ગઇકાલથી આખા રાજ્યમાં ખળભળાટ મચાવતો લોક રક્ષક-કોન્સ્ટેબલની પેપર લીકના મામલામાં અનેક ખુલાસા થયા છે. આ અંગે દલિત નેતા જીગ્નેશ મેવાણીએ પણ સરકાર પર જોરદાર પ્રહાર કર્યાં છે.
જીગ્નેશ મેવાણીએ આ અંગે જણાવતા કહ્યું કે, 'નવ લાખ બેરોજગાર યુવાનોના ભવિષ્ય સાથે ચેડા કરતું અને રમત કરતુ આ પેપર લીક કૌભાંડ બીજેપીની સરકાર માટે ઘણી શરમની વાત છે. તાલુકા કક્ષાનાં ડેલિગેટ અને પીએસઆઈ કક્ષાનાં માણસો સામે કાર્યવાહી કરી પરંતુ મોટી માછલીઓને રૂપાણી સાહેબ કેમ બચાવી રહ્યાં છે તે પાયાનો સવાલ પૂછવા માંગુ છું. આ એક મોટું કૌભાંડ છે અને આ પહેલા પણ ઘણાં મોટા મોટા કૌભાંડ થયા તેમાં ભાજપ સરકારે કોઇની સામે નક્કર કાર્યવાહી કરી નથી. રફાલમાં નરેન્દ્રભાઇનું નામ આવે અને આમાં આ તાલુકા લેવલના નાના નેતાઓનું નામ આવે. છતાં તમે પેલુ કહો કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી તે તો દંભ છે.'
તેમણે આગળ જણાવતા કહ્યું કે, 'જો બીજેપીના નેતાઓમાં મોરાલીટી જેવું કંઇ બચ્યું હોય તો તાલુકા લેવલના ડેલિગેટને શું સસ્પેન્ડ કરો છો. સીબીઆઈના અધિકારી દ્વારા એફિડેવીટમાં મુકવામાં આવ્યું છે કે હરિભાઇએ લાંચ લીધી છે તો તેમને કેમ સસ્પેન્ડ નથી કરતાં?'
તેમણે બીજેપી પર પ્રહાર કરતા કહ્યું કે, 'આ કૌંભાંડમાં બીજી એક વાત સામે આવી કે ગુજરાતની બેરોજગારી. આનાથી રૂપાણી સરકારને એટલી તો ખબર પડી કે નવ લાખ લોકો રાજ્યમાં બેરોજગાર છે. તો સરકારે કહ્યું હતું કે બે કરોડ જેટલા બેરોજગારોને નોકરી આપશે તો તમે તે કોટામાંથી આ નવ લાખ લોકોને રોજગારી આપો. અને જ્યાં સુધી તમે રોજગારી ન આપી શકો ત્યાં સુધી રોજગારી ભથ્થુ આપો.'
નોંધનીય છે કે લોકરક્ષક દળ (LRD ) વર્ગ-3ની 9713 જગ્યાઓ માટે રાજ્યભરના 29 કેન્દ્રો ખાતે ગતરોજ એટલકે 2 ડિસેમ્બર, 2018ના રોજ લેવાનારી પરીક્ષાનું પેપર પરીક્ષા શરુ થતાના એક કલાક પહેલાજ ફૂટી જતા આ આ પરીક્ષામાં બેસનારા લગભગ 8,76,356 ઉમેદવારો સહીત રાજ્યભરમાં ભારે રોષ વ્યાપી ગયો છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર