Home /News /gujarat /

રોમિયો સાવધાન! મહિલા સુરક્ષા માટે આધુનિક ટૅક્નૉલૉજીથી સજ્જ 100 'નિર્ભયા વાન' તૈયાર

રોમિયો સાવધાન! મહિલા સુરક્ષા માટે આધુનિક ટૅક્નૉલૉજીથી સજ્જ 100 'નિર્ભયા વાન' તૈયાર

ભાવિક આચાર્ય, અમદાવાદઃ નવરાત્રીનો તહેવાર શરૂ થતાં જ યુવતીઓ સજીધજીને ગરબા રમવા જતી હોય છે, પણ તે સમયોમાં જ છેડતીના બનાવો પણ વધતા હોય છે. જેને લઇને શહેર પોલીસે સી-સ્ક્વોડની રચના કરી હતી. દરેક પોલીસસ્ટેશનમાં એક મહિલા પીએસાઇની આગેવાનીમાં આ ટીમ કાર્યરત હતી. ત્યારે નવરાત્રિના આઠ દિવસોમાં પોલીસે 67થી વધુ રોમિયોની ધરપકડ કરી હતી.

આ નિર્ભયા વાન જાહેર રસ્તાઓ, કોલેજ, યુનિવર્સિટી, શાકમાર્કેટ અને અનેક જાહેર સ્થળો પર યુવતીઓની છેડતીઓની ઘટના સામે બાજ નજર રાખશે.

    અમદાવાદ શહેર પોલીસ મહિલાઓની સુરક્ષાને લઇને વધુ એક્શન મોડમાં આવી છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા હવે મહિલાઓની સુરક્ષા માટે ૧૦૦ જેટલી આધુનિક ટૅક્નૉલૉજીથી સજ્જ નિર્ભયા વાન તૈયાર કરવામાં આવી રહી છે. આ નિર્ભયા વાન જાહેર રસ્તાઓ, કોલેજ, યુનિવર્સિટી, શાકમાર્કેટ અને અનેક જાહેર સ્થળો પર યુવતીઓની છેડતીઓની ઘટના સામે બાજ નજર રાખશે.

    નિર્ભયા પ્રૉજેક્ટના મેમ્બર અને ઝૉન-૫ના ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું કે, મહિલાઓની સુરક્ષા માટે ૧૦૦ જેટલી આધુનિક ટૅક્નૉલૉજીથી સજ્જ નિર્ભયા વાન તૈયાર થઇ રહી છે. આ વાન અમદાવાદના અલગ-અલગ જગ્યાઓ પર મૂકવામાં આવશે. જો કોઇ રોમિયો તેમજ બીભત્સ હરકતોને કારણે શહેરની મહિલાઓને મુશ્કેલી પડતી હશે, ત્યાં ગણતરીની સેકેન્ડોમાં આ વાન એ મહિલાની સુરક્ષા માટે પહોંચી જશે. આ વાનમાં મહિલાઓની સાથે વાતચીત કરી શકે એવી પોલીસ અને કાઉન્સિલર્સ પણ મૂકવામાં આવશે.

    ડીસીપી અક્ષયરાજે જણાવ્યું કે, આ વાન ઓટોમોટિક નંબર પ્લેટ રૅકોગ્નિશન કેમેરાથી સજ્જ હશે. જેમાં કોઇપણ વ્યક્તિ મહિલાઓની છેડતી કે ચેઇનસ્નૅચિંગ જેવી ઘટનાને અંજામ આપીને ફરાર થશે તો, એ ચાલકની નંબર પ્લેટના આધારે તેની તરત જ ઓળખ કરી લેવામાં આવશે.

    ડીસીપીએ વધુમાં જણાવ્યું કે, આ નિભર્યા વાન સી.સી.ટી.વી કેમેરાથી, આધુનિક ટૅક્નૉલૉજી અને લાઇવ રૅકોર્ડિંગની સુવિધાથી સજ્જ હશે. જેમાં મોબાઇલ ડેટા, લાઇવ રૅકોર્ડિગ અને રેડલાઇટ વાયોલેશન ડિટેક્શન સિસ્ટમ પણ હશે. આ ઉપરાંત સી.સી.ટી.વી કેમેરાનું લાઇવ વિઝ્યુઅલ કંટ્રૉલરૂમમાં જોઇ શકાશે. આ નિર્ભયા વાન શહેર પોલીસની ‘શી ટીમ’ને શરૂઆતમાં ફાળવવામાં આવશે.

    અમદાવાદ શહેર પોલીસ દ્વારા મહિલાઓની સુરક્ષાને લઇને મોટાભાગના પોલીસ સ્ટેશનમાં એક ‘શી ટીમ’ની રચના કરવામાં આવી છે. આ ‘શી ટીમ’ સ્કૂલ-કોલેજો, મોલ તથા મહિલાઓની ભીડ જ્યાં સૌથી વધુ જોવા મળતી હોય ત્યાં વોચ રાખતી હોય છે અને જો કોઇ રોમિયો મહિલાઓની છેડતી કરતો જોવા મળે તો તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે છે. આ ‘શી ટીમ’માં એક મહિલા પી.એસ.આઇ. અને ચાર મહિલા તથા બે પુરુષ કોન્સ્ટેબલ હોય છે. આ ‘શી ટીમ’ મહિલાઓની સુરક્ષાને લઇને મળતી ફરિયાદો પર જ કામ કરે છે. ‘શી ટીમે’ દ્વારા અમદાવાદમાં ઘણા રોમિયોને વિવિધ જગ્યાઓ પરથી પકડી પાડીને પ્રશંસનીય કામગીરી પણ કરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Caution, Romeo

    આગામી સમાચાર