અમદાવાદની જમાલપુર બેઠકના કોંગ્રેસ ધારાસભ્ય અને કોર્પોરેટર ઇમરાન ખેડાવાલાએ તેના પર હુમલો થયાની ફરિયાદ ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. ઇમરાન ખેડાવાલાએ આક્ષેપ કર્યો છે કે રાજકીય અદાવતમાં ફારૂક રોલવાલાએ ગઇકાલે રાત્રે ઝપાઝપી કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, જમાલપુર નગીના મસ્જિદ પાસે આવેલા પાન પાર્લર પાસે આવીને ફારુક રોલવાલાએ તેને ધક્કો માર્યો હતો, અને અપશબ્દો પણ કહ્યા હતા. ઇમરાન ખેડાવાલાએ ફરિયાદમાં એવુ પણ જણાવ્યુ છે કે, ફારુક રોલવાલાએ તેની વિરુદ્ધ સોશિયલ મીડિયામાં બદનામી થાય તેવા લખાણો અને ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી છે. ત્યારે સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી છે.
ફરિયાદ અનુસાર, જમાલપુરમાં નગીના મસ્જિદ પાસે આવેલા પાન પાર્લર પાસે ઈમરાન ખેડાવાલા મિત્રો સાથે બેઠા હતા, તે દરમિયાન પાછળથી અચાનક ફારૂક રોલવાલા( રહે.ખત્રીવાડ જમાલપુર) આવીને ઈમરાન ખેડાવાલાને ધક્કો માર્યો. ત્યારબાદ ઈમરાન ખેડાવાલા સાથે ફારૂકે મારામારી કરી ગાળો ભાંડી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી, તે પછી તે જતો રહ્યો.
ઈમરાન ખેડાવાલાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, ફારૂક છેલ્લા કેટલાય સમયથી સોશિયલ મીડિયામાં બદનામી થાય તેવા લખાણો પોસ્ટ કરતો હતો અને સાથે ઓડિયો ક્લિપ પણ વાઈરલ કરતો હતો. અવાર-નવાર ફોન કરીને ગાળો પણ આપતો હતો. આ સમગ્ર મામલે ઈમરાન ખેડાવાલાએ ફરિયાદ નોંધાવી છે.