પ્રણવ પટેલ, અમદાવાદ : કોંગ્રેસે વધુ બે બેઠક પર ઉમેદવારના નામ જાહેર કરી દીધા છે. જેમાં રાધનપુર બેઠક પરથી રઘુ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે ખેરાલુ બેઠક પરથી બાબુજી ઠાકોરને ટિકિટ આપવામાં આવી છે. આમ હવે રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર સામે કોંગ્રેસના રઘુ દેસાઈની ટક્કર થશે. જ્યારે ખેરાલુ બેઠક પર બે ઠાકોર નેતાઓ વચ્ચે ટક્કર જામશે.
સોમવારે ફોર્મ ભરવાનો અંતિમ દિવસ:
નોંધનીય છે કે આજે વિધાનસભાની છ બેઠકની પેટા ચૂંટણી માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. ભાજપે રવિવારે રાત્રે જ તમામ બેઠક પર નામ જાહેર કરી દીધા હતા. જ્યારે કોંગ્રેસે ચાર બેઠક પર નામ જાહેર કર્યા હતા. જે બાદમાં આજે (સોમવારે) વધુ બે નામ જાહેર કરવામાં આવ્યા છે. ભાજપ અને કોંગ્રેસ તરફથી તમામ બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવતા હવે કઈ બેઠક પર કોની ટક્કર થશે તે ચિત્ર સ્પષ્ટ થયું છે.