Home /News /gujarat /રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારોના નામ હાઈકમાન્ડ નક્કી કરશે : અમિત ચાવડા

રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારોના નામ હાઈકમાન્ડ નક્કી કરશે : અમિત ચાવડા

અમિત ચાવડાની ફાઇલ તસવીર

રાજ્યસભા ચૂંટણીને લઈ કોંગ્રેસને સુપ્રીમ કોર્ટ તરફથી ન્યાયની આશા

ગીતા મહેતા, ગાંધીનગર : લોકસભા ચૂંટણીમાં વિજય થયા બાદ ભાજપના અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભામાંથી રાજીનામું આપતાં ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. આ ખાલી બેઠકો માટે નવા ઉમેદવારોના નામની જાહેરાત આજે સાંજ સુધીમાં થઈ શકે છે. ભાજપ તરફથી એક નામ કેન્દ્રમાંથી અને બીજું નામ સ્થાનિક હોવાની શક્યતા છે. કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકરનું નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રાજ્યસભાની બે બેઠકોની ચૂંટણી પંચના નોટિફિકેશન સામે કોંગ્રેસે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા બાદ પાર્ટીને ન્યાયની આશા છે.

કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ આ અંગે જણાવ્યું કે, ભાજપની કેન્‍દ્ર સરકારના દબાણ હેઠળ ચૂંટણી પંચ દ્વારા ગેરબંધારણીય રીતે જાહેરનામું બહાર પાડીને ગુજરાતમાં રાજ્યસભાની બે સીટ માટેની ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. એવા સંજોગોમાં અમે આ નોટિફિકેશનને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યુ છે. તેને લઈને આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી છે. અમને સુપ્રીમ તરફથી ન્યાયની આશા છે. કોંગ્રેસની તેની પર નજર છે અને જે સંજોગો ઊભા થાય તે મુજબની રણનીતિ અંગે આજની બેઠકમાં ચર્ચા કરી હાઇકમાન્ડને પહોંચાડવામાં આવશે. ત્યારબાદ હાઇકમાન્ડ એઆઈસીસીમાં તેની જાહેરાત કરવામાં આવશે.

ચાવડાએ વધુમાં જણાવ્યું કે, આજે સાંજે વિધાનસભા કોંગ્રેસ પક્ષની બેઠકમાં રાજ્યસભાના ઉમેદવાર સંદર્ભે અને વિધાનસભા સત્ર સંદર્ભે ચર્ચા થશે. રાજ્યસભાના ઉમેદવારો સંદર્ભે હાઈકમાન્ડને પ્રસ્તાવ મોકલવામાં આવશે. અમે ખેડૂતોથી લઇને મહિલાઓની જાહેરમાં મારપીટ, સફાઈ કર્મચારીઓના કમોત મુદ્દે વિધાનસભામાં મુદ્દા ઉઠાવીશું. દલિતો માટેના અધિકારો માટેની સમિતિ છે જેમાં સીએમ ખુદ અધ્યક્ષ છે છતા દલિતોની હત્યા થઇ રહી છે દલિતો સામે અત્યાચાર થઇ રહ્યા છે જે દુખદ છે.

આ પણ વાંચો, 'મારે લાશ લઈને વળતર લેવા નથી આવવું,' મેવાણીએ 116 દલિતોની યાદી જાહેર કરી

આ ઉપરાંત પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું કે, અલ્પેશ ઠાકોરને ગેરલાયક ઠેરવવા માટેની અપીલ બાદ બધા પુરાવા અપાયા છે પરંતુ સતત સરકાર તરફી વલણ દેખાઈ રહ્યું છે. વિધાનસભાના સ્પીકરે આજ દિન સુધી તેની પર કોઈ સુનાવણી નથી કરી. તે બાબતે હાઈકોર્ટની દાદ માંગવાની તૈયારી કરવામાં આવી છે.
First published:

Tags: Eci, Election commission of india, Rajya Sabha Election, કોંગ્રેસ, ગુજરાત, ભાજપ