કોંગ્રેસ વિચારે કે અલ્પેશ ઠાકોર જેવા નેતાઓનું શું કરવુંઃ સુશીલકુમાર મોદી
કોંગ્રેસ વિચારે કે અલ્પેશ ઠાકોર જેવા નેતાઓનું શું કરવુંઃ સુશીલકુમાર મોદી
સુશીલકુમાર મોદી (ફાઇલ તસવીર)
"બિહાર અને ગુજરાતનો સંબંધ આજકાલનો નહીં પરંતુ વર્ષો જૂનો છે. કોંગ્રેસે વિચારવું જોઈએ કે પરપ્રાંતિયો પર હુમલા કરનાર અલ્પેશ ઠાકોર જેવા નેતાઓનું શું કરવું."
અમદાવાદઃ બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલકુમાર મોદી બે દિવસથી ગુજરાત પ્રવાસે આવ્યા છે. મંગળવારે તેમણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. બુધવારે તેઓ રિવરફ્રન્ટ ખાતે હાજર રહ્યા હતા. અહીં છઠ પૂજા માટે તૈયાર કરવામાં આવેલા ઘાટનું નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન તેમણે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પર આકરા પ્રહારો કર્યા હતા.
ન્યૂઝ18 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરતા સુશીલકુમારે જણાવ્યું હતુ કે, "અલ્પેશ ઠાકોરની ઠાકોર સેનાએ પરપ્રાંતિયો પર હુમલા કર્યા હતા, એટલું જ નહીં તોડફોડ પણ કરી હતી. ગુજરાતનો માહોલ હજી વધારે ખરાબ થઈ શકતો હતો પરંતુ ગુજરાત સરકારનો આભાર કે તેમણે બધા લોકોને સુરક્ષા પૂરી પાડી. ગુજરાતની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર કે તેમણે બિહારના લોકોનો સાથ આપ્યો એટલું જ નહીં તેમનું રક્ષણ પણ કર્યું. બિહાર અને ગુજરાતનો સંબંધ આજકાલનો નહીં પરંતુ વર્ષો જૂનો છે. કોંગ્રેસે વિચારવું જોઈએ કે પરપ્રાંતિયો પર હુમલા કરનાર અલ્પેશ ઠાકોર જેવા નેતાઓનું શું કરવું."
સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે સુશીલકુમારે અલ્પેશ ઠાકોરને લઈને કરેલા નિવેદન અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં સુશીલકુમારે કહ્યુ કે, "સરદાર પટેલે દેશને જોડવાનું કામ કર્યું હતું. આથી તેમની પ્રતિમાના સાનિધ્યમાં આવું નિવેદન કરવું બિલકુલ યોગ્ય છે. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલે દેશને જોડવાનું કામ કર્યું હતું, જ્યારે કોંગ્રેસના અમુક લોકો દેશને તોડવાની વાત કરી રહ્યા છે. અલ્પેશ ઠાકોર જેવા નેતાઓને ગુજરાતની જનતાએ નકારી દીધા છે."
રિવરફ્રન્ટ બાદ સુશીલકુમારે ગાંધી આશ્રમની પણ મુલાકાત લીધી હતી. અમદાવાદ મુલાકાત દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી એક ડોક્યુમેન્ટ્રી પણ સુશીલકુમારને બતાવવામાં આવી હતી. આ ઉપરાંત સુશીલકુમારે પ્લાસ્ટિકનો કચરો કેવી રીતે નાશ પામે છે તે અંગે પણ કોર્પોરેશનના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી હતી. જે બાદમાં તેમણે જણાવ્યું હતું કે, બિહાર પણ પ્રથમ જાન્યુઆરીથી પ્લાસ્ટિક પર પ્રતિબંધ લગાવવા અંગે નિર્ણય લેશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર