Home /News /gujarat /

ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરને તાબડતોબ દિલ્હી બોલાવાયો

ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે અલ્પેશ ઠાકોરને તાબડતોબ દિલ્હી બોલાવાયો

અલ્પેશ ઠાકોર અને રાહુલ ગાંધીની ફાઇલ તસવીર

ગુરુવારે આખો દિવસ એવી અટકળો વહેતી થઈ હતી કે અલ્પેશ ઠાકોર તેના સમર્થનમાં રહેલા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છે.

    ન્યૂઝ18 ગુજરાતી : ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે રાધનપુરની બેઠક પરથી કોંગ્રેસ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને ગુરુવારે સાંજે તાબડતોડ દિલ્હી બોલાવવામાં આવ્યો છે. ગુરુવારે આખો દિવસ એવી અટકળો વહેતી થઈ હતી કે અલ્પેશ ઠાકોર તેના સમર્થનમાં રહેલા બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર સાથે ભાજપમાં જોડાઈ રહ્યો છે. જોકે, આ મામલે અલ્પેશે પોતાના ઘરે પ્રેસ કોન્ફરન્સ કરીને આ વાતમાં કોઈ તથ્ય ન હોવાનું તેમજ શુક્રવારે બપોરે બે વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ કરીને તમામ સવાલોના જવાબ આપવાની વાત કહી હતી.

    કહેવામાં આવી રહ્યું છે કે અલ્પેશને ભાજપમાં જતો રોકવા માટે હાઇકમાન્ડ તરફથી તેને તાબડતોબ દિલ્હી બોલાવવામાં આવ્યો છે. અલ્પેશ સાથે રાહુલ ગાંધી અને અહેમદ પટેલ સહિતના નેતાઓ બેઠક કરી શકે છે. આ બેઠક દરમિયાન અલ્પેશ લોકસભાની કોઈ બેઠક માટે સોદાબાજી કરી શકે છે. એટલું જ નહીં ગુજરાત કોંગ્રેસમાં પોતાને કોઈ પદ મળે તેવી પણ માંગણી કરી શકે છે. ગુરુવારે વહેતા થયેલા અહેવાલો પ્રમાણે ભાજપ પાટણ બેઠક જીતવા માટે અલ્પેશ ઠાકોરને પોતાની પાર્ટીમાં લઈ રહી છે. આથી કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે અલ્પેશ આ મુદ્દે પણ કોઈ સોદાબાજી કરી શકે છે.

    આ પણ વાંચો : હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશની ત્રિપુટી, રાજકીય એક્કા બન્યા

    'અમે ભાજપમાં જોડવાના નથી'

    ગુરુવારે ભાજપમાં જોડાવાના નિવેદનો અંગે બહુચરાજીના ધારાસભ્ય ભરત ઠાકોર અને બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ નિવેદન કર્યું હતું કે અમે ભાજપમાં જોડાવાના નથી. બંને નેતાઓએ કહ્યું હતું કે અમે કોંગ્રેસમાં જ છીએ અને કોંગ્રેસમાં જ રહીશું. જોકે, સાથે સાથે બંને નેતાઓએ એવું પણ કહ્યું હતું કે અલ્પેશ કોઈ નિર્ણય લેશે તો અમારું તેને સમર્થન રહેશે.

    અલ્પેશે ક્ષત્રિય ઠાકોર સેનાની બોલાવી બેઠક

    બીજી તરફ ગુરુવારે અલ્પેશ ઠાકોરે પોતાના નિવાસસ્થાન ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાની એક બેઠક બોલાવી હતી. આ બેઠકમાં ઠાકોર સેનાના પ્રદેશ અને જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા. અલ્પેશ ઠાકોર અને ઠાકોર સેના વચ્ચે બંધ બારણે બેઠકનું આયોજન થયું હતું.

    આ પણ વાંચો : બીજેપીમાં જોડાવાની વાત માત્ર અફવા : અલ્પેશ ઠાકોર

    અલ્પેશને ભાજપમાં લેવા સામે ભાજપના પૂર્વ ધારાસભ્યએ નોંધાવ્યો વિરોધ

    અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યો હોવાના અહેવાલ વચ્ચે ભાજપના પૂર્વ ધારાસભ્ય જગરૂપસિંહ રાજપૂતે પોતાને વિરોધ નોંધાવ્યો છે. આ માટે તેણે સીએમ વિજય રૂપાણીને એક પત્ર પણ લખ્યો છે. જગરૂપસિંહે પોતાના પત્રમાં અલ્પેશ ભાજપના જોડાવવાથી પાર્ટીને થનારા સંભવિત નુક્સાન અંગે વાત લખી છે. જગરુપસિંહે પત્રમાં લખ્યું છે કે પરપ્રાંતિયો પર થયેલા હુમલાને કારણે લોકોમાં અલ્પેશ વિરુદ્ધ રોષ છે. જો અલ્પેશ ભાજપમાં જોડાશે તો હિન્દીભાષી મતદારો નારાજ થશે.

    અમારા ધારાસભ્યો ક્યાંય નહીં જાય: અહેમદ પટેલ

    અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાઈ રહ્યોના અહેવાલો વચ્ચે ગુરુવારે પ્રતિક્રિયા આપતા રાજ્ય સભાના સાંસદ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે જણાવ્યું કે, અમારા ધારાસભ્યો ક્યાંક નહીં જાય. હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ રહ્યોના અહેવાલ અંગે તેમણે જણાવ્યું કે, આ અંગેનો નિર્ણય કોંગ્રેસ હાઇકમાન્ડ તરફથી લેવામાં આવશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Lok sabha election 2019, અલ્પેશ ઠાકોર, અહેમદ પટેલ, ભાજપ, રાહુલ ગાંધી

    આગામી સમાચાર