Home /News /gujarat /

છારાનગરમાં પોલીસ દમનઃ દક્ષિણ છારાએ લખ્યું, 'અંગ્રેજો પાછા આવી ગયા કે શું?'

છારાનગરમાં પોલીસ દમનઃ દક્ષિણ છારાએ લખ્યું, 'અંગ્રેજો પાછા આવી ગયા કે શું?'

    દારૂબંધી સામે કાર્યવાહી કરી રહેલી અમદાવાદ પોલીસે ગુરુવારે રાત્રે છારાનગરમાં 'શક્તિ પ્રદર્શન' ઉપર ઉતરી આવી. સરદાર નગર પોલીસ મથકના પીએસઆઇ સાથે છારાનગરના બે યુવકોને કોઈ બાબતે ઝઘડો થયો. બંને પક્ષ વચ્ચે મારામારી પણ થઈ હતી, જેમાં એક પોલીસકર્મી અને એક એસઆરપી જવાનને ઈજા પહોંચી. આ વાત આટલેથી ન અટકી. છારા લોકો અમારી સામે આંખો કેમ કાઢી શકે ? તેમને તો ખાખીનો પરચો બતાવવો જ રહ્યાના આક્રોશ સાથે પોલીસની આખી ફોજ મોડી રાત્રે છારાનગરમાં ઉતરી પડી હતી. કાયદાના રક્ષકો કાયદો હાથમાં લઈને જાણે બેફામ બન્યા!

    પોલીસના દમનનો ભોગ બનનાર વ્યક્તિઓમાં "બુધન થિએટર"ના સંચાલક દક્ષિણ છારાનો પણ સમાવેશ થાય છે. પોલીસ દમનના પુરાવા તરીકે તેણે પોતાના ફેસબુક પેજ પર ઈજાના નિશાન દર્શાવતી તસવીરો પોસ્ટ કરી હતી. આ સાથે જ તેમણે ફેસબુક પોસ્ટ કરીને અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીને તેમની મદદે આવવા અપીલ પણ કરી હતી.

    ઘરો અને વાહનોમાં તોડફોડ

    પોલીસે પહેલા ઘરો બહાર પાર્ક કરેલા વાહનોને પોતાના નિશાન બનાવ્યા હતા. કહેવાય છે કે અનેક વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી. બાદમાં ઘરોના દરવાજા તોડીને લોકોને બેફામ ફટકારવામાં આવ્યા. આ ઘટનાનું રિપોર્ટિંગ કરવા માટે પહોંચેલા મીડિયા કર્મીઓને પણ પોલીસે ન છોડ્યા. સ્થાનિકોના આક્ષેપ પ્રમાણે પોલીસે મહિલાઓ પર પણ હાથ ઉપાડ્યો હતો. સ્કૂલે જતા બાળકોને પણ પકડીને પોલીસે લોકઅપમાં પૂરી દીધા હતા. અનેક લોકોના ઘરમાં ઘૂસીને પોલીસ દ્વારા તોડફોડ પણ કરવામાં આવી હતી.

    2002ના તોફાનો જેવો માહોલ હતોઃ દક્ષિણ છારા

    છારાનગરમાં થયેલા પોલીસ દમન અંગે વાત કરતા અમદાવાદ સ્થિત "બુધન થિએટર"ના સંચાલક દક્ષિણ છારાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, "ગુરુવારે રાત્રે અહીંના બે છોકરા અને સરદારનગરના પીએસઆઈ વચ્ચે કોઈ માથાકૂટ થઈ હતી. બાદમાં પોલીસના 400થી 500 જેટલા કર્મીઓ છારાનગર પર તૂટી પડ્યા હતા. પોલીસે રસ્તા પર પડેલા તમામ વાહનો તોડી નાખ્યા હતા. લોકોને ઘરની અંદર ઘૂસીને માર્યા હતા. 2002ના કોમી તોફાનો જેવો માહોલ છારાનગરમાં હતો. આજે છારાનગરના છોકરાઓ સ્કૂલે નથી ગયા. સરકાર અહીં દારૂબંધી અંગે વર્ષોથી કાર્યવાહી કરતી રહી છે, જે આવકાર્ય છે. પરંતુ પોલીસના દિમાગમાં એવી છાપ છે કે તમામ છારાઓ ગુનેગાર જ છે. અંગ્રેજો વખતની માનસિકતા હજી સુધી ગઈ નથી. દારૂબંધી કરાવવાની જવાબદારી સરકારની છે. તેમના પ્રયાસોમાં જ કોઈ ઉણપ છે. સરકાર છારાઓને રોજગારીનો કોઈ અન્ય વિકલ્પ આપવામાં પણ નિષ્ફળ રહી છે."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Chharanagar, અમદાવાદ, પોલીસ`, સીસીટીવી

    આગામી સમાચાર