25મી ઓગસ્ટના રોજ ઉપવાસ મામલે હાર્દિક પટેલને હવે કોંગ્રેસનો સાથ મળ્યો છે. આ મામલે ગાંધીનગર ખાતે કોંગ્રેસના 20થી વધારે ધારાસભ્યો સીએમ ઓફિસે પહોંચ્યા હતા. જોકે, ઓફિસ ખાતે સીએમ હાજર ન હોવાથી તેઓ સેક્રેટરી અશ્વિનકુમારને મળ્યા હતા. બાદમાં આ તમામ ધારાસભ્યો નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસના તમામ ધારાસભ્યોએ હાર્દિક પટેલને ઉપવાસ માટે મંજૂરી મળે તે અંગે રજુઆત કરી હતી. આ સાથે જ અલ્પેશ કથીરિયા પર લગાવવામાં આવેલો રાજદ્રોહનો કેસ પણ પરત ખેંચવાની રજુઆત કરવામાં આવી હતી.
હાર્દિક માટે રજુઆત કરનાર ધારાસભ્યોમાં કિરીટ પટેલ, પ્રકાશ દુધાત, સોમા પટેલ, ઋત્વિક મકવાણી, વિરજી ઠુમ્મર, લલિત વસોયા વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ ધારાસભ્યો પાસના પૂર્વ નેતા તેમજ રાજકોટના ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાની આગેવાનીમાં સીએમ કાર્યાલય પહોંચ્યા હતા.
25મી ઓગસ્ટના રોજ ઉપવાસ માટે મેદાનની મંજૂરીને લઈને હાર્દિક પટેલ હવાતિયા મારી રહ્યો છે. તંત્રએ નિકોલ ખાતે મંજૂરી આપવાનો ઇન્કાર કર્યા બાદ હાર્દિકે પોતાના ઘરે જ ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી. જોકે, ઘરે ઉપવાસની જાહેરાત બાદ હાર્દિકે ગાંધીનગર ખાતે ઉપવાસ માટેની મંજૂરી કરતી અરજી કરી હતી.
આ માટે હાર્દિકે સત્યાગ્રહ છાવણીમાં ઉપવાસ માટેની મંજૂરી માંગતી એક અરજી ગાંધીનગર કલેક્ટરને કરી છે. આ મામલે ગાંધીનગર જિલ્લાના પાસ કન્વિનર ઉત્પલ પટેલે હાર્દિક વતી ગાંધીનગરના મામલતદારને એક અરજી કરી છે. જેમાં લખવામાં આવ્યું છે કે તા. 25મી ઓગસ્ટના રોજ સત્યાગ્રહ છાવણી, સેક્ટર-6, ગાંધીનગર ખાતે માઈક અને મંડપ સાથે ઉપવાસની મંજૂરી આપવામાં આવે.