'તને ચાર ચાર બંગડીવાળી ગાડી લઈ દઉ' પોતાના આ ગીતથી ગુજરાતીઓને ડોલાવનાર કિંજલ દવે આ જ ગીતના કારણે વિવાદમાં ફસાઇ છે. ઓસ્ટ્રેલિયન કાઠિયાવાડી કિંગ તરીકે જાણીતા યુવક કાર્તિક પટેલે દાવો કર્યો છે કે આ ગીત તેના ગીતની નકલ છે. જે માટે ગઇકાલે અમદાવાદ કોમર્શિયલ કોર્ટે કિંજલ દવેને એક નોટિસ પાઢવી છે અને તેને આ ગીત 22મી જાન્યુઆરી સુધી ન ગાવાનો હુકમ કર્યો છે . આ અંગે આમારી ટીમે કિંજલ દવે સાથે વાત કરી હતી તેના થોડા અંશો જોઇએ.
પ્રશ્ન: 'ચાર બંગડી' ગીત ફરી વિવાદમાં આવ્યું છે, તમને આ કેટલો યોગ્ય લાગે છે?
જવાબ: વિવાદનો સવાલ જ નથી કારણ કે આ જાહેર અત્યારે થયો છે. પરંતુ કાર્તિક પટેલે અમારૂં ગીત યૂટ્યુબ પર ચઢ્યું ત્યારથી જ કોપીરાઇટનો કેસ કર્યો હતો. પરંતુ અઢી વર્ષથી આ ગીત યૂટ્યુબ પર છે. જો આમાં કોપીરાઇટ લાગ્યું હોત તો આ ગીત યૂટ્યુબ પરથી ક્યારનું ઉતરી ગયું હોત અને આટલો વિવાદ તો થયો જ ન હોત. પરંતુ યુટ્યુબને આમાં કોઇ ઇશ્યુ ન લાગ્યો. એટલે જ અત્યાર સુધી આ ગીત યૂટ્યુબ ઉપર ચાલે છે અને કરોડો લોકોએ તેને જોયું પણ છે. હવે આવી નોટિસ આવી છે જેનો અભ્યાસ કરીશ અને વકીલની સલાહ પ્રામાણે આ કેસમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે.
પ્રશ્ન: આ ગીતને કોઇ કાર્યક્રમમાં ગાવાનું નથી કે ઇન્ટરનેટ પરથી હટાવી લેવામાં આવે તેની પર તમે શું કહેશો?
જવાબ:
મને 22મી જાન્યુઆરીની આગામી સુનાવણી સુધી કોઈ કોમર્શિયલ કાર્યક્રમોમાં આ ગીત ન ગાવા માટે અમદાવાદની કોમર્શિયલ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે. તો હું કોઇ જાહેર કાર્યક્રમમાં આ ગીત નહીં ગાઉ. આ ગીત તમામ ઇન્ટરનેટ માધ્યમો પરથી હટાવવા આદેશ મળ્યો છે પરંતુ આ ગીત મારા કોઇ અંગત એકાઉન્ટમાંથી ચઢ્યું નથી. જે કંપનીએ ચઢાવ્યું છે તેમને નોટિસ મળશે તેમ તે કરશે.
પ્રશ્ન: હવે તમે આ વિવાદમાં શું કરશો.
જવાબ: હું આ ગીતની માલિક નથી કે મેં લખ્યું નથી. મેં આ ગીતને માત્ર અવાજ જ આપ્યો છે. આમાં જે પણ કોર્ટનો ચુકાદો હશે તે પ્રમાણે આગામી સમયમાં વર્તવામાં આવશે. આ ગીત પર અઢી વર્ષથી કાર્તિક પટેલની અને મારી કંપની કોપીરાઇટનાં મામલે લડી રહ્યાં છે અને મને ગઇકાલે જ એક નોટિસ આપવામાં આવી છે. જેનો અભ્યાસ મારે બાકી છે. કોઇ વકીલની સલાહ પ્રમાણે આમાં હવે કાર્યવાહી કરવામાં આવશે.