બિટકોઈન મામલે સીઆઈડી ક્રાઇમે ધારીના પૂર્વ ધારાસભ્ય તેમજ પાટીદાર નેતા નલિન કોટડિયાની ધરપકડ કરવાની કાર્યવાહી શરી કરી દીધી છે. સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી પ્રમાણે ગમે તે ઘડીએ નલિન કોટડિયાની ધરપકડ થઈ શકે છે. જોકે, આ વચ્ચે કોટડિયા ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેમનો કોઈ જ સંપર્ક થઈ રહ્યો નથી. આ વચ્ચે તેમણે સોમવારે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને પોતાને એન્કાઉન્ટર થવાની આશંકા વ્યક્ત કરી હતી.
કોટડિયાએ ગૃહમંત્રીને લખ્યો પત્ર
240 કરોડના બિટકોઈન કૌભાંડમાં તપાસ કરવા માટે પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયાએ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને એક પત્ર લખ્યો છે. આ પત્રની નકલ તેમણે વડાપ્રધાન કાર્યાલય અને મુખ્યમંત્રી કાર્યાલયને પણ મોકલી છે. પત્રમાં તેમણે સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ સામે પગલાં ભરવાની માંગ કરી છે. સાથે જ તેમણે આત્મવિલોપન અને ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારી છે. તેમણે પત્રમાં લખ્યું છે કે જો શૈલેષ ભટ્ટ સામે પગલાં નહીં ભરવામાં આવે તો તેઓ પરિવાર સાથે આત્મવિલોપન કરશે. તેમણે આ મામલે ઉપવાસ પર ઉતરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.
કોટડિયાને ભાગેડુ જાહેર કરાશે
સતત બે વખત સમન્સ પાઠવ્યા છતાં સીઆઈડી ક્રાઈમ સામે હાજર નહીં રહેલા કોટડિયા વિરુદ્ધ હવે સીઆઈડી ક્રાઈમ કોર્ટમાંથી વોરન્ટ મેળશે. વોરન્ટની પ્રક્રિયા બાદ નલિન કોટડિયાને ભાગેડુ જાહેર કરવામાં આવશે. બીજી તરફ આ કેસમાં પિયુષ સાવલિયાએ કોર્ટમાં સોગંદનામું કર્યું છે, જેમાં તેણે જણાવ્યું છે કે શૈલેષ ભટ્ટે કોઈ પણ પ્રકારની છંતરપિંડી કરી નથી.
240 કરોડના કૌભાંડ બાબતે પોલીસ કેમ ચૂપ?
કોટડિયા દાવો કર્યો હતો કે બિટકોઈન કૌભાંડનો આંકડો ખરેખર 240 કરોડ છે. તેણે દાવો કર્યો હતો કે બિટકોઈન પડાવી લીધાની ફરિયાદ કરનાર સુરતના બિલ્ડિર શેલૈષ ભટ્ટે ધવલ ભટ્ટના 240 કરોડના 2300 બિટકોઈન પડાવી લીધા હતા. પોલીસ આ મામલે કોઈ તપાસ કરી રહી નથી. કોટડિયાએ એવો પણ દાવો કર્યો હતો કે તેની પાસે શેલૈષ ભટ્ટની એક ઓડિયા ક્લિપ પણ છે. આ સમગ્ર કૌભાંડમાં મોટા માથા સંડોવાયેલા હોવાનો તેણે દાવો કર્યો હતો.
કૌભાંડમાં કોટડિયાનો રોલ સ્પષ્ટ થયો
બિટકોઈન તોડ પ્રકરણમાં સીઆઈડી ક્રાઈમે હવે કોટડિયાની ધરપકડ કરવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ મામલે હવે કોટડિયાની ભૂમિકા સ્પષ્ટ થઈ ગઈ છે. સમગ્ર કૌભાંડમાં નલિન કોટડિયાનો રૂ.66 લાખનો હિસ્સો હતો. જેમાંથી રૂ.25 લાખ તેના ભાણા નમનને અમદાવાદ મોકલ્યા હતા, રૂ.10 લાખ ધારીમાં તેમના સાળા નવનિતને આપ્યા હતા. તેના ભાણા નમને અમદાવાદથી આંગડિયા મારફતે રાજકોટ રૂપિયા મોકલ્યા હતા. આ રૂપિયાથી કોટડિયા ધારીમાં જમીન લેવા માંગતા હતા. કોડિયાએ આ માટે પોતાના એક સંબંધી થકી રાજકોટના નાનકુ લાવારિયા નામના એક વ્યક્તિને પૈસા આપ્યા હતા. રાજકોટ ખાતેથી પોલીસે રૂ. 25 લાખ રિકવર કર્યા છે.
કોણ છે નલિન કોટડિયા?
બિટકોઈન મામલે જેના પર ગાળિયો કસાયો છે તે નલિન કોટડિયા કોંગ્રેસના પૂર્વ કેન્દ્રીય મંત્રી મનુ કોટડિયાના ભત્રીજા છે. તેમણે 1995માં સૌપ્રથમ વખત વિધાનસભાની ચૂંટણી લડી હતી અને જીત્યા હતા. 2012માં જ્યારે કેશુભાઈ પટેલે ભાજપથી નારાજ થઈને ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવી ત્યારે કોટડિયા જીપીપીની ટિકિટ પરથી ધારાસભ્ય બન્યા હતા. જીપીપીમાંથી માત્ર બે જ ધારાસભ્ય ચૂંટાયા હતા, જેમાં કેશુભાઈ પટેલ અને તેમનો સમાવેશ થાય છે. બાદમાં જીપીપી પાર્ટીનું ભાજપમાં વિલિનિકરણ થઈ ગયું હતું. રાજ્યસભાની ચૂંટણી વખતે ભાજપ વિરુદ્ધ બેફાન નિવેદનબાજી કરતા હોવા છતાં કોટડિયાએ ભાજપને મત આપ્યો હતો. ભાજપ વિરુદ્ધ સતત કુપ્રચારથી 2017ની ચૂંટણીમાં ભાજપે તેમને ટિકિટ આપી ન હતી.