ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા રવિવારે લોક રક્ષકની ભરતી માટે લેખીત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતો. જોકે, પરીક્ષાના થોડી મિનિટો પહેલા જ પેપર લીક થતા જ પરીક્ષા રદ્ કરવામાં આવી હતી. જેના પગલે ઉમેદવારોમાં ભારે રોષ ફેલાયો હતો. જ્યારે સોમવારે પેરપર લીક કાંડના આરોપીઓને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યા છે. પરંતુ કોંગ્રેસ સહિત નારાજ ઉમેદવારો દ્વારા ગુજરાતમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. વિરોધ પ્રદર્શન કરતા અનેક કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે પેપર લીક મુદ્દે આજે સોમવારે રાજ્યમાં ઠેરઠેર વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યા છે. ગાંધીનગર, બનાસકાંઠ, અમદાવાદ, જામનગર, રાજકોટ, સુરત સહિત ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વિરોધ પ્રદર્શન યોજાઇ રહ્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા રાજ્યભરમાં દેખાવો કરવામાં આવશે. આ અંગે એસઆઇટીની તપાસની માંગ સાથે કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવશે. આ સાથે કોંગ્રેસ અમદાવાદ શહેરમાં દેખાવો કરીને કલેક્ટરને આવેદન પત્ર આપશે.
વધુ મળતી માહિતી પ્રમાણે બનાસકાંઠામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પૂતળા દળન કરીને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. અને દાંતીવાડામાં પેપર લીકના મામલે પુતળા દહન કરીને વિરોધ નોંધાવ્યો હતો. આ ઉપરાંત દાહોદના ઝાલોદ તાલુકમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા બસસ્ટેન્ડ નજીક સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યકરો દ્વારા રેલી કાઢીને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. અને નાયબ કલેક્ટરને આવેદન આપીને તટસ્થ તપાસની માંગણી કરી હતી. આ ઉપરાંત સુરત શહેરમાં એનએસયુઆઇ દ્વારા ભાજપ અને રાજ્ય સરકાર વિરુદ્ધ નારા લગાવવાાં આવ્યા હતા. શહેરની વરિયાવત કોલેજમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા રામધૂન કરી સરકારને સદ્ધબુદ્ધિ આપવા પ્રાર્થના કરવામાં આવી હતી.
વડોદરાની વાત કરીએ તો ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે સીએમના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જામનગરમાં એનએસયુઆઇ દ્વારા રસ્તા ઉપર ચક્કાજામ કરીને પેપરની હોળી કરી દેખાવો કર્યા હતા. જેના પગલે પોલીસે કેટલાક કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.