કરી હતી. જોકે, શિક્ષકવતી પ્રિન્સિપાલે માફી માંગતા અને ભવિષ્યમાં ફરી આવી ઘટના નહીં બનવાનું આશ્વાસન આપતા મામલો થાડે પડ્યો હતો.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Teacher, અમદાવાદ, છાત્ર

    આગામી સમાચાર