Home /News /gujarat /દલિતોને પછાત રાખવાનું દલિતોનું જ કૌભાંડ? એક કેબિનેટ પ્રધાનની પણ કથિત સંડોવણી

દલિતોને પછાત રાખવાનું દલિતોનું જ કૌભાંડ? એક કેબિનેટ પ્રધાનની પણ કથિત સંડોવણી

મંત્રી ઇશ્વર પરમાર (ફાઇલ તસવીર)

અમારી તપાસમાં જે પુરાવા મળ્યા છે તેનો છેડો સીધો રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ પ્રધાન ઇશ્વરભાઇ પરમાર સુધી પહોંચે છે.

ગીતા મહેતા, અમદાવાદ

અમદાવાદઃ 28-04-2010ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે દલિતો યુવાઓના ઉત્કર્ષ માટે સંત શિરોમણી શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલિક નામે એક યોજના અમલમાં આવી હતી. આ યોજનાનો મૂળ હેતુ અનુસૂચિત જાતિના રોજગાર ઇચ્છુક યુવાઓને રોજગાર મેળવવા માટે તાલિમ આપવાનો હતો. શુભ હેતુથી બનાવાયેલી આ યોજના પાછળનું કૌભાંડ ત્યારે બહાર આવ્યું જ્યારે 18-7-18ના રોજ ગુજરાત એન્ટી કરપ્શન બ્યુરોએ હિંમતનગરમાં અને ત્યારબાદ રાજ્યના વિવિધ ઠેકાણે દલિતોને તાલીમ આપતી સંસ્થામાં એકસાથે દરોડા પાડયા.

આ સર્ચ ઓપરેશનમાં સત્ય બહાર આવ્યું હતું કે - દલિતોને તાલીમ આપી પગભર બનાવવાના હેતુથી ચાલતા વિવિધ સ્કિલ ડેવલપમેન્ટ કોર્ષમાં વિદ્યાર્થીઓ માત્ર કાગળ પર હતા. બ્લેક લિસ્ટેડ સંસ્થાઓને પણ વર્ક ઓર્ડર અપાયા હતા. એટલું જ નહીં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ બારોબાર ચાંઉ કરી લેવામાં આવતી હતી.

એસીબીએ આ લોકો સામે એફઆઈઆર પણ નોંધી હતી

1)અરજણભાઇ મોતીભાઇ પટેલ, નાયબ નિયામક- અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, સાબરકાંઠા

2) ગણપતભાઇ ચૌહાણ, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, હિંમતનગર

3) રોહિત ધુળાભાઇ પટેલ,નિર્મળ ફાઉન્ડેશન, અમદાવાદ

4) સંચાલક- IRTC ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ , ઇન્દોર, મધ્ય પ્રદેશ

5) લોરસ એજ્યુકેશન ટેક પ્રાઇવેટ લિમિટેડ, ગુડગાંવ, હરિયાણા

6) ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ, સુરત

હાલ પણ એસીબી દ્વારા આ સર્ચ ઓપરેશન અંતર્ગત મૂળ કૌભાંડકારીઓ સુધી પહોંચવાના પ્રયાસ ચાલુ છે. પરંતુ, આ મામલે ન્યૂઝ 18 ગુજરાતી કૌભાંડના મૂળ સુધી પહોંચ્યું છે. અમારી તપાસમાં જે પુરાવા મળ્યા છે તેનો છેડો સીધો રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેબિનેટ પ્રધાન ઇશ્વરભાઇ પરમાર સુધી પહોંચે છે.

શું છે સમગ્ર કૌભાંડ?

2010માં સંત શિરોમણી શ્રી રવિદાસ ઉચ્ચ કૌશલ્ય વર્ધક તાલીમના નામે દલિતોના ઉત્થાન માટે એક યોજના લોંચ થઈ હતી. આ યોજના બરાબર ચાલે છે કે નહીં તે માટે ઓડિટર્સની નિમણૂક કરવામાં આવે છે. અને આજ ઓડિટરના રિપોર્ટસ ના આધારે જે-તે સંસ્થાઓને નાણાં ની ચૂકવણી વિભાગ દ્વારા કરવામાં આવતી હોય છે. અત્યાર સુધી એવુ બનતુ આવ્યુ છે કે અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરીઓ, સામાજિક સંસ્થાઓ ને ઓડિટ રિપોર્ટ બનાવતા ઓડિટર્સની મિલીભગતથી કૌભાંડો ચાલ્યાં આવતાં હતાં. પરંતુ, ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા આ યોજના માટે નિમાયેલા નવા ઓડિટરના કિસ્સામાં કંઈક અલગ બન્યું અને સમગ્ર કૌભાંડ પરથી પડદો ઊંચકાયો હતો.

