દાહોદ: સ્વાતંત્ર સેનાનીનું 108 વર્ષે નિધન, ગાંધીજી સાથે જેલવાસો પણ કર્યો હતો

રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી

Dahod News: વર્ષ 1922માં ગાંધીજી સાથે અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસ પણ કર્યો હતો.

 • Share this:
  સિંગવડ : તાલુકાના તારમી (Tarmi) ગામના સ્વાતંત્ર સેનાની ડામોર સુરતાનભાઈ વેસ્તાભાઈનું 108 વર્ષની વયે શનિવારે 4.15 કલાકે નિધન થયું હતું. રવિવારે રાષ્ટ્રીય સન્માન સાથે તેમની અંતિમવિધિ (last rituals) કરવામાં આવી હતી. સ્વાતંત્ર સેનાનીનું નિધન થતાં પરિવાર આખા પંથકમાં ઘેરા શોકની લાગણી વ્યાપી હતી. સ્વાતંત્ર સેનાની ડામોર સુરતાનભાઈ વેસ્તાભાઈની રણધીકપુર પોલીસ અને દાહોદ પોલીસ (Dahod Police) દ્વારા સલામી, સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી.

  ગાંધીજી સાથે જેલવાસો પણ કર્યો હતો

  ઝાલોદ તાલુકાના વરોડ ગામે 15 મે-1914ના રોજ જન્મેલા સ્વાતંત્ર સેનાની સુરતાનભાઈ વેસ્તાભાઈ ડામોર મીરાખેડી ગામે ભીલ સેવામંડળની આશ્રમશાળામાં અભ્યાસ કરતા હતા. તેઓ નાની વયમાં ગાંધીજી સાથે અંગ્રેજો સામેની લડતમાં જોડાયા હતા. નોંધનીય છે કે, વર્ષ 1922માં ગાંધીજી સાથે અમદાવાદની સાબરમતી જેલમાં જેલવાસ પણ કર્યો હતો. તેમણે વર્ષ 1957-58માં સીંગવડના તારમી ગામે વસવાટ કર્યો હતો.

  પોતાની ચોથી પેઢી સાથે રહેતા હતા

  પરિવારમાં પાંચ પુત્રોની ચોથી પેઢી સાથે તેઓ રહેતા હતા. 108 વર્ષની જૈફ વયના કારણે સુરતાનભાઈ ડામોરની તબિયત કેટલાક સમયથી સારી રહેતી ન હતી. શનિવારે બપોરે 4.15 વાગ્યે તારમી ગામે તેઓના નિવાસ સ્થાને દેહત્યાગ કર્યો હતો.

  અંતિમવિધિમાં મોટી સંખ્યામાં ગામજનો જોડાયા

  રવિવારે બપોરના 12 વાગ્યાના અરસામાં તારમી ગામે રંધીકપુર અને દાહોદના પોલીસ જવાનો દ્વારા સલામી આપી રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવી હતી. તેઓની અંતિમવિધિમાં મોટી સંખ્યામાં ગ્રામજનો પણ જોડાયા હતા.
  Published by:Kaushal Pancholi
  First published: