Home /News /gujarat /

ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી; લેહમાં માઇનસ 15.6 ડીગ્રી તાપમાન

ઉત્તર ભારતમાં હિમવર્ષાને પગલે રાજ્યમાં કાતિલ ઠંડી; લેહમાં માઇનસ 15.6 ડીગ્રી તાપમાન

પ્રતિકાત્મક તસવીર

હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ઠંડીનું જોર યથાવત્ રહી શકે છે.

    અમાદવાદઃ ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાત પર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રવિવારે રાજ્યમાં સૌથી ઓછું તાપમાન ઉત્તર ગુજરાતના ડીસામાં 7.6 ડિગ્રી નોંધાયું છે. જ્યારે અમદાવાદમાં 12.1 ડિગ્રી, નલિયા 12.4 ડિગ્રી, ભૂજ 11.4 ડિગ્રી, કંડલા 11.6 ડિગ્રી, ગાંધીનગરમાં 11.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હજુ આગામી બે દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. રાજ્યના છ શહેરમાં તાપમાન 13 ડીગ્રીની નીચે પહોંચી જતાં લોકોએ ગરમ વસ્ત્રોનો સહારો લીધો છે. તો જમ્મુ અને કાશ્મીરના લેહમાં તાપમાન -15.6 ડીગ્રી પર પહોંચી જતાં જનજીવન ઠપ્પ થઈ ગયું છે.

    રવિવારે અમદાવાદ શહેરમાં ઠંડીની સાથે સાથે 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા લોકો ઠંડીમાં ઠુંઠવાય ગયા હતા. રજાનો દિવસ હોવા છતાં લોકો મોડે સુધી ઘરમાં જ પુરાયેલા રહ્યા હતા. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી ચાર દિવસ સુધી ઠંડીનું જોર યથાવત્ રહી શકે છે.

    માઉન્ટ આબુમાં તાપમાન માઇનસ 2.5 ડીગ્રી પર પહોંચ્યું

    ગુજરાતીઓમાં ફરવા જવાના સ્થળોમાં હોટ ફેવરિટ એવા માઉન્ટ આબુમાં ઠંડીને કારણે પારો માઇનસમાં ચાલ્યો ગયો છે. -2.5 ડીગ્રી તાપમાનને કારણે અહીં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. કાતિલ ઠંડીને કારણે પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં જે લોકો ફરવા ગયા છે તેઓ પણ હોટલોમાં જ પુરાયેલા રહ્યા હતા. આ ઉપરાંત આબુની બજારોમાં પણ પ્રવાસીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. જો, ઠંડીનું જોર હજુ યથાવત્ રહેશે તો આગામી 31મી ડિસેમ્બરના રોજ પ્રવાસીઓમાં ઘટાડો નોંધાશે તેવી ચિંતા હોટલના માલિકો વ્યક્ત કરી રહ્યા છે.

    લેહમાં -15.6 ડીગ્રી તાપમાન

    જમ્મુ-કાશ્મીર સહિત સમગ્ર ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી નોંધાઈ છે. લેહમાં સૌથી વધારે -15.6 ડીગ્રી તાપમાન નોંધાયું છે, જેના કારણે અહીં જનજીવન ઠપ્પ થઈ ગયું છે. જમ્મુ-કાશ્મીરની સાથે સાથે ઉત્તર ભારતના ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને હરિયાણામાં પણ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. વળી ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં બરફ વર્ષા અને વરસાદને કારણે હાલત વધારે ખરાબ થઈ છે.

    ક્યાં કેટલું તાપમાન

    શ્રીનગર- 5.6 ડિગ્રી
    લેહ- માઇનસ 15.6 ડિગ્રી
    કારગીલ- માઇનસ 10.2 ડિગ્રી
    પહેલગામ - માઇનસ 9.3 ડિગ્રી
    આદમપુર (પંજાબ)-2.3 ડિગ્રી
    પઠાણકોટ- 3.8 ડિગ્રી
    અમૃતસર- 4 ડિગ્રી
    હિસાર (હરિયાણા)- 5.2 ડિગ્રી
    ચંડીગઢ - 5.9 ડિગ્રી
    દિલ્હી- 7.2 ડિગ્રી
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Cold Wave, Jammu and kashmir, Snowfall, Temperature, અમદાવાદ, ઉત્તરાખંડ, ગુજરાત

    આગામી સમાચાર