ગત વર્ષે અમદાવાદના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કલ્પેશ બ્રહ્મક્ષત્રિયને રાજ્ય સરકાર દ્વારા આ યોજના અંતર્ગત સમગ્ર ગુજરાતની સંસ્થાઓનુ ઓડિટ કરવાનું કામ સોંપાયું હતું. આ યોજના ચાલે ત્યાં સુધીના સમય ગાળા માટે આ કામ સોંપાયું હતું. જોકે, આ ઓડિટરે પહેલો રિપોર્ટ સોંપતાની સાથે જ તેની હકાલપટ્ટી કરાઇ હતી.

અહીંયા કૌભાંડ એ છે કે- જે ઓડિટર્સના રિપોર્ટના આધારે એસીબીએ રાજ્યના વિવિધ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યા હતા, દરોડા પાડયા હતા. એ રિપોર્ટ સૌથી પહેલાં ઓડિટર કલ્પેશ બ્રહ્મક્ષત્રિય દ્વારા અનુસૂચિત વિભાગને સુપ્રત કરાયો હતો અને ગેરરીતી કરી રહેલી સંસ્થાઓને પેમેન્ટ નહીં ચૂકવવા માટે જણાવાયું હતું. પરંતુ, તેના રિપોર્ટ આધારે ગેરરિતી આચરતી સંસ્થાઓ સામે પગલાં લેવાને બદલે એ ઓડિટરનીજ હકાલપટ્ટી કરાઇ જેણે સાચા રિપોર્ટ આપ્યા હતા.

કેવી રીતે કૌભાંડ બહાર આવ્યું?

એસીબીની રેડ પહેલા જ ઓડિટરે હિંમતનગરના નિર્મળ ફાઉન્ડેશન સહિત ગુજરાતની અન્ય સંસ્થાઓમાં ગેરરીતિની આશંકા વ્યક્ત કરતો રિપોર્ટ આપ્યો હતો. ઓડિટરે રિપોર્ટમાં નોંધ્યું હતું કે- 1) સંસ્થાઓના સેન્ટર પર બબ્બે વખત વિઝીટ થયેલ છે . જેમાં વિધ્યાર્થીઓ ઘણાંજ ઓછા જોવા મળેલ છે. વિઝીટ દરમ્યાન માત્ર 8-9 વિધ્યાર્થીઓ જ હાજર હોવા છતાં બાયોમેટ્રીક હાજરી પૂરેપૂરા વિદ્યાર્થીઓની જોવા મળેલ છે.

2) કેટલીક સંસ્થા દ્વારા વર્ગો મોડા શરુ કરાયા છે. પરંતુ, મેન્યુઅલ હાજરી પત્રકમાં વિધ્યાર્થીઓની હાજરી તો અગાઉની તારીખ થી નોંધાયેલી છે. તો એ કેવી રીતે પોસિબલ બને.

3) કેટલીક જગ્યાએ ઓછી સંખ્યાનો ખુલાસો પૂછતા સંસ્થા દ્વારા જણાવાયું હતુકે વિધ્યાર્થીઓ ને ઇન્ડસ્ટ્રીઅલ વિઝીટ પર લઇ જવાયા છે. પરંતુ, હાજર અન્ય વિધ્યાર્થીઓને જયારે આ વિઝીટ સંદર્ભે પૂછયું, ત્યારે તેઓને કોઇ જાણ જ નહોતી.

4)અન્ય સંસ્થાઓમાં પણ વિઝીટ દરમ્યાન વિધ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટીની મુલાકાતે લઇ જવાયા હોવાનું જણાવાયુ હતુ, પરંતુ, તે વિઝીટ મુદ્દે કોઇ પ્રુફ રજૂ કરી શકયા નથી. તો એ સંસ્થાઓને બાયોમેટ્રીક મશીન અને વિઝીટ સર્ટિફિકેટ સાથે રુબરુ બોલાવી ને તપાસ કરવી. ઓડિટરના આ તમામ રિપોર્ટ્સની કોપી ન્યૂઝ18 ગુજરાતી પાસે છે.





ઓડિટરે અનુસૂચિત વિભાગને આપેલો આ રિપોર્ટ મંત્રી ઇશ્વર પરમાર સુધી પહોંચ્યો ત્યારે તેમણે આ મુદ્દે સીધો જ વિભાગને સંબોધીને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે લખ્યું હતું કે, "કલ્પેશ બ્રહ્મક્ષત્રિય નામના આ ઓડિટર નિમણુંક વિભાગને જોગવાઇઓને આધીન રહીને નથી કરવામાં આવી, આથી તેને તાત્કાલિક ધોરણે આ પદેથી દૂર કરવામાં આવે. તેમનો ઓડિટ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે. આ ઓડિટરે આપેલા તમામ રિપોર્ટસ રદબાતલ ગણવામાં આવે. જે સંસ્થાઓને ઓડિટરે ગેરલાયક ઠેરવીને તેમનું પેમેન્ટ અટકાવ્યું છે તેમને નાણાંની ચૂકવણી કરી દેવામાં આવે." મંત્રીએ 27-03-2018ના રોજ અનુસૂચિત વિભાગના નિયામકને ઉદેશીને લખેલા પત્રની કોપી પણ ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે.





મંત્રીના આ પત્ર બાદ જે તે સંસ્થાને નાણાંની ચૂકવણી કરી દેવામાં આવી હતી. રકમ મેળવનારીમાં એ સંસ્થાઓ પણ સામેલ હતી જેને ખૂદ એસીબીએ સર્ચ ઓપરેશન દરમિયાન ગેરલાયક ઠેરવી છે. એટલું જ નહીં મંત્રીએ 27-3-2018ના રોજ વિભાગના નિયામકને સંબોધીને લખેલા પત્રમાં જામનગરની સમરસ હોસ્ટેલને સુવિધા માટે તાત્કાલિક ધોરણે ત્રણ દિવસમાં રૂ. 24 કરોડ ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો.

મંત્રીની આ સૂચનાઓ પર ઉઠ્યા અનેક સવાલો

1) મંત્રીએ પત્રમાં ઓડિટરની નિમણૂક ગેરકાયદે હોવાનો મુદ્દો ઉઠાવીને ઓડિટરની નિમણૂક રદબાતલ ગણવાનો આદેશ આપ્યો ત્યારે એવો સવાલ ઉભો થાય છે કે, સરકાર ભાજપની, મંત્રી પણ ભાજપના અને અનુસૂચિત વિભાગ પણ મંત્રીના હાથ નીચેનો એટલે કે મંત્રીનો પોતાનો જ. એટલે કે પોતાનાજ વિભાગની કામગીરી માટે મંત્રી શ્રી પ્રશ્ન ખડો કરી રહ્યા છે. માનીલો કે પ્રશ્ન ઉભો થયો પણ હોય તો તેઓએ તેની વિધીવત તપાસ સોંપવી જોઇતી હતી. કાયદાકીય તપાસ સોંપવાને બદલે- કે નિયામકનો જવાબ માંગવાને બદલે તાત્કાલિક ધોરણે નિમણુંક રદ કરી દેવાનો તઘલખી આદેશ તેઓએ શા માટે આપ્યો.

2) પત્રમાં મંત્રીએ ઓડિટરની નિમણૂક રદ કરવા સાથે ઓડિટરે સંસ્થાઓ અંગે આપેલા અહેવાલોને પણ રદ કરવા જણાવીને તમામ સંસ્થાઓને નાણાં ચૂકવી દેવા આદેશ કર્યો છે.

અહીં સવાલ એ છે કે જયારે એક ઓડિટર - ગેરરીતી નો રિપોર્ટ આપેછે- ત્યારે તે રિપોર્ટ સાચા છે કે ખોટા પહેલાં તો તેની તપાસ થવી જોઇએ, ને માનીલો કે ખોટા હોય તો - આ ઓડિટરના અગાઉના રિપોર્ટસ ના આધારે જેટલી પણ સંસ્થાઓને પેમેન્ટ ચૂકવાયા હોય તે પણ રિવર્સ મોડ કરવા પડે.....માત્ર ગેરરિતી ધરાવતી સંસ્થાઓની નાણાંની ચૂકવણી પૂરતાજ ઓડિટર ના ઓડીટને રદબાતલ ગણવાનો આદેશ શા માટે?

3) બીજો મોટો સવાલ એ પણ છે કે આ પત્રમાં તેઓએ આ યોજના અન્વયે મળતાં ગ્રાન્ટના તમામ નાણાં ત્રણ દિવસમાં વાપરી નાંખવાની સૂચના આપી છે. 27-03-2018ના વિભાગને પત્ર લખીને તેઓ એ જણાવ્યું છે કે 31-03-2018 સુધીમાં ગ્રાન્ટના તમામ નાણાં વાપરી નાંખવા. ત્યારે સવાલ એ છે કે- કરોડોની ગ્રાન્ટ ત્રણ દિવસમાં વાપરીને તમામ સંસ્થાઓના નાણાં ચૂકવી આપવાના આદેશ સાથે - મંત્રી શ્રી તેમના વિભાગ અને અધિકારીઓ ઉપર કોના હીત માટે આટલુ પ્રેશર ઉભુ કરી રહ્યા છે. કોના માટે અને શા માટે?

4) આ યોજના સિવાય આ પત્રમાં તેઓએ જામનગરની એક સમરસ નામની હોસ્ટેલને પણ ત્રણ દિવસમાં 24 કરોડ તાત્કાલિક ચૂકવવા આદેશ કર્યો છે. ત્યારે સવાલ એ છે કે 24 કરોડ એ નાની રકમ નથી, આટલી મોટી રકમ એકજ હોસ્ટેલ ને માત્ર ત્રણ દિવસ જેટલા શોર્ટ પિરીયડમાં ચૂકવી આપવા અધિકારીઓને આટલું દબાણ કેમ? શું આમાં મંત્રી શ્રીનુ ખુદનુ પણ કોઇ હીત સંકળાયેલુ છે?

આ તમામ સવાલોના જવાબ ન્યુઝ 18 ગુજરાતીએ મંત્રી ઇશ્વરભાઇ પરમારને પૂછવા માટે કોશિષ કરી પરંતુ, અહેવાલના પ્રસારણ પહેલાં આ મુદ્દે તેઓ કેમેરા સામે બોલવાનું ટાળતા રહ્યા. જોકે, અહેવાલના પ્રસારણ બાદ પ્રજાએ સવાલો પૂછવાના શરુ કર્યા ત્યારે તેઓ કેમેરા સામે આગળ આવ્યા અને કહ્યું કે એસીબી આની તપાસ કરી રહી છે અને એસીબી આનો રિપોર્ટ સોંપશે.

આ સમગ્ર મામલે એસીબી એ જે હિંમત દાખવી એ કાબિલે દાદ છે. હજુ પણ એસીબીની તપાસ આગળ ચાલુ જ છે- ત્યારે જોવાનું એ રહેશે કે હજુ કેટલા નવા મહોરાઓને તેઓ પ્રજા સમક્શ ખુલ્લા પાડવામાં કામયાબ નિવડે છે. શું તેઓ કોઇ સરકારી દબાણમાં આવશે કે પછી નીડર બની ને તમામને દબોચશે તે જોવુ રહ્યું. એસીબી એની ફરજ નિષ્ઠા થી નિભાવશેજ અને પ્રજાને નિરાશ નહીં કરે તેવી આશા છે.

શુક્રવારે અહેવાલના પ્રસારણ સાથે જ કોંગ્રેસે પણ આ સમગ્ર મુદ્દે વિરોધની પહેલ કરી છે. અને મંત્રી ઇશ્વર પરમાર ના નાક નીચે તેમના જ મત વિસ્તાર બારડોલીમાં શનિવારે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યુ છે. કોંગ્રેસના કાર્યકરોએ શનિવારે બારડોલી ખાતે આવેલા ઇશ્વર પરમારના જનસંપર્ક કાર્યાલય તરફ સૂત્રોચ્ચાર સાથે કૂચ કરી હતી અને મંત્રી ઇશ્વર પરમારના રાજીનામાની માંગણી કરી હતી.
First published:

Tags: Cabinet Minister, Dalit, ST, કોંગ્રેસ, ગુજરાત