Home /News /gujarat /

મેટ્રો સાઇટની બાજુમાં જ પડી રહેલા ભુવાઓએ અમદાવાદીઓની ચિંતા વધારી

મેટ્રો સાઇટની બાજુમાં જ પડી રહેલા ભુવાઓએ અમદાવાદીઓની ચિંતા વધારી

જીવરાજમાં મેટ્રોના બ્રિજ નીચે પડેલો ભુવો

    અમદાવાદમાં શુક્રવારે ખાબકેલા વરસાદને કારણે લોકોએ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં વેજલપુર અને ગોમતીપુરમાં ભુવાઓ પડવાની ઘટના સામે આવી છે. જે બંને જગ્યાએ ભુવા પડ્યા છે ત્યાં મેટ્રોનું કામકાજ ચાલી રહ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને તંત્ર પણ દોડતું થયું છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નર મેટ્રોના અધિકારીઓ સાથે બેઠક કરશે. આ દરમિયાન મેટ્રો તેમજ એએમસીના ઇજનેરો હાજર રહેશે. બીજી તરફ લોકોમાં એવી પણ ચર્ચા જાગી છે કે હજી તો શહેરમાં મેટ્રો ચાલુ પણ નથી થઈ ત્યારે આવી ઘટનાઓ સામે આવી રહી છે તો ક્યાંક તેમની સલામતી સાથે કોઈ બાંધછોડ તો નથી કરવામાં આવી રહી ને?

    ગોમતીપુરમાં ભુવામાં ભાઈ-બહેન ખાબક્યા

    શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલી મુક્તિનગર સોસાયટીમાં ભુવો પડવાને કારણે ભાઈ-બહેન ઈજાગ્રસ્ત થયા હતા. શુક્રવારે સોસાયટીના 7 નંબરના મકાનમાં વરસાદને કારણે ભુવો પડ્યો હતો.

    શું બન્યું હતું?

    મુક્તિનગર સોસાયટીમાં રહેતી 20 વર્ષીય પ્રેઝી વરસાદને કારણે સોસાયટીમાં ભરાયેલું પાણી જોવા માટે ઘરની બહાર દોડી હતી. આ સમયે સોસાયટીના કોટની આસપાસનો વિસ્તાર બેસી ગયો હતો અને તે અંદર ખાબકી હતી. પ્રેઝીએ બૂમાબૂમ કરી મૂકતા તેનો 18 વર્ષનો ભાઈ રિજોય તેની મદદ માટે બહાર દોડ્યો હતો. રિજોય તેની બહેનની કોઈ મદદ કરે તે પહેલા જ તે પણ ભુવામાં ખાબક્યો હતો. બાદમાં દોડી આવેલા લોકોએ બંનેને બહાર કાઢ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

    ગોમતીપુરના ભુવામાં ખાબકેલા ભાઈ બહેન


    મેટ્રો માટે ટનલની કામગીરી ચાલી રહી હતી

    ગોમતીપુરમાં જે સોસાયટીના મકાનમાં ભુવો પડ્યો છે ત્યાં બાજુમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે. અહીં મેટ્રોની અંડર ગ્રાઉન્ડ ટનલ માટેનું કામકાજ ચાલી રહ્યું છે. જોકે, તંત્રએ સોસાયટી અને તેની બાજુમાં આવેલા ચર્સમાં પડેલા બંને ભુવાઓને સવારે પૂરી દીધા હતા.

    કોઈ સરકારી અધિકારી ન ફરક્યું

    ભુવામાં ખાબકેલા બંને બાળકોના પિતા જયાનંદભાઈએ કહ્યું હતું કે સંપૂર્ણ સલામતી સાથે મેટ્રોનું કામ કરવામાં આવે તે જરૂરી છે. તેમણે જણાવ્યું હતું કે ભુવો પડ્યાની ઘટના બાદ મેટ્રોના અધિકારીઓ અહીં દોડી આવ્યા હતા. તેમણે મારા બાળકોની સારવારનો ખર્ચ પણ આપ્યો હતો. જોકે, તેમણે ફરિયાદના સૂરમાં કહ્યું હતું કે, સરકાર તરફથી હજુ સુધી કોઈ અધિકારીઓ અમારા ઘરે કે સોસાયટીમાં ફરક્યા નથી.



    જીવરાજપાર્કમાં ભુવો પડ્યો

    શુક્રવારે ભારે વરસાદના કારણે જીવરાજપાર્કમાં 132 ફૂટ રિંગરોડ પાસે કાર ગરક થઈ જાય એવડો મોટો ભુવો પડ્યો હતો. આ ભુવાના કારણે એક તરફનો રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેના કારણે ટ્રાફિકજામ થઈ ગયો હતો. ભુવો પડ્યો તેની બાજુમાં જ મેટ્રો સાઇટની નજીક છે. શનિવારે સવારે આ ભુવાને પૂરી દેવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી હતી.

    દીપક સોલંકી, અમદાવાદ
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Heavy rain, Metro, Work, અમદાવાદ, વરસાદ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन