હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : રાધનપુરથી કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરતા ફરી એક વખતે અલ્પેશ ભાજપમાં જોડાઈ રહ્યો હોવાની વાતને હવા મળી છે. આ પહેલા એકતા યાત્રા દરમિયાન અલ્પેશ ઠાકોરે ભાજપના નેતા શંકર ચૌધરી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પણ એવી હવા ઉડી હતી કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યો છે. જોકે, બાદમાં તેણે સ્પષ્ટતા કરી હતી આ ફક્ત સૌજન્ય મુલાકાત હતી. જોકે, સૂત્રો એવું જણાવી રહ્યા છે કે અલ્પેશ ઠાકોર આગામી સમયમાં તેના સમર્થકો તેમજ કોંગ્રેસના અમુક નેતાઓ સાથે ભાજપમાં જોડાઈ શકે છે. એટલું જ નહીં અલ્પેશને ભાજપ સરકારમાં કેબિનેટ કક્ષાનું પદ મળે તેવી શક્યતા પણ નકારી શકાતી નથી.
ધવલસિંહ ઝાલા, અલ્પેશ ઠાકોર સીએમને મળ્યાં
અલ્પેશ ઠાકોર સાથે બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી. એવી માહિતી મળી છે કે ધવલસિંહ ઝાલાને સાબરકાંઠા પોલીસ પરેશાન કરતી હોવાથી, રજુઆત કરવા માટે કોંગ્રેસના બંને ધારાસભ્યોએ વિજય રૂપાણી સાથે મુલાકાત કરી હતી. આ મામલે બંને ધારાસભ્યોએ સીએમ રૂપાણી સમક્ષ રજુઆત કરી છે. બંનેએ રજુઆત કરી છે કે પોલીસ તેમની ખોટી હેરાનગતી બંધ કરે.
મુલાકાત દરમિયાન સીએમ રૂપાણી અને અલ્પેશ ઠાકોર વચ્ચે અડધો કલાક સુધી ચર્ચા ચાલી હતી. ભાજપના નેતા બાદ અલ્પેશે હવે સીએમ રૂપાણી સાથે મુલાકાત કરતા એવી હવાએ જોર પકડ્યું છે કે અલ્પેશ ભાજપમાં જોડાઈ જશે. સીએમના નિવાસસ્થાને જ ત્રણેય નેતાઓ વચ્ચે મુલાકાત થઈ હતી. જોકે, મુલાકાત બાદ અલ્પેશે ભાજપમાં જોડાવાની અટકળો પર પૂર્ણવિરામ મૂકતા આવું કંઈ જ ન હોવાનું જણાવ્યું હતું.
અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ધવલસિંહને પરેશાન કરવા બાબતે વિજય રૂપાણીએ સઘન તપાસ કરીને કાયદાકીય રાહે તમામ મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. અમારી આ મુલાકાત ઓફિસિયલ હતી.
બીજી તરફ મુલાકાત અંગે સીએમ વિજય રૂપાણીએ જણાવ્યું કે, કોંગ્રેસના તમામ ધારાસભ્યો મને મળવા માટે આવતા રહે છે. અલ્પેશ ઠાકોરની મુલાકાતમાં કંઈ નવું ન હતું.
ઉલ્લેખનીય છે કે અલ્પેશ ઠાકોર ગુજરાત કોંગ્રેસની નેતાગીરીથી નારાજ છે. અલ્પેશે તાજેતરમાં પોતાની નારાજગી તેમજ ગુજરાતમાં પક્ષની સ્થિતિને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા બાદ અલ્પેશ ઠાકોરે ગુજરાતમાં એકતાયાત્રા કાઢી હતી.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર